Sun Jul 26 2026

Logo

સરકારે મફતના ભાવે આપેલા પ્લોટમાં  સરકારી બાબુઓએ બનાવ્યા 'બંગલાઓ'! અંતે તંત્રને ચલાવવાનું પડ્યું 'બુલડોઝર'

2026-06-29 19:39:12
Author: Devayat Khatana
Article Image

રાજપીપળા: ગુજરાતમાં તાજેતરમાં સુરતના નાસિરનગરમાં કરવામાં આવેલા ડિમોલીશનનો મુદ્દો ચર્ચામાં છે અને આ મામલે ગુજરત હાઇ કોર્ટે તંત્ર અને પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. ત્યારે નર્મદા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' થી માત્ર થોડા જ અંતરે આવેલા ગરુડેશ્વરમાં મોટા સરકારી અધિકારીઓ દ્વારા સબસિડીવાળા પ્લોટ પર બનાવવામાં આવેલા પાંચ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. ગઇકાલે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તંત્ર દ્વારા આ  કાર્યવાહી કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં એક આરટીઆઇ દ્વારા થયેલા ખુલાસા બાદ જાણવા મળ્યું હતું કે અધિકારીઓએ રહેણાંકના હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટની શરતોનો સરેઆમ ભંગ કરીને આ બાંધકામો કર્યા હતા. 

આ અંગે મળતી વિગતો અનુસાર, વર્ષ 2019માં તત્કાલીન નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાની સહીથી 13 ઉચ્ચ અધિકારીઓને ખૂબ જ નજીવા દરે આ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. મહેસૂલ વિભાગના પરિપત્ર હેઠળ વાસ્તવિક બજાર કિંમતમાં 50 થી 75 ટકાના ઘટાડા સાથે 135 ચોરસ મીટરના પ્લોટ માત્ર રૂ. 37210  થી ૫૦,૦૦૦ માં આપવામાં આવ્યા હતા. ગરુડેશ્વરમાં ટ્રાઇબલ મ્યુઝિયમની બાજુમાં આવેલા આ પ્લોટ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સીધો નજારો જોવા મળતો હતો. નિયમ મુજબ બે વર્ષમાં રહેણાંક મકાન બનાવવાનું ફરજિયાત હતું, પરંતુ પાંચ અધિકારીઓએ સમયમર્યાદામાં બાંધકામ પૂર્ણ ન કરતા આ પ્લોટ કાયદાકીય રીતે સરકાર હસ્તક પરત જમા થઈ ગયા હતા.

જ્યારે વહીવટી તંત્ર દ્વારા આ અંગેની ફરિયાદોની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અધિકારીઓએ પોતાના રહેણાંક માટે સામાન્ય મકાન બનાવવાના બદલે 6 થી 12 બેડરૂમવાળા બહુમાળી વૈભવી બંગલાઓ બનાવી દીધા હતા. આ મકાનોમાં સામાન્ય ફ્લેટ જેવી ડિઝાઇન કે રસોડું ન હતું, પરંતુ તેમાં અનેક બાથરૂમ બનાવવામાં આવ્યા હતા. તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આ મકાનો સરકારી કર્મચારીઓના રહેઠાણ માટે નહીં, પરંતુ વિશ્વના સૌથી ઊંચા સ્મારક પાસે આવતા પ્રવાસીઓ માટે કોમર્શિયલ 'હોમસ્ટે' તરીકે ભાડે આપવા માટે જ ડિઝાઇન કરીને બનાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર ગોબાચારીનો પર્દાફાશ તત્કાલીન મામલતદાર પી.કે. જોશીએ સરકારી નિયમો અને ટાઉન પ્લાનિંગની મંજૂરીના ભંગ અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવ્યા બાદ થયો હતો. RTI દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજોમાં રેકોર્ડ બહાર આવતા, તત્કાલીન જિલ્લા કલેક્ટર સંજય મોદીએ વિસ્તૃત તપાસના આદેશ આપ્યા હતા. કલેક્ટરના રિપોર્ટના આધારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાનો કડક નિર્દેશ આપવામાં આવ્યો હતો. આમ આ મામલો પણ ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે.