Sun Sep 13 2026

Logo

'વંદે માતરમ' વિવાદમાં સોનિયા ગાંધી 'ઘેરાયા': કર્ણાટકમાં એફઆઈઆર નોંધાઇ, વંદે માતરમના અપમાનનો આરોપ

2026-08-16 16:27:42
Author: Devayat Khatana
'વંદે માતરમ' વિવાદમાં સોનિયા ગાંધી 'ઘેરાયા': કર્ણાટકમાં એફઆઈઆર નોંધાઇ, વંદે માતરમના અપમાનનો આરોપ

નવી દિલ્હી/બેંગ્લુરુ: દેશના 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વંદે માતરમ ગાન મુદ્દે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિવાદમાં ઘેરાયા છે. કર્ણાટકના મેંગલુરુના ઉર્વા પોલીસ સ્ટેશનમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતાઓએ સોનિયા ગાંધી વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી હોવાની વિગતો જાણવા મળી હતી. 

સ્વાતંત્ર્ય દિવસના અવસરે કોંગ્રેસ હેડ ક્વાર્ટરમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના ગાન દરમિયાન સોનિયા ગાંધીના હાવભાવ અને કથિત અયોગ્ય વર્તનને લઈને થયેલા વિવાદ બાદ આ કડક પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ મામલે ભાજપના નેતા વિકાસ પુત્તૂરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશે કોંગ્રેસ પાર્ટીની હરકતો જોઈ છે અને કોંગ્રેસ હંમેશાથી 'વંદે માતરમ'નો વિરોધ કરતી આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં ધ્વજવંદન કાર્યક્રમમાં જ્યારે 'વંદે માતરમ' વાગી રહ્યું હતું, ત્યારે સોનિયા ગાંધીએ કાર્યક્રમમાં વિક્ષેપ પાડ્યો હતો. આખો દેશ સાક્ષી છે કે તેઓ ગાનમાં બાધા નાખી રહ્યા હતા અને પોતાના પાર્ટી કાર્યકરોને 'વંદે માતરમ' રોકવા માટે કહી રહ્યા હતા.

વિકાસ પુત્તૂરે વધુમાં ઉમેર્યું કે સોનિયા ગાંધીનું આ કૃત્ય કાનૂની કાર્યવાહીના દાયરામાં આવે છે. આજે આપણું રાષ્ટ્રગીત 'વંદે માતરમ' આપણા રાષ્ટ્રગાન 'જન ગણ મન' સમાન જ દરજ્જો ધરાવે છે. તેથી, કોઈ પણ વ્યક્તિ તેનો અપમાન કરે, ભલે તેનો હોદ્દો કે તાકાત ગમે તેટલી હોય, તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. આ જ કારણોસર તેમણે સોનિયા ગાંધી વિરુદ્ધ કાનૂની પગલાં લેવા અને FIR નોંધવા માટે ઉર્વા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ કરી છે.

જો રાજ્યની કોંગ્રેસ સરકાર અને પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો પોતે કર્ણાટક હાઈ કોર્ટમાં અરજી દાખલ કરશે તેવી ચીમકી પણ ભાજપ નેતાએ ઉચ્ચારી છે. તેમણે પોલીસને આ મામલામાં કોઈ પણ પ્રકારની રાજકીય દખલગીરી ન થાય તે સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના રોજ કોંગ્રેસના મુખ્યાલયમાં 'વંદે માતરમ' ગવાઈ રહ્યું હતું ત્યારે મંચ પર ઉપસ્થિત દિગ્ગજ નેતાઓ અંદરોઅંદર વાતચીત કરતા અને અસહજ દેખાતા હતા, જેને ભાજપએ રાષ્ટ્રગીતનું અપમાન ગણાવ્યું હતું.