નવી દિલ્હીઃ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ કોઈ અફવા કે અન્ય કારણોસર નાસભાગની ઘટના બને છે. જેમાં ઘણા લોકોના મોત થાય છે. બિહારના નાલંદાના શીતળા મંદિરમાં થયેલી ધક્કામુક્કીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. મંદિરમાં ધક્કામુક્કી અને મોતથી આ પ્રથમ ઘટના નથી. છેલ્લા થોડા વર્ષોમાં બનેલી આવી ઘટના પર એક નજર..
હાથરસ સત્સંગ
હાથરસમાં 2 જુલાઈ 2024ના રોજ સ્વયંભૂ બાબા ભોલેના સત્સંગમાં ધક્કામુક્કી થઈ હતી. નારાયરણ સાકાર વિશ્વ હરિ ઉર્ફે સુરજપાલના સત્સંગમાં મોટી સંખ્યામાં તેના અનુયાયીઓ ઉમટ્યા હતા. આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 121થી વધારે લોકોના મોત થયા હતા.
પુષ્કરમ ઉત્સવ, આંધ્રપ્રદેશ
14 જુલાઈ 2015: આંધ્રપ્રદેશના રાજમુંદરી જિલ્લામાં 'પુષ્કરમ' ઉત્સવના પ્રથમ દિવસે ગોદાવરી નદીના કાંઠે એક મુખ્ય સ્નાન સ્થળ પર મચેલી ધક્કામુક્કીમાં 27 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા.
પટનાનો દશેરા મહોત્સવ
3 ઓક્ટોબર 2014: દશેરા મહોત્સવ પૂર્ણ થયાના થોડા સમય બાદ પટનાના ગાંધી મેદાનમાં નાસભાગ મચતા 32 લોકોના મોત થયા હતા અને 26 અન્ય ઘાયલ થયા હતા.
નવરાત્રી ઉત્સવ, દતિયા, મધ્યપ્રદેશ
13 ઓક્ટોબર 2013: મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં રતનગઢ મંદિર પાસે નવરાત્રી ઉત્સવ દરમિયાન મચેલી નાસભાગમાં 115 લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓ જે પુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે પુલ તૂટવાની અફવા ફેલાતા આ હોનારત સર્જાઈ હતી.
ગંગા નદીમાં સતત બે વર્ષ બની દુર્ઘટના
ગંગા નદીમાં સતત બે વર્ષ દુર્ઘટના બની હતી. 19 નવેમ્બર 2012ના રોજ પટનામાં ગંગા નદીના કાંઠે અદાલત ઘાટ પર છઠ પૂજા દરમિયાન એક કામચલાઉ પુલ ધરાશાયી થતાં મચેલી નાસભાગમાં આશરે 20 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. જ્યારે 8 નવેમ્બર 2011ના રોજ હરિદ્વારમાં ગંગા નદીના કિનારે હરકી પૌડી ઘાટ પર મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.
સબરીમાલા મંદિર, કેરળ
14 જાન્યુઆરી 2011: કેરળના ઇડુક્કી જિલ્લાના પુલમેડુમાં સબરીમાલા મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ સાથે એક જીપ અથડાતા મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 104 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 40 થી વધુ ઘાયલ થયા હતા.
શ્રીગુંડિચા મંદિર, પુરી
2024માં ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન ધક્કામુક્કીમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. ભગવાનના રથ જગ્નાથ મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગુંડિચા મંદિર પાસે હતા ત્યારે દર્શન માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભીડ વધવાના કારણે કેટલાક લોકો પડી ગયા, જેનાથી નાસભાગ મચી હતી અને ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.
તિરુપતિ મંદિર, આંધ્રપ્રદેશ
તિરુમાલાના શ્રીવેંકટેશ્વર મંદિરમાં વૈકુંઠ એકાદશીના ટોકન વિતરણ દરમિયાન ભક્તોની ભીડ કાબુ બહાર જતી રહી હતી. દરવાજો અચાનક ખોલવામાં આવતા શ્રદ્ધાળુઓ એક બીજા પર પટકાયા હતા. નાસભાગના કારણે 6 લોકોના મૃત્યુ થયા હતા અને 50થી વધારે ઘાયલ થયા હતા.
નૈના દેવી મંદિર, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં 31 માર્ચ, 2023ના રોજ રામનવમીના ધાર્મિક આયોજન દરમિયાન નાસભાગ મચી હતી. એક પ્રાચીન કુવા પરનું પાટીયું તૂટી ગયા બાદ નાસભાગ મચી હતી. જેમાં 36 લોકોના મૃત્યુ થયા હતા.
બાલેશ્વર મહાદેવ મંદિર, ઈંદોર
ઈંદોરના બાલેશ્વર મહાદેવ મંદિરમાં 31 માર્ચ, 2023ના રોજ રામનવમી દરમિયાન હવન કાર્યક્રમમાં ભીડથી ઓવરલોડ સ્લેબ ધરાશાયી થયો હતો. ચબૂતરા નીચે ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. રાહત અને બચાવ કાર્યમાં 140 જવાનોની મદદ લેવામાં આવી હતી.
વૈષ્ણો દેવી મંદિર, જમ્મુ-કાશ્મીર
વર્ષ 2022ના પ્રથમ દિવસ જ કાળમુખો સાબિત થયો હતો. 1 જાન્યુઆરીએ ભીડના કારણે ભાગદોડ મચી હતી અને 12 લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. તીર્થયાત્રીઓ બરફવાળા રસ્તેથી પસાર થતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
મનસા દેવી મંદિર, હરિદ્વાર
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ગત વર્ષે ભારે ભીડના કારણે ધક્કામુક્કી સર્જાઈ હતી. મંદિર પરિસરમાં સીડીઓ પર વધારે ભીડ હતી. પાવર લાઈન પડવાના કારણે ધક્કામુક્કીની સ્થિતિ ઉભી થઈ હતી. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુના મોત થયા હતા. જ્યારે 12થી વધારે ઘાયલ થયા હતા.