Sun Aug 23 2026

Logo

શૂન્ય પાલનપુરી 19-12-1922થી સદાકાળ

2026-03-22 09:36:00
Author: Shobhit Desai
Article Image

 

આજે આટલું જ - શોભિત દેસાઈ

આજે, 17-03-1987એ એમના નિર્વાણ દિને હું શોભિત દેસાઈ, એમની જ કેટલીક અતિમૂલ્યવાન ગઝલો તમારી 
સામે મૂકી, મારા પિતાતુલ્ય શાયર સાહેબથી શૂન્ય પાલનપુરીને વંદન કરી રહ્યો છું. 
તમારી પાસે આ ગઝલો રવિવારે એકવીસ તારીખે આવશે. સનાતનમાંથી ચપટી 
મૂરી થે.

કુશળ છો જ અને રહો.

(1)
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, 
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઊઠે, 
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને 
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને 
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, 
લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને 
આમ્ર-કુંજોમાં ગાઈ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બેન, 
રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, 
તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહનો કોડિયે, પ્રાણની વાટને, 
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, 
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, 
શ્ર્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, 
ગાય છે ‘શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.

(2)

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાના તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

(3)

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેવી વિકસવાની ટેક છે.
પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્ય હજૂરે પ્રણયનો વિવેક છે.
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.
આપો હૃદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે નેક છે.
એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

(4)

હું નથી પૂછતો, ઓ સમય! 
કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, 
જોઈએ તારે આખર જખમ કેટલા?
ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, 
પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, 
પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણી આ ફરેબોની દુનિયામહીં,
પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, 
પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, 
માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઈને ફરકતા હશે હોઠ પર, 
વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઈર્ષાથી પર ક્યાંક હોતો નથી, 
શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, 
મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, 
આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઈશ્ર્વરને માટે મમત કેટલી, 
એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા!

(5)

તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે!
હોડીનું એક રમકડું, તૂટ્યું તો થઈ ગયું શું?
મોજાંની બાળહઠ છે, સાગર! ક્ષમા કરી દે!
હર શ્ર્વાસ એક મુસીબત, હર શ્ર્વાસ એક વિમાસણ,
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ!
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઈશ્ર્વર, ક્ષમા કરી દે!

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત્ જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે!

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે!

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ર્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે!

હરદમ લથડતા શ્ર્વાસ બહુ ચાલશે નહીં
આ પાંગળો પ્રવાસ બહુ ચાલશે નહીં
લાગે છે ‘શૂન્ય’ મૌનની સરહદ નજીક છે
વાણીનો આ વિલાસ બહુ ચાલશે નહીં.

આજે આટલું જ