Fri Sep 04 2026

Logo

સેલવાસમાં ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં પ્રચંડ ધડાકો, ચારના મોતથી અરેરાટી

2026-04-04 12:59:38
Author: Mayur Patel
સેલવાસમાં ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં પ્રચંડ ધડાકો, ચારના મોતથી અરેરાટી

દમણઃ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં મોટી દુર્ઘટના  સર્જાઈ છે.  દેમણી સ્કૂલ ફળિયામાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં  વિસ્ફોટ થવાથી 4 લોકોના મોત થયા છે. જ્યારે  5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટના કારણે સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો હતો. 

ગોડાઉનમાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે લોકોના મોત થયા હતા તેમના પરિવારમાં રોકકળ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા દાદરા અને નગર હવેલીના ફાયર ફાઈટરના જવાનો તાબડતોબ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે વધુ જાનહાનિ અટકાવવા માટે સઘન તપાસ અને કામગીરી હાથ ધરી હતી.

દેમણી રોડ પર આવેલા આ ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ સિલિન્ડર રિફિલિંગની કામગીરી ચાલી રહી હતી. શનિવારે સવારે જ્યારે કામદારો રિફિલિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો શક્તિશાળી હતો કે ગોડાઉનનો કાટમાળ ઉડીને રોડ પર ફંગોળાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો. 

જ્યાં ઘટના બની તે ગોડાઉન  એક શૈક્ષણિક સંકુલથી માત્ર 30 મીટરના અંતરે જ આવેલું હતું. જો આ બ્લાસ્ટ ચાલુ શૈક્ષણિક કલાકો દરમિયાન થયો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત.