Thu Jun 18 2026

Logo

આ રાજ્યમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ! મુખ્ય પ્રધાને કરી જાહેરાત

2026-03-06 15:03:00
Author: Savan Zalariya
Article Image

બેંગલુરુ: સોશિયલ મીડિયાની બાળકો પર પડી રહેલી અસરને કારણે વાલીઓ ચિંતામાં રહેતા હોય છે, એવામાં કર્ણાટક સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે જાહેરાત કરી કે રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તેમણે જણાવ્યું કે મોબાઇલના વધતા ઉપયોગને કારણે બાળકો પર પડી રહેલી પ્રતિકૂળ અસરને રોકવા માટે આ પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.

નોંધનીય છે મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે, બાળકોમાં ઓછી ઊંઘ, સ્ટ્રેસ, ડિપ્રેશન, ચીડિયાપણું વગેરે જેવી સમસ્યા જોવા મળી છે, જો આ પ્રતિબંધ લાગુ થશે તો કર્ણાટક બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત લગાવનાર  દેશનું પ્રથમ રાજ્ય બનશે.

મુખ્ય પ્રધાનસિદ્ધારમૈયાએ જણાવ્યું, "મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે બાળકો પર પ્રતિકૂળ અસરોને રોકવા માટે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રાજ્યમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે." 

આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠી રહી છે માંગ:
ગત ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેટલાક યુરોપિયન દેશોમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યો છે, કેટલાક દેશો આ મુદ્દે વિચાર કરી રહ્યા છે. બ્રિટને પણ આ અંગે એક પગલું ભર્યું છે, બ્રિટન સરકારે આ મહીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવા અને ગેમિંગ પ્લેટફોર્મ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પ્રતિબંધો લાદવા અંગે માતાપિતા અને બાળકોના મંતવ્યો માંગ્યા છે.

આંધ્રપ્રદેશમાં પણ વિચારણા:
નોંધનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા અંગે સરકાર વિચાર કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આંધ્રપ્રદેશ સરકારમાં પ્રધાન નારા લોકેશે પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પરનો વિશ્વાસ તૂટી રહ્યો છે, બાળકો તેના સતત ઉપયોગમાં સપડાઈ રહ્યા છે.