Fri Apr 17 2026

Logo

દેવતાઓના શાપ કદીય મિથ્યા થતા નથી, હું સૂર્યદેવને અવશ્ય દંડીશ

2026-04-13 10:38:00
Author: Bharat Patel
Article Image

 

શિવ રહસ્ય - ભરત પટેલ

એક સમયે શિવભક્ત રાજા વૃષધ્વજ નૈમીશારણ્ય પર રાજ કરતા હતા. વૃષધ્વજ રાજા અતિ જ્ઞાની અને પરાક્રમી હતા. તે ઈન્દ્રના પરમમિત્ર હતા. અવારનવાર અસુરો દેવલોક પર આક્રમણ કરતાં ત્યારે તેઓ હંમેશાં દેવરાજ ઇન્દ્રને સહાય કરતા. ઈન્દ્રલોકમાં પણ રાજા વૃષધ્વજનું બહુ માન અને દબદબો હતો. એક સમયે રાજા વૃષધ્વજે તેમના રાજ્યમાં ઢંઢેરો પિટાવ્યો કે, આખા રાજ્યમાં ભગવાન શંકર અને પાર્વતી સિવાય કોઈ દેવદેવીની પૂજા ન કરવી. પ્રતિબંધથી રાજ્યમાં અન્ય દેવતાઓની પૂજા-અર્ચના બંધ થઇ ગઈ. સમગ્ર દેવતાઓ પણ જાણતાં હતાં કે રાજા વૃષધ્વજ પર ભગવાન શિવની અનંત કૃપા હોવાથી તે ગર્વિષ્ઠ રાજાને શાપ પણ ન આપી શકાય. રાજા વૃષધ્વજ હંમેશાં નદીમાં સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધ્ય આપતાં આજે તેમણે અર્ધ્ય ન આપ્યો અને ભગવાન સૂર્યની સામે નજર પણ ન કરી. આથી ભગવાન સૂર્ય નારાજ થઈ તેમની સામે પ્રગટ થયા. બંને વચ્ચે લાંબો વાર્તાલાપ ચાલ્યો અને અંતે સૂર્ય દેવ ક્રોધે ભરાયા અને શાપ આપતાં બોલ્યાં ‘તારા બળના કારણે તું અહંકારી બની ગયો છે, તું દેવતાઓનું અપમાન કરી રહ્યો છે, હું તને શાપ આપું છું કે, તારા કુળ અને તારી કીર્તિનો નાશ થાય.’  શાપને લીધે રાજા વૃષધ્વજનો અહંકાર ઓગળી ગયો. એનો ઘમંડ નષ્ટ થઈ ગયો. તેણે વ્યથિત બનીને ભગવાન શિવને યાદ કર્યા. ભગવાન શિવ ત્યાં પ્રગટ થતાં જ મહારાજા વૃષધ્વજ કહે છે, ‘ત્રાહિમામ્... પ્રભુ ત્રાહિમામ્... મને ઉગારો પ્રભુ...મને ઉગારો. મને સૂર્ય દેવે શાપ આપ્યો છે કે મારું કુળ અને કીર્તિનો નાશ થાય. આ શાપથી મને ઉગારો પ્રભુ...મને ઉગારો...’ ભગવાન શિવ પોતાના પ્રાણપ્રિય ભક્ત મહારાજા વૃષધ્વજની અવસ્થા જોઈ ખૂબ રોષે ભરાયા. તેમણે ત્રિશૂળ ઉઠાવ્યું અને સૂર્યની પાછળ દોટ મૂકી. સૂર્યદેવ ભયભીત થઈ બ્રહ્મલોક તરફ દોડવા લાગ્યા. સમગ્ર આકાશલોકમાં દેવતાઓની ભાગદોડ 
મચી ગઈ.
* * *
ગભરાયેલા સૂર્યદેવ બ્રહ્મલોક પહોંચ્યા.

બ્રહ્માજી: ‘સૂર્યદેવ તમે આટલા ગભરાયેલા કેમ છો?’

સૂર્યદેવ: ‘પરમપિતા મેં ક્રોધાવેશમાં રાજા વૃષધ્વજને શાપ આપ્યો કે ‘તારું કુળ અને કીર્તિનો નાશ થાય’ ત્યારબાદ આ શાપની વાત વૃષધ્વજે ભગવાન શિવને કહેતાં જ ભગવાન શિવ ક્રોધાયમાન થયા છે અને તેમનું ત્રિશુળ લઈ મારી પાછળ આવી રહ્યા છે. મારી રક્ષા કરો બ્રહ્મદેવ. હું તમારી શરણે છું.’

એ જ સમયે ભગવાન શિવ ત્યાં આવી પહોંચે છે. ગભરાયેલા સૂર્યદેવ બ્રહ્માજીની પાછળ સંતાઈ જાય છે. બ્રહ્માજી ભગવાન શિવની સ્તુતી કરતા કહે છે, ‘હે ઉમાપતિ! આપ તો પરમ કલ્યાણકારી દેવાધિદેવ મહાદેવ છો, આપ જ દેવતાઓનું રક્ષણ કરી શકો છો. સૂર્યદેવને માફ કરો.’

ભગવાન શિવ: ‘હે બ્રહ્મદેવ હું તો મારા ભક્તોને આધીન છું. દેવતાઓ કરતાં મને મારા ભક્તો વધુ વ્હાલા અને પ્રિય છે. હું  મારા ભક્તો માટે સૃષ્ટિનો વિનાશ પણ નોતરી શકું છું. સૂર્યદેવે મારા પરમ ભક્ત વૃષધ્વજને શાપ આપ્યો છે કે, તેના કુળ અને કીર્તિનો નાશ થાય. દેવતાઓના શાપ કદીય મિથ્યા થતા નથી. હું સૂર્યદેવને અવશ્ય દંડીશ.’

