Sun Jun 14 2026

Logo

કોલંબોથી સિડની જતી ફ્લાઇટ પર ત્રાટકી વીજળી, 207 મુસાફરોના જીવ અધ્ધર

Colombo   2026-06-13 22:32:03
Author: Vimal Prajapati
Article Image

શ્રીલંકામાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ છે. જો પાયલોટે સમયસૂચકતા ન વાપરી હોત તો હવામાં જ મોટી તબાહી સર્જાઈ શકી હોત! પરંતુ કુદરતની કૃપા અને પાયલોટોની અદભુત સૂઝબૂઝને કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે. તારીખ 12 જૂને કોલંબોથી ઓસ્ટ્રેલિયાના સિડની જઈ રહેલા શ્રીલંકન એરલાઇન્સના એરબસ વિમાન પર આકાશમાંથી ભયાનક વીજળી ત્રાટકી હતી. આ અકસ્માતને કારણે વિમાનને મોટું નુકસાન થયું છે, પરંતુ સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે.

શું છે સમગ્ર ઘટના?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટA330-243 એ કોલંબોના એરપોર્ટ પરથી રાત્રે આશરે એક વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની થોડી જ વારમાં વિમાન ખરાબ હવામાન અને વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું હતું. આ દરમિયાન આકાશમાંથી કડાકાભેર વીજળી વિમાનના ડાબા એન્જિન પર આવીને પડી હતી. વિમાનના ડાબા એન્જિનના કવર પર બળવાના અને કાળા પડી જવાના મોટા નિશાન બની ગયા છે. એન્જિનના કેટલાક બહારના હિસ્સા ઉખડી ગયા છે અને વિસ્ફોટ જેવો મોટો અવાજ સંભળાયો હતો.

પાયલોટે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

એન્જિનમાં ખામી સર્જાતા જ ફ્લાઇટ ક્રૂ અને પાયલોટે સહેજ પણ ગભરાયા વિના તાત્કાલિક પ્રોટોકોલનું પાલન કર્યું. તેમણે મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને આગળની મુસાફરી રદ કરી અને વિમાનને તાત્કાલિક કોલંબોના બંદરાનાયકે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળી દીધું હતું. રાત્રે આશરે 01:40 વાગ્યે વિમાન એરપોર્ટ પર અત્યંત સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું. એરલાઇન્સ કંપનીએ સત્તાવાર નિવેદન જારી કરીને આ બાબતની પુષ્ટિ કરી છે.

207 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર્સ તમામ સુરક્ષિત

આ ભયાનક ઘટનાક્રમ દરમિયાન વિમાનમાં સવાર તમામ 207 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર્સમાંથી કોઈને પણ નાની-મોટી ઈજા થઈ નથી. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એરલાઇન્સ દ્વારા એરપોર્ટ પર જ મુસાફરો માટે જરૂરી સુવિધાઓ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ મુસાફરોને બીજા વૈકલ્પિક વિમાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને વહેલી સવારે આ ફ્લાઇટ સિડની જવા રવાના થઈ ગઈ હતી. બીજી તરફ, વીજળીનો ભોગ બનેલા અસરગ્રસ્ત વિમાનને જરૂરી સ્ટ્રક્ચરલ ઓડિટ, ટેકનિકલ તપાસ અને એન્જિનના રિપેરિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે.