Thu Mar 12 2026

Logo

રાધા વગર કૃષ્ણ સૃષ્ટિ રચવાને સમર્થ નથી...

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

 

શ્યામ સમીપે -જ્યોત્સના તન્ના

સખી રાધાને કહે છે કે ‘પહેલાં તારી સાથે કામક્રીડા કરી હતી તે જ કામદેવના મહાતીર્થ નિકુંજમાં માધવ ફરીથી તારી રાહ જુએ છે.’ માટે ‘મંજુતરકુંજતલકેલિસદનમાં રતિજન્ય ઉત્સાહથી હે સ્મિતવદના, વિલાસ કર.’ કુંજલીલા બહિરંગ હોય છે અને નિકુંજલીલા અંતરંગ છે. 
નિકુંજલીલાની અધિષ્ઠાત્રી રાધા છે, જે પ્રેમ, માધુર્ય અને લાવણ્યનો રસસાગર છે. ઘનાનંદ ભક્તકવિએ કહ્યું, ‘આવતિ ચલી કુંજ ગહબર તૈં કુવરિ - રાધિકા રૂપમઢી, મોહવિનોદભરી મૃદુ મુરતિ, કા બિરંચિ યા ઘાટ ઘઢી.’ કૃષ્ણદાસે સરસ ઉપમા આપી.

‘દેખો માઈ, માનો કસૌટી કસી,

કનકબલિ વૃષભાનુનન્દિની ગિરધર ઉર જુ બસી,

માનોં શ્યામ તમાલ કલેવર સુંદર અંગ માલતી ઘૂસી

ચંચલતા તજિ કૈ સૌદામિની જલધર રંગ બસી.’

શ્યામ સાથે રાધા જાણે કાળા તમાલ વૃક્ષ સાથે સુંદર માલતીની વેલ. જાણે ચંચળતા છોડી વાદળામાં રહેલી વીજળી. પરમાનંદદાસે ગાયું, ‘આજ બની દંપતી બર જોરી, સાંવર ગૌર બરન રૂપનિધિ નંદકિશોર વૃષભાનુકિશોરી.’ નરસિંહ મહેતાએ ગાયું, ‘સજની! શામળિયો વહાલો. રાધા ગોરી ને કાન કાળો... તે શોભા કહી નવ જાય રે. વશ કીધા જાદવરાય રે.’ જયંત પાઠકે ઉપમા આપી, ‘નીલા આકાશમાં સોહે બિંબશું મનભાવન ઢળેલું કૃષ્ણના સ્કંધે જાણે રાધાનું આનન.’

રાધા અને કૃષ્ણનું ઐકય સધાઈ ચુક્યું હતું, જે રીતે બે લહેરો અલગ દેખાય, પણ સાથે મળીને વસ્તુત, એકરૂપ જ બને તેમ - કલ્લોલકૌ વસ્તુત: એકરૂપકૌ રાધામુકુંદૌ સમભાવિતૌ - ઔદુંબરાચાર્ય. જેમ દૂધમાં ધવલતા, અગ્નિમાં દાહકપણું, પૃથ્વીમાં ગંધ અને પાણીમાં શીતળતા, તેવી રીતે રાધા અને કૃષ્ણ. હિંદી ભાષાના કવિ મૈથિલીશરણ ગુપ્તને દ્વિધા થઈ ગઈ.

‘આ શું, આ શું, ભ્રમ કે વિભ્રમ

દર્શન નહીં અધીરે, એક મૂર્તિ, અર્ધામાં રાધા, અર્ધામાં હરિ પૂરા.’

કુંભાર માટી વગર ઘડો ન બનાવી શકે, કે સોની સોના વગર આભૂષણ ન બનાવી શકે, તે જ રીતે રાધા વગર કૃષ્ણ સૃષ્ટિ રચવાને સમર્થ નથી. જેમ આભૂષણ શરીરની શોભા વધારે તેમ રાધા કૃષ્ણની શોભા છે. રાધા સ્ત્રી, શ્રીકૃષ્ણ પુરુષ તે એકલા હોય તો ‘કૃષ્ણ’ અને શ્રી એટલે લક્ષ્મી - સંપત્તિ એ રાધાસ્વરૂપ હોઈ રાધા સાથે હોય તો પૂર્ણરૂપથી ‘શ્રીકૃષ્ણ’. હિંદી ભાષાના કવિ દાઉદયાલની વાત છે. ‘કૃષ્ણ-રાધા જ્યારે થાય એક, પૂર્ણ બની જાય રાધેશ્યામ.’ રૂપગોસ્વામીના કથન પ્રમાણે રાધા કાયમ કૃષ્ણનું જ નામ જપતી રહે છે. તેથી સંકીર્તનનો મહિમા છે. રાધા સર્વત્ર શ્રીકૃષ્ણને જ જુએ છે અને શ્રીકૃષ્ણને પણ બધે રાધા જ દેખાય છે. રાધા આરાધિકા છે. અને શ્રીકૃષ્ણ તેને પામવા ઉન્માદિત બને છે.

