Sat Sep 05 2026

Logo

સિક્કિમમાં ભૂસ્ખલન બાદ સુરંગમાં મિથેન ગેસ વિસ્ફોટ, 7 શ્રમિકોના મોત, 27 શ્રમિકો ફસાયાની આશંકા, ગેસ ગળતરથી રેસ્ક્યૂમાં મુશ્કેલી

2026-07-21 08:54:00
Author: Mumbai Samachar Team
સિક્કિમમાં ભૂસ્ખલન બાદ સુરંગમાં મિથેન ગેસ વિસ્ફોટ, 7 શ્રમિકોના મોત, 27 શ્રમિકો ફસાયાની આશંકા, ગેસ ગળતરથી રેસ્ક્યૂમાં મુશ્કેલી

ગંગટોકઃ સિક્કિમના નામચી જિલ્લામાં બની રહેલી એક નિર્માણાધીન સુરંગની અંદર સંદિગ્ધ મીથેન ગેસ વિસ્ફોટથી મોટી દુર્ઘટના સર્જાઇ છે. વિસ્ફોટ બાદ નિર્માણાધિન સમરડુંગ ટનલનો એન્ટ્રી ગેટ બંધ થઈ જતાં સોમવારથી જ ઘણા મજૂરો અંદર ફસાયેલા હતા. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 7 મજૂરોના મોત નીપજ્યા છે. જ્યારે 27 જેટલા શ્રમિકો અંદર ફસાયાની આશંકા છે. શ્રમિકોને સુરંગમાંથી બહાર નીકાળવા માટે મોટા પાયે અભિયાન ચલાવાઇ રહ્યું છે.  ટનલમાં મિથેન ગેસ લીક થવાના કારણે સ્થિતિ વધુ કફોડી બની ગઈ હતી. શ્રમિકોને બહાર કાઢવા માટે NDRF, SDRF, સિક્કિમ પોલીસ અને ફાયર બ્રિગેડ તથા ઇમરજન્સી સર્વિસિસની ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે.

નામચી જિલ્લાના સમરડુંગ, ઝોલુંગે ખાતે આવેલા NHPCના તીસ્તા સ્ટેજ VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં રેસ્ક્યુ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટનલની અંદર ગેસ ગળતરથી કેટલાક રેસ્ક્યુ વર્કર્સ પણ ચક્કર આવીને બેભાન થઈ ગયા હતા.

ટનલમાં ફસાયેલા 7 મજૂરોના મોત

રાહત અને બચાવ કામગીરી સોમવારથી જ સતત ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 7 મજૂરોના મોતની માહિતી આપવામાં આવી છે. મૃતદેહોને સિંગતમ જિલ્લા હોસ્પિટલ, STNM હોસ્પિટલ (ગંગટોક) અને નામચી જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. SSDMA સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. 

ટનલમાં મજૂરો કેવી રીતે ફસાયા?

નિર્માણાધીન સમરડુંગ ટનલમાં આ દુર્ઘટના સોમવારે બપોરે લગભગ 3 વાગ્યેને 9 મિનિટે બની હતી. આ ટનલ તીસ્તા સ્ટેજ-6 જળવિદ્યુત પરિયોજના હેઠળ 'પટેલ એન્જિનિયરિંગ' દ્વારા બનાવવામાં આવી રહી છે. ટનલની અંદર અચાનક ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થયું, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો અને કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાની તક જ ન મળી. પરિસ્થિતિ ત્યારે વધુ કફોડી બની જ્યારે ટનલની અંદર મિથેન ગેસ લીક થવાનું શરૂ થઈ ગયું, જેના કારણે બચાવકર્તાઓ માટે અંદર જવું ખૂબ જ જોખમી બની ગયું.