Wed Sep 16 2026

Logo

ગુજરાતમાં  પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ: જાણો આગામી 6 દિવસ ક્યાં-ક્યાં પડશે વરસાદ?

2026-06-13 21:31:51
Author: Devayat Khatana
ગુજરાતમાં  પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ: જાણો આગામી 6 દિવસ ક્યાં-ક્યાં પડશે વરસાદ?

અમદાવાદ: જૂન મહિનો શરૂ થયાને એક પખવાડિયું હવે પૂરું થવા આવ્યું છે, ત્યારે ચોમાસા અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે, આગામી 2થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના ભાગો તેમજ ઓડિશા અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું.જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.   

હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે એટલે કે 14 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, તાપી અને સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત તેમજ નર્મદા, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આમ બીજા અને ત્રીજા દિવસે વરસાદનું જોર માત્ર દક્ષિણ ગુજરાતના સીમિત જિલ્લાઓ પૂરતું સીમિત રહેશે, જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. ચોથા દિવસથી એટલે કે 16  જૂનથી ફરી વરસાદનો વ્યાપ વધશે અને દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના દાહોદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, એટલે કે 17 જૂનથી  વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર ઉપરાંત તેમજ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. જે 19 જૂન સુધી યથાવત રહેશે.