કૃષ્ણદાસ કવિરાજે પોતાની રીતે આ જ વાત કરી, ‘મહાભાવરૂપા શ્રી રાધા ઠકુરાણી, સર્વગુણભંડાર કૃષ્ણકાન્તા શિરોમણિ કૃષ્ણ ઈચ્છા પૂર્તિરૂપ કરે આરાધના, અત એવ પુરાણોમાં નામ રાધિકા રાધા પૂર્ણ શક્તિ. કૃષ્ણ પૂર્ણ શક્તિમાન. બન્ને વચ્ચે ભેદ નથી એ છે શાસ્ત્રનું પ્રમાણ.’ પ્રિયકાન્ત મણિયારની કવિતામાં આ સંબંધનું ઐક્ય અને માધુર્ય ખૂબ સુંદર રીતે મળે છે.

‘આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે...
આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે...
આ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે...

આવા જ કંઈક ભાવ દર્શાવતી મરાઠી ભાષાના કવિ પુરુષોત્તમ રેગે (અનુ.સુ.દ.)ની પંક્તિઓ છે.

‘આ નીલ વ્યોમ તે હરિવર,
ને આ એક તારલી રાધા
બાવરી યુગ યુગની મન બાધા
આ વિસ્તાર ધરાનો ગોવિંદ,
ને આ અક્ષતભૂમિ રાધા,
સફળ એ યુગ યુગ પ્રિયંવદા
નિશ્ર્ચલ વહેતું જલ આ કૃષ્ણ,
તટ પર વન ઝૂકે તે રાધા
વિપ્રશ્ન, યુગ યુગની ચિરતંદ્રા’.

આપણા ભક્તકવિ દયારામને તો વૈકુંઠ પણ નથી જોઈતું. તેને જોઈએ,

‘જોઈએ, લલિતત્રિભંગી મારે ગિરિધારી, સંગે જોઈએ શ્રીરાધાપ્યારી.’

વલ્લભાચાર્યે ગોપીઓને વેદની ઋચા, શ્રુતિ સ્વરૂપે માન્ય કરી છે, પદ્મપુરાણમાં પણ એમ જ છે. પ્રેમાનંદે કહ્યું, ‘ગોપી છે વેદની ઋચા, શ્રીકૃષ્ણ વેદસ્વરૂપ, રાધા ભક્તિનો અવતાર.’ સુરદાસે પણ ગોપીઓના વિશુદ્ધ પ્રેમનું વર્ણન કર્યું છે. પ્રતીકાત્મક રીતે એક મત પ્રમાણે રાધા એ કુંડલિની શક્તિનું પ્રતીક છે. નાડીઓ તે ગોપીઓ, સહસ્ત્રદળ કમળ એ વૃંદાવન જ્યાં આત્મા અને પરમાત્માનું મિલન થાય છે. જીવની શક્તિ ઈશ્ર્વરી શક્તિ સાથે રાસ રચી નૃત્ય કરે છે.

રાધા ભક્તિભાવ અને મધુરાભક્તિની જન્મદાત્રી છે. તેની નવધા ભક્તિ છે. - શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, વંદન, અર્ચન, દાસ્યભાવ, સખીભાવ અને આત્મનિવેદન તે પોતાપણું એકદમ જ વિસારી આરાધ્યદેવની પૂજામાં તત્પર બની. આરાધ્ય સાથે ઐક્ય સાધવાની જીવની અદમ્ય પિપાસા છે. જેનો આદિ પણ નથી અને અંત પણ નથી. રાધા અને કૃષ્ણનો પ્રેમ આધ્યાત્મિક, દૈવી, અપાર્થિવ છે. આત્માનો પરમાત્મા પ્રત્યે તલસાટ, તેને પામવાનો વલવલાટ, ઐક્ય સાધવાની તીવ્ર ઉત્કંઠા હૃદયને આર્દ્ર બનાવી દે છે. શ્રીકૃષ્ણના - પરમાત્માના નામશ્રવણ માત્રથી રાધા ભાવવિભોર થઈ પોતાને ભૂલી જાય છે. આત્માનું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ અને તેની સાથે ઐક્ય સાધવા તે સર્વસ્વ છોડવા તૈયાર થાય છે. સંસારનાં પ્રલોભનો, બંધનો, મર્યાદા કે પરંપરા તેને નડતી નથી. દૈવી અને સંસારી સંબંધોની એક પરાકાષ્ઠા છે, જ્યાં આત્મવિસ્મરણ અને આત્મવિલોપન સિવાય બીજું કંઈ રહેતું નથી. સુરદાસે સરસ વાત કરી, ‘સોળ સહસ્ત્ર પીર તન એકૈ. રાધા કહિયે સોય.’ સોળ હજાર ગોપીઓની ઘનીભૂત પીડા એટલે રાધા. કૃષ્ણને-પરમાત્માને પામવા રાધા બનવું પડે, જેમ સુંદરમે લખ્યું.

‘નયન નયન રાધા નયનન હો
ચરણ ચરણ રાધા ચરણન હો
તલપ તલપ રાધા તલસન હો,
રટત રટત મન ભાવન
હો અખિલ જગત બ્રિન્દાવન.’

સ્વના સમર્પણ સિવાય આ અલૌકિક પ્રેમની પ્રાપ્તિ થતી નથી, જેમ સુરદાસે કહ્યું, કૃષ્ણ તો રાધાને વશ છે. ચાતક જેમ સ્વાતિ નક્ષત્રના પાણીને, ચકોર જેમ ચંદ્રને અને ચક્રવાક જેમ સૂર્યને ઝંખે તેમ, જેમ શબ્દ-રાગના વશમાં હરણ, જળને વશ માછલી, શરીરને વશ છાયા, રાધા આ જાણી પોતાને ભાગ્યશાળી સમજે છે. ભારતેન્દુ હરિશ્ર્ચંદ્રે રાધા અને કૃષ્ણનો સંબંધ ચંદ્ર અને ચાંદની જેવો છે તેમ કહ્યું. રાધાભાવે વૈષ્ણવ ભક્તો   અને કવિઓએ ઋજુતાથી આત્મનિવેદન કર્યું છે. એટલે જ તો રવીન્દ્રનાથ કહે, ‘મને સાચું કહો હે વૈષ્ણવ કવિ, તમને ક્યાંથી આ પ્રેમછબી મળી. તમે ક્યાંથી શીખ્યા આ પ્રેમગાન. જે વિરહતપ્ત. કોની આંખોના આંસુ જોઈએ રાધિકાની આંખમાંથી પડતા અશ્રુ યાદ આવ્યા?’

અને છતાં રાધાકૃષ્ણનું જે વર્ણન આપણી સમક્ષ ઘણી વાર આવે છે તે એવું અપાર્થિવ, દૈવી કે આધ્યાત્મિક નથી. સાંપ્રદાયિક અને અન્ય કવિઓ આ પ્રેમને ઉન્નયન પર લઈ જવા મથે છે, પણ પ્રેમ અને કામ વચ્ચેનો ભેદ ઘણીવાર વીસરાઈ જાય છે. કાવ્યો વધારે પડતા શૃંગારિક હોઈ પ્રેમને ભૌતિક સ્તર પર લઈ જઈ સંભોગ પ્રધાન બનાવી દે છે. અલૌકિક પ્રેમનું વાતાવરણ બધે નથી રચી શકાયું. સંભોગથી સમાધિ તરફ નથી જવાતું. પ્રાચીન પુસ્તકો પણ તેમાં અપવાદ નથી. આવું વધુ પડતું સ્થૂળ ભૌતિક પ્રેમવર્ણન લોકોને જચતું નથી. દા.ત. એક શ્ર્લોક બ્રહ્મવૈવર્તપુરાણનો છે. ‘સ ચ ક્રીડાનિયુક્તશ્ર્ચ બભૂવ રત્નમંદિરે તથા ચ રાધયા સાર્દ્ધં કામુક્યા સહ કામુક: તે રત્નજડિત ઘરમાં કામયુક્ત રાધિકા સાથે કામી થઈને ક્રીડા કરવા પ્રવૃત્ત થયો.’ 11મી સદીમાં ક્ષેમેન્દ્રના ‘દશાવતાર’ પુસ્તકમાં એક શ્ર્લોક છે. યુવતીઓને ચુંબન કરનાર શ્રીકૃષ્ણના પ્રેમ માટે ભમરાને ચમેલી તેમ રાધા જ વધારે પ્યારી થઈ. શ્રીકૃષ્ણ જ્યારે મથુરા જવા નીકળ્યા ત્યારે રાધા સાથેની કામક્રીડાને ખાસ યાદ કરતાં કરતાં ગયા.

