Mon Sep 07 2026

Logo

ખરો ફિફા વર્લ્ડ કપ સોમવારથીઃ જાણો શા માટે...

2026-06-13 19:27:25
Author: Ajay Motiwala
ખરો ફિફા વર્લ્ડ કપ સોમવારથીઃ જાણો શા માટે...

અજય મોતીવાલા

ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં શકિરા, નોરા ફતેહી અને અન્ય સિંગર્સ તથા ડાન્સર્સના પર્ફોર્મન્સ સાથે કુલ ત્રણ-ત્રણ એક્સાઇટિંગ ઓપનિંગ થઈ ગયા અને ત્રણેય યજમાન દેશ (મેક્સિકો, કૅનેડા, અમેરિકા)એ અપરાજિત રહીને પોતાને આંગણે ફૂટબૉલ જગતની આ સર્વોચ્ચ તથા સર્વોત્તમ ટૂર્નામેન્ટની શરૂઆત કરી, પરંતુ ભારત સહિત અનેક દેશોના કરોડો સૉકરપ્રેમીઓ ખરેખર તો લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કીલિયાન ઍમ્બપ્પે, અર્લિંગ હાલૅન્ડ જેવા સુપરસ્ટાર ખેલાડીઓના પર્ફોર્મન્સનો ઇન્તેજાર કરી રહ્યા છે. એટલું જ નહીં, હાઇએસ્ટ પાંચ વખત ટાઇટલ જીતનાર બ્રાઝિલ તથા 2014ના વિજેતા જર્મની જેવા ટોચના દેશની ટીમોને થોડી વાર બાજુ પર રાખીએ તો લોકોને ખરેખર તો આર્જેન્ટિના, પોર્ટુગલ, ફ્રાન્સ, સ્પેન અને ક્રોએશિયા જેવા સૌથી ફેવરિટ દેશોની મૅચ જોવામાં જ રસ હશે અને એ દિવસ હવે થોડો જ દૂર છે.

તમને યાદ હશે કે 2010માં સાઉથ આફ્રિકામાં સ્પેનની ટીમે ફાઇનલ જીતીને સનસનાટી મચાવી દીધી હતી. નેધરલૅન્ડ્સ સામેના ફાઇનલ મુકાબલામાં છેક (90 મિનિટની મુખ્ય મૅચ બાદ સ્ટોપેજ ટાઇમમાં) 115મી મિનિટ સુધી એકેય ગોલ નહોતો થયો. બન્ને ટીમ 0-0થી બરાબરીમાં હતી અને પરિણામ લાવવા પેનલ્ટી શૂટઆઉટ થશે એની પાક્કી સંભાવના હતી. જોકે 116મી મિનિટમાં ઇનિએસ્ટાએ ગોલ કરીને સ્પેન (Spain)ને ઐતિહાસિક અને દિલધડક જીત અપાવી હતી.

એ જ ડાર્ક-હૉર્સ સ્પેનની ગ્રૂપ-એચમાં આ વખતે સોમવારે (ભારતીય સમય અનુસાર) રાત્રે 9.30 વાગ્યે કેપ વર્ડે જેવા ટચૂકડા દેશ સામે પ્રથમ મૅચ છે. ત્યાર બાદ મંગળવારે બેલ્જિયમ અને ઉરુગ્વે જેવી ધરખમ ટીમ પણ પોતપોતાના ગ્રૂપમાં અનુક્રમે ઇજિપ્ત તથા સાઉદી અરેબિયા સામે રમશે અને પછીથી ઇરાન અને ન્યૂ ઝીલૅન્ડનો મુકાબલો ફૂટબૉલ ઉપરાંત અન્ય સિરિયસ કારણસર અત્યંત મહત્ત્વનો બની રહેશે. ઇરાનનું અમેરિકા સાથે હજી પણ યુદ્ધ ચાલી રહ્યું છે અને એ ગંભીર પરિસ્થિતિમાં ઇરાનની ફૂટબૉલ ટીમ અમેરિકાની ધરતી પર વર્લ્ડ કપની મૅચ રમશે. મંગળવારે (ભારતીય સમય મુજબ સવારે 6.30 વાગ્યાથી) કૅલિફોર્નિયાના લૉસ ઍન્જલસ સ્ટેડિયમમાં ઇરાનના ફૂટબોલર્સ રમવાનું શરૂ કરશે ત્યારે નવો ઇતિહાસ સર્જાશે. કારણ એ છે કે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે એ જ બેમાંથી એક દેશની ધરતી પર એના દુશ્મન-દેશની ટીમ ફૂટબૉલ મૅચ રમે પહેલી જ વખત બનશે. આ મૅચ વખતે સ્ટેડિયમમાં અભૂતપૂર્વ સુરક્ષા કવચ મોજૂદ હશે અને કરોડો ટીવી-દર્શકોની નજર પણ સતતપણે ઇરાનના ખેલાડીઓ પર હશે.

