કેન્દ્ર સરકારે ભારતીય સેનાના આગામી વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની નિયુક્તિને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. વર્તમાન સમયમાં વાઇસ આર્મી ચીફ તરીકે દેશની સેવા કરી રહેલા લેફ્ટનન્ટ જનરલ સેઠ આગામી 30મી જૂન 2026ના રોજ ભારતના 31મા આર્મી ચીફ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. લગભગ ચાર દાયકા જેટલો બહોળો લશ્કરી અનુભવ ધરાવતા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ એવા સમયે ભારતીય સેનાની કમાન સંભાળશે કે જ્યારે વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના સમીકરણો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કામાં છે. આવી સ્થિતિમાં તમને પણ સવાલ તો થયો જ હશે કે આખરે આર્મી ચીફને આટલી મોટી જવાબદારી નિભાવવા કેટલું મહેનચતાણું ચૂકવવામાં આવે છે? ચાલો જાણીએ...
કેબિનેટ સચિવ સમકક્ષ સર્વોચ્ચ વેતન સ્તર
દેશના સૈન્ય વડાનું પદ પ્રોફેશનલ પ્રતિષ્ઠાની સાથે સાથે ભારત સરકારના સર્વોચ્ચ વેતન સ્તર સાથે જોડાયેલું છે. મળતી માહિતી મુજબ, નવા આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને દર મહિને રૂ. 2,50,000 ફિક્સ મૂળ વેતન આપવામાં આવશે. આ વેતન ધોરણ ભારત સરકારના પે મેટ્રિક્સના 'લેવલ 18' હેઠળ નક્કી કરવામાં આવે છે, જેને સિવિલ સર્વિસમાં 'કેબિનેટ સચિવ ગ્રેડ' તરીકે ઓળખવામાં આવે છે. સરકારી વહીવટી તંત્રમાં આ સર્વોચ્ચ વેતન સ્તર માનવામાં આવે છે.
Government of India has appointed Lt Gen Dhiraj Seth
આ ફિક્સ મૂળ વેતન ઉપરાંત, આર્મી ચીફ નિયમબદ્ધ મોંઘવારી ભથ્થા માટે પણ હકદાર બને છે. આ ભથ્થાની ગણતરી મૂળ વેતનના ચોક્કસ ટકાવારીના આધારે થાય છે, જેમાં સમયસમય પર સરકાર દ્વારા સુધારો કરવામાં આવતો હોય છે. ડીએ અને અન્ય વિશેષ કમાન્ડ ભથ્થાઓ ઉમેરાતા તેમનું માસિક પેકેજ ઘણું વધારે થઈ જાય છે. આ સિવાય સૈન્ય નિયમો અનુસાર તેમને મફત રાશનની સુવિધા પણ મળે છે.
બંગલો, બુલેટપ્રૂફ કાર અને ઓફિશિયલ ફેસિલિટી
દેશના સૈન્ય વડાને પદની ગરિમા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી ભવ્ય સત્તાવાર સુવિધાઓ અને વિશેષાધિકારો આપવામાં આવે છે:
આવાસ: લશ્કરી વડા માટે સંપૂર્ણ સુવિધાથી સજ્જ એક વિશાળ સરકારી બંગલો (ઓફિશિયલ રેસિડેન્સ) ફાળવવામાં આવે છે.
સુરક્ષા અને વાહન: પ્રોટોકોલ અને સુરક્ષાના ભાગરૂપે તેમને ૨૪ કલાક એક સમર્પિત બુલેટપ્રૂફ વાહન અને વિશેષ ડ્રાઈવરની સેવા મળે છે.
સ્ટાફ: ઘર અને ઓફિસના સંચાલન માટે સ્થાનિક ઘરગથ્થુ સ્ટાફ અને ઉચ્ચ સ્તરીય વહીવટી સહાય પૂરી પાડવામાં આવે છે.
મેડિકલ ફેસેલિટીઅને પેન્શન લાભો
સેવા દરમિયાન તેમજ નિવૃત્તિ પછી પણ આર્મી ચીફને વ્યાપક તબીબી સુરક્ષા મળે છે. તેઓ 'એક્સ-સર્વિસમેન કન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ' અને સૈન્યના પ્રીમિયમ હેલ્થકેર નેટવર્ક દ્વારા સંપૂર્ણ મફત સારવાર મેળવી શકે છે. નિવૃત્તિ બાદ સશસ્ત્ર દળોના નિયમો અનુસાર નિર્ધારિત પેન્શન અને ગ્રેચ્યુઈટી સહિતના તમામ નિવૃત્તિ લાભો મળવાપાત્ર રહે છે.
ઓગસ્ટ, 2028 સુધીનો રહેશે કાર્યકાળ
લેફ્ટનન્ટ જનરલ ધીરાજ સેઠ 31મી ઓગસ્ટ, 2028 સુધી આર્મી ચીફ તરીકે દેશની સેવા કરે તેવી સંભાવના છે. સામાન્ય નિયમો અનુસાર, ભારતીય સેના પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો અથવા 62 વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી (બેમાંથી જે વહેલું હોય તે) રાખવામાં આવે છે.