રાધિકાતાપનીય ઉપનિષદ પ્રમાણે વિશ્ર્વભર્તા શ્રીકૃષ્ણ એકાંતમાં પ્રેમયુક્ત થઈ રાધાની પદરજ માથે ચડાવે છે. બંસી પડી ગઈ છે, વાળ વીખરાઈ ગયા છે અને તે ક્રીતદાસ જેમ રાધાને વશ રહ્યા છે. 

‘ગીતગોવિંદ’ પ્રમાણે ‘વિરચિતચાટુવચનરચન ચરણે રચિત પ્રણિપાતં’ મીઠું મનને ગમે તેવું વચન બોલીને પગે પડીને પ્રણિપાત કરતા શ્રીકૃષ્ણ છેવટે રાધાને કહે છે, ‘સ્મરગરલખંડનં મમ શિરસિમંડનં, દેહિ પદપલ્લવમુદારં’ કામના વિષનું ખંડન કરવા મારા માથા પર પ્રેમળ લાલ પાન જેવાં તારો પગ મૂકી દે. ભક્ત રસખાને કહ્યું, બ્રહ્મ (એટલે વિષ્ણુ - કૃષ્ણ)ને તો પ્રાચીન વેદપુરાણ કે જ્ઞાનની આરાધનાથી પણ પામવો મુશ્કેલ છે. તેને બધે શોધ્યો, તો ક્યાંથી મળ્યો? ‘દેખો દુરૌ વહ કુંજકુટિર મેં, બેઠો પલોટત રાધિકા-પાયન’. તે તે ત્યાં કુંજકુટિરમાં રાધાના પગમાં આળોટતો બેઠો છે.

દયારામે ગાયું,
‘મોહ્યાં શ્યામા શ્યામને રે લોલ,
વ્યાપ્યો બેઉ અંગમાં અનંગ,
વ્રજવાસણી રે લોલ,
લલિતાએ લઈ મેળવ્યાં,
નિકુંજમાં રે લોલ,
રસભર્યા રમાડ્યા રતિરંગ,
વ્રજવાસણી રે લોલ!
આનંદસાગર ત્યહાં ઊછળ્યો રે લોલ
મગન થયાં લાડલી ને લાલ,
વ્રજવસાણી રે લોલ!’

ભક્તકવિ નરસિંહ મહેતાએ કહ્યું - ‘નરસૈંયાનો સ્વામી સુરત સંગ્રામે આધીન કીધો.’ અહીં અપાર્થિવ પ્રેમ બાજુ પર રહી જાય છે. સ્થૂળ પ્રેમ વધારે દેખાય છે. કોઈવાર ખટકે પણ ખરું.

નરસિંહ મહેતાએ સમજાવ્યું પણ ખરું કે ‘તમે જાણો વિષયરસ ગાયો, મારે હરિ શું પ્રેમ ઊભરાય. હરિલીલા શણગાર જ ગાતાં વિષયી નહીં કહેવાય.’ જયદેવે ગીતગોવિંદની રચના કરી, કારણ કે તે કહે છે.

‘શ્રી જયદેવકથિત આ લીલા, કલિ-મલ સહજ વિનાશનશીલા’. ભાગવતપુરાણમાં કહ્યું છે કે શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે ક્રીડા કરી, જે રીતે બાળક પોતાના પ્રતિબિંબથી ભરમાઈ કરે. ‘રેમે રમેશો વ્રજસુંદરીભિ: યથા અર્ભક: સ્વપ્રતિબિંબવિભ્રમ:’ તેમાં જ શુક્રદેવે પરીક્ષિતને સમજાવ્યું કે સર્વગ્રાહી અગ્નિને જેમ દોષ લાગતો નથી, તેમ તેજસ્વીઓને આવા કાર્યનો દોષ નથી. ‘તેજીયસાં ન દોષાય વહ્ને: સર્વભુજો યથા.’ ફરી કહ્યું ‘ઈશ્ર્વરાણાં વચ: સત્યં, તથૈવ, આચરિતં ક્વચિત્.’ આ મહાપુરુષોના વચન સત્ય હોય છે. આચરણ કદીક જ. આ જરાક ખૂંચે તેવી વાત છે. મહાપુરુષ તો મન, વચન અને કર્મથી એક જ વાત કરતા હોય, આમ કેમ? ‘શ્યામ સમીપે’ પુસ્તકમાંથી સાભાર.પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની

(ક્રમશ:)