જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે પણ તેમની ચાલ કે નક્ષત્રમાં ફેરફાર થાય છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન તેમજ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. હિન્દુ પંચાંગ અનુસાર સૂર્યદેવ હાલમાં વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં બિરાજમાન છે, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આગામી આઠમી જૂનના રોજ બપોરે 1.39 કલાકે સૂર્યદેવ મૃગશિરા નક્ષત્રમાં ગોચર કરશે જેમના સ્વામી મંગળ ગ્રહ છે. સૂર્યદેવ આ નક્ષત્રમાં 22મી જૂન સુધી બિરાજમાન રહેશે અને મંગળના સ્વામિત્વવાળા આ નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે પલટી જશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ...
તુલાઃ
સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન તુલા રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે. ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ લકી સાબિત થવાનો છે, જેમાં કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે. પરિણીત લોકોએ આ સમયગાળા દરમિયાન પોતાના લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્ય પર થોડું વિશેષ ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્રમાં પૂરેપૂરી લગન અને ઈમાનદારીથી મહેનત કરવી તમારા માટે લાંબા ગાળે આર્થિક ફાયદો કરાવશે અને આ સમય દરમિયાન નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના પણ પ્રબળ ચાન્સ બની રહ્યા છે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે પણ સૂર્યનું આ ગોચર અદ્ભુત ફાયદો લઈને આવી રહ્યું છે. સૂર્ય તમારી રાશિના સ્વામી હોવાથી આ નક્ષત્ર પરિવર્તન તમને કરિયરમાં અનેક સુવર્ણ તકો અપાવશે જે લાંબા સમયથી અટકેલી હતી. ઘર-પરિવારમાં ચાલી રહેલો તણાવ દૂર થશે અને સુખ-શાંતિ તેમજ ચેનવાળો માહોલ જોવા મળશે. જો તમે તમારા પ્રોફેશનલ લાઈફના નિર્ણયો ખૂબ જ ધૈર્ય અને શાંતિથી લેશો તો આ ગાળામાં તમારી આવકના સ્ત્રોત વધવાની અને મોટો આર્થિક નફો મેળવવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે પણ ગ્રહોના રાજા સૂર્યનું મંગળના નક્ષત્રમાં ગોચર કરવું અત્યંત પોઝિટિવ પરિણામો આપશે. ખાસ કરીને કુંવારા (સિંગલ) લોકોને આ સમયગાળા દરમિયાન પ્રેમ સંબંધો અથવા લગ્નની બાબતમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારના સભ્યો સાથે ચાલી રહેલા જૂના મતભેદો દૂર થશે અને તમે તેમની સાથે યાદગાર સમય પસાર કરશો. આ નક્ષત્ર ગોચરના પ્રભાવથી તમારા અટકેલા નાણાં પરત મળી શકે છે અને કમાણીના નવા માધ્યમો ઉભા થતાં તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે.