અરાઉન્ડ ધ વર્લ્ડઃ પ્રતીક્ષા થાનકી
નોર્વેના રસ્તાઓ પર જુલાઈમાં જેટલું થઈ શકે તેવું સંધ્યા કાળનું આછું અંધાં અમને રાત્રે બાર વાગ્યે સ્ટાવાન્ગરના સબર્બમાં એક એપાર્ટમેન્ટમાં લઈ આવ્યું. આકાશ ગ્રે હતું કારણ કે વાદળોથી ઘેરાયેલું હતું, પણ રાત જેવી ફીલિંગ્સ તો નહોતી જ આવી. રાત્રે વરસાદમાં જ ચેક-ઇન કર્યું, અને સવારે ઊઠ્યાં ત્યારે પણ વરસાદ ચાલુ જ હતો.
બધાં ઉજાગરા, એરપોર્ટની અને પછી હાઇ-વેની સ્ટ્રગલ પછી સારો પલંગ પામ્યાં હતાં, એટલે જેવાં પડ્યાં એવાં જ ઘસઘસાટ ઊંઘી ચૂક્યાં હતાં. સવાર પડી ત્યારે ખબર ન પડી કે સમય શું થયો હોઈ શકે. એપાર્ટમેન્ટમાં મિની કિચન તો હતું, પણ કોઈને ન કશું બનાવવાની ઇચ્છા હતી, ન કોઈ ગ્રોસરી હતી, પણ નાશ્તાનો થેલો ખૂલ્યો. થોડાં થેપલાં, ખાખરા અને ચવાણા સાથે સવાર પડી. કોફી તો સરળતાથી બની ગઈ હતી. હવે તૈયાર થઈને વેધર સાં ન થાય તો દિવસમાં શું કરવું એ વાત પર ચર્ચા થઈ.
સ્ટાવાન્ગરમાં જોવાલાયક સૌથી મજાની જગ્યા પર અમારે વરસાદની પણ ચિંતા કરવાની જરૂર ન હતી. એ હતું પેટ્રોલિયમ મ્યુઝિયમ. નોર્વેની જાહોજલાલીનું સૌથી મોટું કારણ જ ત્યાંથી મળી આવેલું પેટ્રોલ અને ત્યાંની સરકારે કરેલું ઇન્વેસ્ટમેન્ટ હતું. અને અહીં આવીને તરત જ તેના વિષે જાણવા મળી જવાનું હતું. જોકે સ્ટાવાન્ગરના સિટી સેન્ટરમાં બીજું પણ ઘણું જોવા જેવું હતું. તેના માટે જરા ખુલ્લામાં ચાલવા મળે એ પણ જોવું પડે તેમ હતું. અહીં અમે હજી એક રાત તો રોકાવાનાં હતાં પણ બીજા દિવસે સવારમાં હાઈક માટે નીકળી પડવાનું હતું.
સ્ટાવાન્ગરમાં તે સમયે દિવસનો ભરપૂર ઉપયોગ કરવો હતો. એવામાં વેધર એપ મુજબ બપોરે વરસાદ બ્રેક જરૂર લેવાનો હતો. તો વરસાદમાં અમે નોર્વેનો મોલ કેવો છે તે જોવા નીકળી પડ્યાં. ત્યાંના પ્લાન વખતે અને પહેલા દિવસે અવારનવાર આ દેશ બાકીની દુનિયા કરતાં જરા મોંઘો છે એવી વાતો ચાલતી આવી હતી. અને પહેલો મોકો મળતાંની સાથે જ અમે બધાં શોપિંગ તરફ ખેંચાઈ ગયેલાં. આમ પણ જરા વરસાદ અને ઠંડીમાં કામ લાગે એવી ચીજો નોર્વેજિયન લીધી હોય તો યાદગીરી પણ બની જાય અને સ્થાનિક સુવિનિયર પણ મળી જાય.
અમારી નાનકડી ટોળકી આલગાર્ડમાં નોર્વેજિયન આઉટલેટ મોલ પર પહોંચી ગઈ. જીગર અને આનલને અલગથી હાઇકિગ શૂઝ લેવા હતા. મને હેલી હાનસેનના વિન્ડ શીટરમાં રસ પડ્યો હતો. દરેક ઠંડા દેશની પોતાની મનપસંદ બ્રાન્ડ હોય જ છે. નોર્વેનાં ખ્યાતનામ સ્વેટર, ત્યાંનું લેધર, ત્યાંની ફિટનેસ, સ્કિ ગિયર માટે અમે એક પછી એક દુકાન ખૂંદવા માંડેલાં. બહાર વરસાદ બંધ છે કે ચાલુ તે પણ ભુલાઈ ગયું હતું. અહીં લંચ કરીને જ સિટીમાં જઈશું એમ વિચારીને અમે શોપિંગ ચાલુ રાખ્યું.
