Sat Sep 12 2026

Logo

શ્રાવણ મહિનાના ચારેય સોમવારે સોમનાથ મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, આખો મહિનો બહુવિધ કાર્યક્રમ

2026-08-11 10:33:00
Author: Mumbai Samachar Team
શ્રાવણ મહિનાના ચારેય સોમવારે સોમનાથ મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, આખો મહિનો બહુવિધ કાર્યક્રમ

Ai Image


ગીર સોમનાથઃ શ્રાવણ મહિનો શરૂ થવાનો છે જેને લઈને ગુજરાતના નાના-મોટા શિવમંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા મંદિર અને પ્રથમ જ્યોર્તિંલિંગ એવા સોમનાથ મંદિરમાં પણ તૈયારીઓ થઈ ચૂકી છે.

શ્રાવણ માસને ધ્યાને લઈને ચારેય સોમવારે મંદિરને સવારે 4 વાગ્યે ખોલી નાંખવામાં આવશે. સોમનાથ મંદિરના સાનિધ્યમાં 30 દિવસ સુધી શ્રાવણીય રૂદ્રી મહોત્સવ કરાશે. 13 ઓગસ્ટથી આ કાર્યક્રમ શરૂ થશે અને 11 સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે પૂર્ણ થશે. દૈનિક ધોરણે આ રૂદ્રી મહોત્સવ ચાલશે. 

દરરોજ નવા નવા શણગાર
સોમનાથ મંદિરમાં ચારેય સોમવાર, અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ તથા અમાસના દિવસોમાં ભારે ભીડ રહેતી હોય છે. આ માટે ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રાવણ મહિનાની પૂનમ અને અમાસના દિવસે આ વખતે પ્રથમવાર પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે.

શ્રાવણ માસ દરમિયાન દૈનિક ધોરણે શિવજીને વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. બિલ્પપત્ર અને રૂદ્રાક્ષના શણગાર માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.  જે તે દિવસના ધાર્મિક મહત્ત્વ અનુસાર શિવજીને એ રૂપમાં તૈયાર કરવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે ત્યારે રહેવા, જમવા તથા દર્શનની ખાસ સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.આ માટે વધારાના સ્ટાફને પણ જવાબદારી સોંપવામાં આવી છે. 

પોલીસ વિભાગને ખાસ જવાબદારી
ભીડને ધ્યાન લેતા સોમનાથમાં ગુરૂકુળ શંખ સર્કલથી રામ મંદિર સુધીનો માર્ગ વન-વે કરી દેવામાં આવ્યો છે. પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ થવા જઈ રહ્યો છે જેની તૈયારીઓ પણ હવે પૂરી થઈ ગઈ છે. શ્રાવણના દરેક સોમવારે ‘વંદે સોમનાથ કલા મહોત્સવ’માં જાણીતા કલાકારો દ્વારા નૃત્ય અને સંગીતની કલા આરાધના પણ યોજાશે.

આ સમગ્ર મહિના દરમિયાન સુરક્ષાને પણ પ્રાધાન્ય આપીને પોલીસ વિભાગે એક ખાસ ટીમ તૈયાર કરી છે. જે મંદિરની સુરક્ષાની સાથે સમગ્ર પરિસરમાં પણ બાજ નજર રાખશે. આ માટે ખાસ પોઈન્ટ જે તે પોલીસ અધિકારી-કર્મચારીને સોંપી દેવામાં આવ્યા છે. ટ્રાફિક ન થાય એટલા પાર્કિંગ પ્લોટમાં પણ ચોક્કસ પ્રકારની તૈયારીઓ કરી રાખવામાં આવી છે.

વધુ જુઓ...