Sun Aug 23 2026

Logo

ગુડબાય ગૅરીઃ સર ગારફીલ્ડ સોબર્સને 90મા જન્મદિનના એક દિવસ બાદ હોમટાઉનમાં દફનાવવામાં આવ્યા

Bridgetown   2026-07-30 19:23:00
Author: Ajay Motiwala
Article Image

બ્રિજટાઉનઃ વેસ્ટ ઇન્ડિઝના ગ્રેટેસ્ટ ક્રિકેટર, ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર અને બાર્બેડોઝના નૅશનલ હીરો સર ગારફીલ્ડ સોબર્સને બુધવારે બાર્બેડોઝમાં બ્રિજટાઉન શહેરના કેન્સિન્ગ્ટન ઓવલ નજીક સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. આ એ જ ઐતિહાસિક શહેર છે જેના સ્ટેડિયમમાં પૅવિલિયનને ગૅરી સોબર્સનું નામ આપવામાં આવ્યું છે.

ટેસ્ટના ખેલાડીઓને બાર્બેડોઝ પહોંચી જવાની સૂચના

વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કૅપ્ટન ક્લાઇવ લૉઇડે સર ગૅરી સોબર્સને આપેલી અંજલિમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર તરીકે ઓળખાવ્યા હતા. બ્રાયન લારા માટે સોબર્સ મેન્ટર હતા અને લારાએ પણ ભારે હૃદયે તેમને અંજલિ આપી હતી. સોબર્સનું 17મી જુલાઈએ બાર્બેડોઝમાં 89 વર્ષની વયે અવસાન થયું હતું. મંગળવાર, 28મી જુલાઈએ તેમનો 90મો જન્મદિન હતો અને એ જ દિવસે વેસ્ટ ઇન્ડિઝે પાકિસ્તાનને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 90 રનથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી હતી. ટ્રિનિદાદની આ મૅચ બાદ ટેસ્ટની ટીમમાં બાર્બેડોઝના જે પણ ખેલાડીઓ હતા તેમના સહિત આખી કૅરિબિયન ટેસ્ટ ટીમને સોબર્સની દફનક્રિયા (Funeral)ના સ્થળે પહોંચી જવાની સૂચના અપાઈ હતી. કૅપ્ટન રૉસ્ટન ચેઝના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમના ખેલાડીઓ બ્રિજટાઉન પહોંચી ગયા હતા.

એક સોબર્સમાં ખાસિયત અનેક

સોબર્સ (Sobers) લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન તેમ જ લેફ્ટ-આર્મ પેસ બોલર, સ્લો લેફ્ટ-આર્મ ઑર્થોડૉક્સ અને લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર હતા. તેઓ 1954થી 1974 દરમ્યાન 93 ટેસ્ટ અને એક વન-ડે રમ્યા હતા. 93 ટેસ્ટમાં તેમણે 26 સેન્ચુરીની મદદથી 8,032 રન બનાવ્યા હતા. તેમણે પ્રથમ ટેસ્ટ-સદીમાં અણનમ 365 રન બનાવ્યા હતા અને એ વિક્રમ વર્ષો સુધી અકબંધ હતો. તેમણે 235 ટેસ્ટ-વિકેટ પણ લીધી હતી. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં એક બોલરની એક ઓવરના છ બૉલમાં છ સિક્સર ફટકારનાર તેઓ પ્રથમ ખેલાડી હતા.

બાર્બેડોઝના દક્ષિણ ભાગમાં દફનક્રિયા

સોબર્સના કૉફિનને બાર્બેડોઝનો રાષ્ટ્રધ્વજ ઓઢાળવામાં આવ્યો હતો. બાર્બેડોઝના પાટનગર બ્રિજટાઉનમાં સંસદની ઇમારત ખાતેથી સોબર્સની અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી હતી. કેન્સિન્ગ્ટન ઓવલ ખાતે રાજકીય સન્માનપૂર્વક તેમનું કૉફિન લાવવામાં આવ્યું ત્યારે રક્ષકોએ બૅટ ઊંચા રાખીને તેમને અંતિમ વિદાય આપી હતી. તેમને બાર્બેડોઝની દક્ષિણમાં કૉરલ રિજ મેમોરિયલ ગાર્ડન્સ ખાતેની પ્રાઇવેટ સીમેટ્રીમાં દફનાવવામાં આવ્યા હતા.