ગંગટોક: ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ અને હિમ વર્ષા થઇ રહી છે, જેને કારણે ઉત્તર સિક્કિમમાં અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. ઊંચાઈવાળા પર્યટન સ્થળને જોડતા રસ્તાઓ બંધ થઇ જતા લગભગ 1,600 પ્રવાસીઓ ફસાયા છે. અધિકારીઓએ ગુરુવારે ફસાયેલા 135 પ્રવાસીઓને બચાવી લીધા હતાં.
પૂર્વીય કમાન્ડ હેઠળ ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લાચેનમાં હજુ પણ 1,000 પ્રવાસીઓ ફસાયેલા છે, જેમને વહેલી તકે બચાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશનને 'ઓપરેશન હિમ સેતુ' નામ આપવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે ઓપરેશમાં વિઘ્ન પડી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ માટે મહત્વપૂર્ણ પાસ ખોલવામાં આવ્યા છે અને વૈકલ્પિક માર્ગો શરુ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કે લોકોને તબીબી સહાયની તાત્કાલિક જરૂર હોય તેવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 32 લાઈટ વિહિકલ અને 10 મોટરસાઇકલને બહાર કાઢવામાં આવ્યા છે. નાગરિક વાહનોને બરફમાંથી બાહર ખેંચવા માટે સેનાના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ભારતીય સેના સાથે મળીને રસ્તા પરથી કાટમાળ હટાવવા કામ કરી રહ્યું રહ્યા છે, જેથી રોડ કનેક્ટિવિટી પૂર્વવત થઇ શકે.
લાચેનએ સિક્કિમનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. ઓક્ટોબર 2023માં અહીં ગ્લેશિયર લેક ફાટવાને કારણે આવેલા પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ હતી, આ ઘટનાના બે વર્ષ પછી 1 માર્ચ 2026થી લાચેન પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.