બ્રહ્માજી: ‘દેવાધિદેવ! આપ સૂર્યદેવને દંડ આપો એ પહેલા મારી આપને પ્રાર્થના છે કે સૂર્યદેવને લઈ આપણે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે જઈએ તેઓને જે દંડ યોગ્ય લાગશે તે દંડ આપ તેને આપી શકશો.’

ભગવાન શિવને એ વાત યોગ્ય લાગતાં તે વિષ્ણુલોક પહોંચ્યા. ભગવાન શિવે ભગવાન શ્રીહરિ વિષ્ણુને સઘળી હકીકતથી વાકેફ કર્યાં.

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘હે દેવાધિદેવ! તમે સૌ પ્રથમ સૂર્યદેવ પાછળ બ્રહ્મલોક ગયા અને ત્યારબાદ અહીં આવ્યા, પણ આટલીવારમાં તો દેવતાઓની એક ઘડી પણ વીતી ગઈ. દેવતાઓની એક ઘડી એટલા મનુષ્યોનો એક યુગ! બ્રહ્મદેવે અખિલ બ્રહ્માંડની રચના કેવળ પોતાના કલ્પનાબળ થકી જ કરેલી હોવાથી તેના દિવસને સંકલ્પ અથવા કલ્પના ઉપરથી ‘કલ્પ’ કહે છે. કલ્પ એટલે બ્રહ્મદેવનો એક દિવસ. આટલા સમયમાં તો પૃથ્વી પર ઘણાં વરસો વીતી ગયાં. રાજા વૃષધ્વજ અને તેના પુત્રો ધર્મધ્વજ અને કુશધ્વજ પણ નામશેષ થઈ ગયા. રાજાની પેઢીઓ પણ સમાપ્ત થઈ ગઈ. સૃષ્ટિના સંતુલન માટે સૂર્યદેવની ઉપસ્થિતિ ઘણી જરૂરી છે. હવે આ સ્થિતિમાં સૂર્યદેવને દંડ આપશો તો કોણ ખુશ થશે. તમારા ભક્તનું અસ્તિત્વ જ હવે રહ્યું નથી તો સૂર્યદેવને દંડ શું કામ? મારી વિનંતી છે કે ભૂતકાળને ભૂલી જાઓ.’

ભગવાન શિવને ભગવાન શ્રીહરિ વિષ્ણુની વાત યોગ્ય લાગી. સૂર્યદેવને અવસર મળતાં જ તે ભગવાન શિવના ચરણમાં ઢળી પડયા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી કહ્યું, ‘ક્ષમા તે શિવ’.

પોતાના ચરણમાં પડેલા સૂર્યદેવને ભગવાન શિવે સસ્મિત ક્ષમા આપી.

કહેવાનું તાત્પર્ય એ છે કે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા સ્વ અને પર બંનેને હિતકારી છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. ક્ષમા વડે સામાન્ય માનવી પણ મહાત્મા બની પરમામત્મા પદ સુધી પહોંચી જાય છે.

ક્ષમા એ ધરતીનું નામ છે, કારણકે ધરતી સર્વનો ભાર સહન કરે છે. શ્રમાશીલને ક્રોધ કધાપિક બાળી શકતો નથી. ક્ષમતાથી કઠિન કાર્યની પણ સિદ્ધિ થાય છે. ક્ષમા ભાવના જગત માટે આશીર્વાદરૂપ છે. ક્ષમા આત્મા માટે પરમ કલ્યાણની કેડી છે. ક્ષમા મોક્ષનો માર્ગ છે. ક્ષણિક ક્રોધ પર કાબૂ મેળવનાર ક્યારેય દુ:ખી થતો નથી. હંમેશાં ક્ષમાથી ક્રોધને જીતો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો નાશ કરો અને સંતોષથી લોભને કાબૂમાં રાખો. ક્રોધ સામે ક્ષમા કે અક્રોધની શક્તિનો ઉપયોગ કરે તે જ સાચો જ્ઞાની કહેવાય છે.

‘ક્ષમાવતો જયો નિત્યં સાધોરિહ સતાં મનમ્’

અર્થાત્ ક્ષમાવાન સજ્જનોનો તે માટે નિત્ય વિજય છે. સંતોના મતે શત્રુ કે આપણો સ્પર્ધક હોય તેની સાથે મૈત્રી ભાવથી વર્તન કરવું. એની ઈર્ષા કે ઉત્સાહનો જવાબ વિનયથી આપવો. ક્રોધીની સામે અક્રોધ કે ક્ષમાની શક્તિ વાપરે તે જ સમજુ અને સાચો જ્ઞાની કહેવાય છે.

સૂર્યદેવ દંડીત થતા બચી ગયા, સમગ્ર વાર્તાલાપ દેવગણો સાંભળી રહ્યાં હતાં. તેઓ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને ભગવાન શિવનો જયજયકાર કરવા લાગ્યાં.

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવતાઓએ પોતાની મર્યાદા જાણવી જોઈએ અને પોતાની મર્યાદામાં રહી સૃષ્ટિના સંચાલનમાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. ત્રિદેવોના પરમભક્તોની પરીક્ષા ન લેતાં તેમને ભક્તિના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપવી જોઈએ.’
ભગવાન શિવ, બ્રહ્માજી સહિત દેવગણ પોતપોતાના લોક તરફ પ્રયાણ કરવા લાગ્યાં.

ઘણા સમય બાદ ભગવાન શિવ કૈલાસ પહોંચતાં માતા પાર્વતી અને શિવગણો તેમની પૂજા-અર્ચનામાં વ્યસ્ત થઈ ગયા.  

 (ક્રમશ):