નવી દિલ્હીઃ દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચુકી છે, ત્યારે જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આમ આદમી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસમાં ખાંડના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે જેને લઈ આગામી દિવસોમાં તહેવારો સુધરી શકે છે.
દક્ષિણ મહારાષ્ટ્રમાં ખાંડનો એક્સ મિલ ભાવ 4950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને 4865 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. આ ઉપરાંત, અનેક રાજ્યોમાં એક્સ મિલ ખાંડનો ભાવ આશરે 44 થી 50 પ્રતિ કિલો થઈ ગયો છે. થોડા દિવસો પહેલાં આ ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ-મુંબઈ સહિત દેશના મોટાભાગના શહેરોમાં ખાંડના ભાવમાં ઘટાડો થયો છે.
મિલોને અપાયો આદેશ
તહેવારોની સિઝન માટે ખાંડના ભાવોને લઈને સરકારે કડકાઈ વધારી દીધી છે. કેન્દ્ર સરકારે ખાંડ મિલોને બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા અને તેને વાજબી ભાવે વેચવા આદેશ આપ્યો છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ખાંડના ભાવો પર સતત નજર રાખશે અને જરૂર પડ્યે કિંમતોને સ્થિર રાખવા માટે સુધારાત્મક પગલાં ભરશે.
મુંબઈ, દિલ્હી-કાનપુરમાં ખાંડના ભાવ શું છે?
છૂટક કિંમતની વાત કરીએ તો સરકારની કડકાના કારણે દિલ્હીમાં 22 ઓગસ્ટના ઑલ ટાઈમ હાઈ રેટથી ખાંડ રૂપિયા 12 સસ્તી થઈ છે અને ભાવ 56 રૂપિયા પ્રતિ કિલો આસપાસ છે. કાનપુરમાં આ સમયગાળા દરમિયાન ખાંડના ભાવ 69 રૂપિયા પ્રતિ કિલોથી 13 રૂપિયા ઘટીને રૂ 56 પ્રતિ કિલો થયો છે.
મુંબઈ અને રાયપુરમાં અત્યારે ખાંડનો ભાવ રૂ. 56 પ્રતિ કિલો છે. રાંચીમાં ખાંડ રૂ. 70 થી ઘટીને રૂ. 57 પર આવી ગઈ છે. ગુવાહાટીમાં ખાંડનો ભાવ રૂ. 71 થી ઘટીને રૂ. 58, કોલકાતામાં રૂ. 70થી ઘટીને રૂ. 58 પર પહોંચ્યો છે.
હૈદરાબાદ અને ચેન્નઈમાં પણ 22 ઓગસ્ટે ખાંડનો ભાવ રૂ. 70 પર પહોંચી ગયો હતો, જે હવે ઘટીને અનુક્રમે રૂ. 57 અને રૂ. 60 પર આવી ગયો છે. અમદાવાદમાં ખાંડનો ભાવ રૂ. 70 પ્રતિ કિલોથી ઘટીને રૂ. 54 પ્રતિ કિલોની આસપાસ છે.
જથ્થાબંધ ભાવોમાં પણ ઘટાડો
ચીનીમંડી અનુસાર, મુંબઈમાં 11 ઓગસ્ટે એક ક્વિન્ટલ ખાંડનો ભાવ રૂ. 6750 હતો, જે હવે ઘટીને રૂ. 5,100 પર આવી ગયો છે. દિલ્હીમાં 22 ઓગસ્ટના ઑલ ટાઈમ હાઈ રૂ. 6600ની સરખામણીએ નવમી સપ્ટેમ્બરે ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,150 પર પહોંચ્યો છે.
ખાંડના ભાવો પર અંકુશ મેળવવા માટે સરકારે મોટા ગ્રાહકો અને ડીલરો માટે સ્ટોક રાખવાની મર્યાદા નક્કી કરી હતી. ખાંડનો સંગ્રહખોરી અને સ્ટોક છુપાવનારાઓ સામેની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેમ જ ખાંડ મિલો પર પણ કડકાઈ કરવામાં આવી છે. સરકારે 21 ઓગસ્ટે 10 લાખ મેટ્રિક ટન ખાંડની ડ્યુટી-ફ્રી આયાત કરવાની મંજૂરી આપી હતી.