પાલિકા અધિકારીઓ સામે આકરા પગલા લેવાની માગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની શુક્રવારે યોજાયેલી સુધાર સમિતિની પહેલી બેઠકમાં બે વિવાદાસ્પદ નિર્ણય પર સમિતિના સભ્યોએ પાલિકા પ્રશાસનની આકરી ટીકા કરી હતી. દક્ષિણ મુંબઈમાં ભારતીય નૌકાદળના મુખ્ય એર બેઝ નજીક એક બહુમાળી ઈમારતને મંજૂરી આપવા અને ટ્રાન્ઝિટ કેમ્પની બિલ્ડિંગ માટે વરલી સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) પ્રોેજેક્ટ માટે જમીનની જરૂરિયાત ઘટાડવાના પ્રશાસનના નિર્ણય સામે બેઠકમાં નગરસેવકોએ ભારે નારાજગી દર્શાવી હતી. સભ્યોએ આટલો સંવેદનશીલ નિર્ણય કોના નિર્દેશથી લેવામાં આવ્યો એવો સવાલ ઉપસ્થિત કર્યો હતો. વિરોધપક્ષે આમા શામેલ અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
દક્ષિણ મુંબઈમાં આવેલા પ્રીમિયર નેવલ ઍર સ્ટેશન આઈએનએસ શિકારા પાસે બહુમાળીય ઈમારત બાંધવામાં આવી રહી છે. નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી)ના અભાવને કારણે બેઝથી ૫૦૦ મીટરની અંદર ૨૦ માળની બિલ્ડિંગનું કામ અટકાવવા માટે કમાન્ડિંગ ઓફિસર દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે તાજેતરમાં હાઈ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી, જેમાં પાલિકા અને નૌકાદળના અધિકારીઓને ઠપકો આપવામાં આવ્યો હતો. શિવસેના (ઉદ્ધવ)ના નગરસેવક સચિન પડવળે સુધાર સમિતિમાં ચર્ચા માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
સચિન પડવળકરે સમિતિમાં મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે નિયમ હેઠળ નેવલ બેઝથી ૫૦૦ મીટરની અંદર કોઈ પણ ઊંચી બિલ્િંડગને મંજૂરી નથી. છતાં આ નિયમનું ઉલ્લંઘન કરી અનેક બાંધકામ કરવામાં આવ્યા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. છેલ્લા ચાર વર્ષમાં ચૂંટાયેલા પ્રધિનિધિઓની ગેરહાજરીમાં કેટલાક પક્ષોએ જમીન પર કબજો કર્યો હતો, જ્યારે પાલિકાના અધિકારીઓ ડેવલપરની તરફેણમાં યોજના તૈયાર કરી રહ્યા હતા. આઈએનએસ શિકરા નેવલ બેઝ નજીક પણ આવી જ પરિસ્થિતિ છે, જેનાથી પાલિકાના અધિકારીઓની ભૂમિકા પર સવાલ થઈ શકે છે.
આ ભૂલ માટે જવાબદાર અધિકારી સામે તપાસ કરીને આકરા પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી. પાલિકાના સુધાર સમિતિ વિભાગના જોઈન્ટ કમિશનર સંજોગ કબરેએ આ બાબતે માહિતી એકત્ર કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
આ દરમ્યાન કૉંંગ્રેસના ગ્રૂપ લીડર અશરફ આઝમીએ વરલીમાં એસટીપી પ્રોજેક્ટ માટેની જમીનમાં ઘટાડો કરવા બદલ પાલિકાની ટીકાકરી હતી અને ભાર મૂક્યો હતો કે આરક્ષિત ૨૭,૯૬૪.૦૪ ચોરસ મીટર પ્લોટ ઘટાડીને ફક્ત ૧૭,૭૫૬.૪ ચોરસ મીટર કરવામાં આવ્યો હતો.
સુધાર સમિતિના સભ્યોએ વહીવટી નિષ્ફળતા ગણાવીને આ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ સામે આકરા પગલા લેવાની માગણી કરી હતી, તેના પર પાલિકાએ વિગતવાર અહેવાલ સબમીટ કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું.