Mon Sep 14 2026

Logo

સ્ટેટ GSTની મોટી કાર્યવાહીઃ અમદાવાદથી રાજકોટ જતી લક્ઝરી બસમાંથી 100 કિલો ચાંદી પકડાઈ

2026-05-17 17:15:27
Author: Devayat Khatana
સ્ટેટ GSTની મોટી કાર્યવાહીઃ અમદાવાદથી રાજકોટ જતી લક્ઝરી બસમાંથી 100 કિલો ચાંદી પકડાઈ

અમદાવાદ: ભારત સરકારે શનિવારે ચાંદીની આયાતને 'મુક્ત' શ્રેણીમાંથી હટાવીને 'પ્રતિબંધિત' શ્રેણીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવેથી ચાંદીની આયાત કરવા માટે સરકારી લાઇસન્સ લેવું ફરજિયાત બનશે. આ સ્થિતિ વચ્ચે સ્ટેટ જીએસટીની (State GST) ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાંથી આશરે 100 કિલો ચાંદીના શંકાસ્પદ જથ્થા સાથે એક શખસને દબોચી લીધો હતો. 

મળતી વિગતો અનુસાર, અમદાવાદના ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડથી રાજકોટ જઈ રહેલી એક લક્ઝરી બસમાં ચાંદીનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ અંગેની મળેલી બાતમીના આધારે જીએસટી વિભાગે વોચ ગોઠવી હતી અને બસને આંતરી હતી. તપાસ દરમિયાન એક શખસની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન તેના સામાનમાંથી શુદ્ધ ચાંદીનો આશરે 100 કિલો જેટલો જંગી જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસની નજરથી બચવા માટે આ ચાંદીનો જથ્થો સામાન્ય લગેજની જેમ બાચકામાં ભરવામાં આવ્યો હતો. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલા  જથ્થા પૈકી 80 ટકા જથ્થાનું કોઈ બિલ કે અન્ય કઈ પુરાવાની વસ્તુ મળી આવી નથી. વળી હજુ સુધી કોઈએ પણ તેનો દાવો કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇન્પુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમ કરોડોની કિંમતની ચાંદીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. 
આ દરોડા દરમિયાન 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.