Fri Oct 02 2026

Logo

તહેવારો પહેલાં મોદી સરકારનો મોટો નિર્ણય, ખાદ્યતેલ પર Import Duty ઘટી

2026-09-24 13:01:00
Author: Mumbai Samachar Team
તહેવારો પહેલાં મોદી સરકારનો મોટો નિર્ણય, ખાદ્યતેલ પર Import Duty ઘટી

નવી દિલ્હીઃ દેશમાં મોંધવારી મધ્યમ વર્ગની કમર તોડી રહી છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘીદાટ બની જતા ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને મર્યાદિત આવતના સ્ત્રોતવાળા પરિવારમાં આખર તારીખ ઝડપથી આવી જાય છે. ખાસ કરીને દર મહિનાની 25 તારીખ પછીના દિવસો માંડ માંડ નીકળે છે. ખાંડ, ડુંગળી, પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકી દેવાયો છે. દેશમાં તહેવારોની સીઝન નજીક આવી રહી છે.  એવામાં વૈશ્વિક સ્તરે પણ માહોલ તણાવગ્રસ્ત છે. આવી સ્થિતિમાં હવે સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.  મોદી સરકારે ક્રુડ ઓઈલ અને રિફાઈન્ડ ખાદ્યતેલ પર લાગુ મૂળ આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. 

તહેવાર પહેલા મોટી રાહત
ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થતા થોડી રાહત તહેવારો પહેલા મળી છે. ફેસ્ટિવલ સિઝન શરૂ થાય એ પહેલા જ તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. હવે ફરસાણના વેપારીઓ અને રેસ્ટોરાંના માલિકો આ ઘટાડાને અમલમાં મૂકશે કે કેમ એ પણ ચર્ચાનો વિષય છે. કારણ કે, મોટાભાગના વેપારીઓ એક ઘટાડાની કોમોડિટી સામે એક મોટી વસ્તુઓના ભાવ વધારાની વાત કહીને પોતાનો બચાવી કરી લેતા હોય છે. આના કારણે સરવાળે બધું સરખું થાય છે અને ગ્રાહકના ખિસ્સું શુન્ય થાય છે. બુધવારે મોડી રાત્રે સરકાર તરફથી આ અંગે ખાસ એલાન કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તહેવારની સીઝન શરૂ થાય એ પહેલા સૂર્યમુખી અન સોયા તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. કિંમતમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપવાનો હેતુ સરકારનો રહ્યો છે. સરકારે ખાદ્યતેલ પર લાગુ થતી ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી દીધી છે. પામ ઓઈલ અને કાચું સોયા તેલ પર હવે મૂળ આયાત કર હવે 10 ટકાથી ઘટીને 5 ટકા કરી દેવાયા છે. 

ભાવ વધારો 20 ટકા
રીફાઈન્ડ પામ તેલ અને સોયા તેલ પર આયાક કર 32.5 ટકાથી ઘડાડીને 27.5 ટકા કરી દેવામાં આવ્યું છે. ભારતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વનસ્પતિ તેલના ભાવમાં આશરે 20%નો વધારો થયો છે. પરિણામે, સરકાર દ્વારા આયાત જકાતમાં કરવામાં આવેલા નોંધપાત્ર ઘટાડાથી ભાવ ઘટવાની અપેક્ષા છે. સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે આવતા મુખ્ય ધાર્મિક તહેવારો દરમિયાન મીઠાઈઓ, નમકીન અને તળેલા ખાદ્યપદાર્થોના વપરાશમાં વધારો થઈ શકે છે. વેપારીઓના હવાલાથી અહેવાલમાં જણાવાયું છે કે, ભારત તરફથી વધતી માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં મલેશિયન પામ ઓઈલ અને યુએસ સોયાબીન ઓઈલના ફ્યુચર્સ ભાવને ટેકો પૂરો પાડશે. ભારત તેની વનસ્પતિ તેલની લગભગ બે-તૃતીયાંશ માંગ આયાત દ્વારા પૂરી કરે છે, જેમાં ખાસ કરીને મલેશિયા, ઇન્ડોનેશિયા, આર્જેન્ટિના, રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી પામ, સોયા અને સૂર્યમુખી તેલ મેળવવામાં આવે છે. 

માર્કેટમાં બેલેન્સ જળવાશે
પતંજલિ ફૂડ્સ લિમિટેડ (PAFO.NS) ના વાઇસ પ્રેસિડેન્ટ આશિષ આચાર્યએ રોઇટર્સના અહેવાલમાં જણાવ્યું હતું કે ડ્યુટીમાં કરવામાં આવેલા ઘટાડાનો સૌથી વધુ લાભ સૂર્યમુખી તેલને મળશે. તેનાથી તે રિફાઇનર્સ માટે વધુ આકર્ષક બનશે અને સંભવિતપણે સોયાબીન તથા પામ તેલની માંગમાં થોડો ઘટાડો થઈ શકે છે. અટકેલી આયાતને ફરી એકવાર વેગ મળી શકે છે. ભારતીય માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધવાથી મલેશિયન પામ ઓઈલ અને યુએસ સોયા ઓઈલના વાયદાને પણ ટેકો મળશે, આના કારણે જે તે રાજ્યની સ્થાનિક માર્કેટમાં પણ એક બેલેન્સ જળવાઈ રહેશે. તહેવાર પહેલા તેલમાં થોડી રાહત મળી છે પણ અન્ય જરૂરી વસ્તુઓના ભાવ યથાવત છે ત્યારે એક કોમોડિટીથી એક મોટી અસર શરૂ થશે એવું માર્કેટના નિષ્ણાંતો માની રહ્યા છે