મોલમાં મોટાભાગે સ્થાનિકો જ નજરે પડતાં હતાં. આ વિસ્તારમાં ટૂરિસ્ટનો ખાસ મારો હોય તેવું લાગ્યું નહીં. ટૂરિસ્ટ જોવા માટે તો સિટી સેન્ટર જ જવું પડે તેમ હતું. સ્ટાવાન્ગરમાં તો ક્રૂઝ સ્ટોપ પણ છે એટલે ત્યાં મુલાકાતીઓની કોઈ કમી નથી હોતી. પણ તે મોલમાં તે સમયે અમે જ માત્ર બ્રાઉન મુલાકાતીઓ હોઈએ એવું લાગતું હતું. અને થોડી વારમાં ગુજરાતીમાં એક અવાજ આવ્યો, `કુમાર, જીગર, અહીંયા ક્યાંથી?'
તે ભાઇ પર પહેલી નજર મારી પડી હતી, પણ અમે એકબીજાને ઓળખતાં ન હતાં. એ ભાઈ હતા દેબાયન બેનરજી, સાથે તેમની પત્ની અને દીકરો પણ હતાં. આ દેબાયન કુમાર, જીગર અને આનલનો સ્કૂલમાં જુનિયર હતો. દેબાયન ખુદ બરોડામાં ઊછરેલો બંગાળી છે અને તેની પત્ની ભૂમિ અમદાવાદની છે.
ક્યાંક ન્યુજર્સી કે બેય એરિયાના રસ્તા કે મોલમાં, પેરિસના ટૂરિસ્ટ વિસ્તારમાં કોઈ જાણીતું ભટકાઈ જાય એમાં જરાય નવાઈ ન લાગે, પણ સ્ટાવાન્ગરમાં જરા પણ પ્લાન વગર કોઈ મોલમાં અમે જઈ ચડીએ અને ત્યાં આવી રીતે કોઈ મિત્ર મળી જાય એ તો ભાગ્યે જ વિચાર્યું હોય. હવે થોડી વાર માટે તો કોઈને માન્યામાં નહોતું આવતું કે અમે આ રીતે ભેટી ગયેલાં. જરા રિકવર થયા પછી જાણવા મળ્યું કે દેબાયન અને ભૂમિ પહેલાં ટ્રોન્ડહાઇમ બાજુ નોર્થમાં રહેતાં હતાં અને હાલમાં જ સ્ટાવાન્ગર શિફ્ટ થયાં હતાં.
હવે સ્વાભાવિક છે તેમનાં ઘરે જવાની વાત થઈ. અને અમે હવે માત્ર એક જ રાત અહીં છીએ તો આજે જ મળવું પડે. પહેલાં તો વાત થઈ કે ચા પીવા મળીશું. અમે શહેરમાં આંટો મારીને સાંજ પડ્યે તેમનાં ઘરે જઈશું, પણ થોડી વારમાં તો વાત ફુલ જમણવાર સુધી પહોંચી ગઈ.
તે પછી તો દેબાયન અમારી સાથે સ્ટાવાન્ગર આવ્યો, અને ભૂમિએ સાંજ માટે ફીસ્ટની તૈયારી કરી. અમે હજી નોર્વેજિયન ફૂડથી કંટાળ્યા પણ ન હતાં અને તે સાંજે ખમણ, ભીંડાનું શાક, પનીર, ગરમાગરમ રોટલી, દાળ-ભાત અને ગુલાબજાંબુ પણ મળી ગયાં.
હવે નોર્વેમાં આવી મહેમાનગતિ અને સ્થાનિક અનુભવોની વાતો વચ્ચે અમને ત્યાં સ્ટાવાન્ગર અને ટ્રોન્ડહાઇમ જેવાં શહેરોમાં ભારતીયોનું કેવું ચાલે છે, સ્કૂલમાં કે સોશ્યલ સર્કલમાં કેટલાં દેસી છે, ગ્રોસરી મળી જાય, આપણાં તહેવારો કેવા ઉજવાય, બધી વાતો થઈ. તેની આખી લોકલ દેસીની ટોળકી આવારનવાર મળતી રહે છે. અને ભૂમિએ તે દિવસે જે ઉજાણી કરાવી એ પછી તો લાગ્યું કે તેમને પાર્ટી હોસ્ટ કરવામાં પણ એક્સ્પર્ટીઝ છે. બંને સ્ટાવાન્ગરમાં જ કામ કરે છે અને દસ વર્ષથી વધુ સમય ત્યાં રહીને હવે અહીં જ વસી ગયાં છે.
નોર્વે કોઈ ઇમિગ્રાન્ટની પહેલી પસંદ હોઈ શકે કે નહીં તેનો પહેલી નજરે પ્રશ્ન જરૂર થાય. ખાસ તો એટલા માટે કે ત્યાં સતત ઠંડીમાં રહેવાનું, અને વર્ષમાં છ મહિના તો ઓલમોસ્ટ અંધારામાં જ જીવવાનું ઘણાં અંશે ડિપ્રેસિંગ બની જતું હશે. એવામાં ઘણાં ઇન્ડિયનોને ત્યાં સાં ફાવી ગયું છે તે જાણીને જરાય નવાઈ ન લાગી. આમ જ દુનિયાના કોઈ અલગ જ ખૂણે કોઇ નોર્વેજિયન મોલમાં મિત્રો મળી જાય એવું કદાચ ભારતીયો સાથે જ બનતું હોય તો નવાઈ નહીં. સ્ટાવાન્ગર અમારા માટે સરપ્રાઇઝિસથી ભરેલું હતું.