જોકે ફિફા (Fifa)નો ખરો જંગ મંગળવારે (ભારતમાં મધરાત પછી) શરૂ થશે. તમે સમજી જ ગયા હશો? હા, મંગળવારે રાત્રે 12.30 વાગ્યે ઍમ્બપ્પેના ફ્રાન્સની સેનેગલ સામે ટક્કર શરૂ થશે. ત્યાર બાદ રાત્રે 3.30 વાગ્યે પ્રોફેશનલ ફૂટબૉલમાં બે વર્ષથી ધમાલ મચાવતા હાલૅન્ડના નોર્વેનો મુકાબલો ઇરાક સાથે થશે. આ બે મુકાબલાના રોમાંચમાંથી લોકો હજી બહાર આવ્યા હશે ત્યાં તો (બુધવારે સવારે 6.30 વાગ્યે) લિયોનેલ મેસીનો જાદુ કરોડો ફૂટબૉલપ્રેમીઓના દિલોદિમાગ પર ફરી વળશે. તે થોડો અનફિટ છે, પણ પ્રાર્થના કરીએ કે તે આ પહેલી મૅચથી જ રમશે. બાય ધ વે, આ તેનો કદાચ છેલ્લો વર્લ્ડ કપ છે. આર્જેન્ટિના આ મૅચમાં અલ્જિરિયા સામે જીતીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકેની પ્રતિષ્ઠા જાળવવા કોઈ કસર બાકી નહીં રાખે.

ભારતીય સમય અનુસાર બુધવારે સવારે 9.30 વાગ્યે ઑસ્ટ્રિયા અને જોર્ડનની મૅચ બાદ લગભગ 12 કલાક સુધી ફૂટબૉલનું બ્યૂગલ શાંત પડી જશે. એ જ દિવસે રાત્રે 10.30 વાગ્યે કરોડો ફૂટબૉલપ્રેમીઓ મહિનાઓથી જેની રાહ જોઈ રહ્યા છે એ સુપરસ્ટારની મૅચ શરૂ થશે. હા, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ વખતે તો પોર્ટુગલને વર્લ્ડ કપ જિતાડવાનું વર્ષો જૂનું સપનું પૂરું કરવા મક્કમ છે. પોર્ટુગલની આ મૅચ મધ્ય આફ્રિકાના ડીઆર કૉન્ગો દેશ સામે રમાશે અને જેમ 1990ના દાયકામાં આફ્રિકન દેશ કૅમેરુને સૌને ચોંકાવી દીધા હતા એવું કામ કૉન્ગો આ વખતે ન કરી જાય એનું રોનાલ્ડોનું પોર્ટુગલ ખાસ ધ્યાન રાખશે. બુધવારે મધરાત બાદ 1.30 વાગ્યાથી રમાનારી ક્રોએશિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચ પણ જરાય મિસ નહીં કરતા.

FIFA World Cup (@FIFAWorldCup)

તો ચાલો તૈયાર થઈ જાઓ...23મા રિયલ ફિફા વર્લ્ડ કપના સૌથી રોમાંચક મુકાબલા માણવા.