Wed Aug 19 2026

Logo

કોંગ્રેસ ઓફિસમાં પાપ થયું, સોનિયા ગાંધીને જનતા ક્યારેય માફ નહીં કરે...વંદે માતરમ્ ના અપમાન પર બોલ્યા અમિત શાહ

2026-08-16 15:24:49
Author: Mumbai Samachar Team
Article Image

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર આકરો પ્રહાર કર્યો છે.રાજસ્થાનના ચિત્તોડગઢમાં શાહે કહ્યું કે વોટ બેંક માટે કોંગ્રેસે વંદે માતરમ્ ને ભુલાવી દીધું. કોંગ્રેસ મુખ્યાલયમાં પાપ થયું. વંદે માતરમને ભુલાવી દેવામા આવ્યું. વંદે માતરમ્ ગાવાથી રોકવામાં આવ્યું. સોનિયા ગાંધીને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે. કોઇ રાષ્ટ્રગીતને અધૂરા છોડવાનું સપનું પણ કેવીરીતે જોઇ શકે? કોંગ્રેસના લોકોને શરમ આવવી જોઇએ.

અમિત શાહે વધુમાં કહ્યું કે કોંગ્રેસની નિર્લજ્જતા જુઓ. પાર્ટી મુખ્યાલયમાં વંદે માતરમ્ ગવાતું હતું. ત્યારે સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ને ગીત રોકવાનું કહ્યું.અમે બધા ટીવી પર જોતા રહી ગયા. 80 વર્ષ બાદ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આ અમર ગીત ફરીથી સન્માન મેળવી રહ્યું છે. પરંતુ સોનિયા ગાંધીને આ ન ગમ્યું. સોનિયાજી 140 કરોડ લોકો તમને જોઇ રહ્યા છે. 

‘બે હાથ જોડી માફી માંગે કોંગ્રેસ’

ગૃહ મંત્રીએ કહ્યું કે તમે જે ભૂલ કરી છે, દેશની જનતા આને કદી માફ નહીં કરે. કોઇ સપનામાં પણ કેવી રીતે વિચારી શકે કે વંદે માતરમ્ ને અધૂરુ છોડી દેવામાં આવે? કોંગ્રેસવાળાને શરમ આવવી જોઇએ. જો થોડી શરમ બચી હોય તો બન્ને હાથ જોડીને બંકીમ બાબૂ અને દેશની જનતા પાસે માફી માંગવી જોઇએ.

વંદે માતરમ્ રોકવાના વિવાદ પર કોંગ્રેસે કહ્યું કે સોનિયા ગાંધી માત્ર પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી માંગી રહ્યા હતા. કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને કરોડો ભારતીયોની ભાવનાઓ અનુસાર, આ પહેલો સ્વતંત્રતા દિવસ છે જ્યારે ‘વંદે માતરમ્’ ને સંપૂર્ણપણે ગાવામાં આવ્યું છે.”

ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “વંદે માતરમ્ ની શરૂઆતની પંક્તિઓ ગાયા પછી, સોનિયા ગાંધી પરેશાન થઈ ગયા અને તેમણે તેને આખુ ગાન વગાડવાના બદલે અટકાવી દેવા માટે કહ્યું. રાહુલ ગાંધીએ પણ ઈશારો કર્યો કે તેને સમાપ્ત કરી દેવામાં આવે.”