Fri Apr 17 2026

Logo

માધવને મુખડે મોરલી, મહીં હૈયું રાધાનું રેલાય

2026-04-13 11:13:00
Author: Jyotsana Tanna
Article Image

શ્યામ સમીપે - જ્યોત્સના તન્ના

(ગતાંકથી ચાલુ)

રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી યુક્તિસર પ્રશ્ર્નોત્તરથી બંને વચ્ચેના શ્ર્લેષમય વાર્તાલાપ મધ્યકાલીન કવિઓના પ્રિય વિષય હતા. ‘સદુક્તિકર્ણામૃત’ પુસ્તકનો શ્ર્લોક છે,

કરત્વં ભો નિશિ - રાતે આવનાર કોણ છો?

કેશવ - કેશવ કૃષ્ણનું એક નામ છે,

તો બીજો અર્થ થાય જેના સુંદર વાળ છે તે.

તરત પ્રશ્ર્ન આવ્યો-

શિરસિજૈ કિં નામ ગર્વાયસે - વાળથી ગર્વ કરે છે?

જવાબ આવ્યો,

ભદ્રે, શૌરિ: અહં- ભદ્રે, હું શૌરિ, શૂરનો પુત્ર.

ગુણૈ: પિતૃગતૈ: પુત્રસ્ય કિં સ્યાદિહ - પિતાના ગુણથી

(શૂરવીરનો પુત્ર કહ્યું તેથી) પુત્રને શો લાભ?

ચક્રી ચન્દ્રમુખી - ચન્દ્રમુખી, હું ચક્રી. ચક્રને ધારણ કરનાર કૃષ્ણ; અથવા કુંભાર-ચાકડો ચલાવે તે.

પ્રયચ્છસિ ન મે કૂંડી ઘટીં દોહિનીં-ચક્રીનો અર્થ કુંભાર કરીને કહે છે કે તો મને કુંડી, ઘડો અને દૂધ દોહવાની મટકી કેમ નથી આપતા?

ઈત્થં ગોપવધૂદ્ધતોત્તર તયા દુ:સ્થો હરિ પાતુ વ: - આ રીતે ગોપસ્ત્રી (રાધા) દ્વારા નિરુત્તર કરાયેલા મુશ્કેલીમાં પડેલા કૃષ્ણ તમારું રક્ષણ કરે.

બીજો પણ એવો એક શ્ર્લોક જોઈએ,

ક : અયં દ્વારિ - દરવાજા પર કોણ છે?

હરિ: - હું હરિ. શ્રીકૃષ્ણ; અને બીજો અર્થ વાંદરો. પ્રયાત્ ઉપવનં શાખામૃગસ્ય અત્ર કિમ્ - ‘વાંદરો’ એ અર્થ લઈ જવાબ મળ્યો કે વાંદરાનું અહીં શું કામ છે, જા બગીચામાં. કૃષ્ણ: અહં દયિતે - પ્રિયે, હું કૃષ્ણ.

બિભેમિ સુતરાં કૃષ્ણાદહં વાનરાત્ - ઉપરનો જ અર્થ લીધો છે. કાળા વાંદરાથી હું બહુ જ ડરું છું.

રાધે અહં મધુસૂદન :- રાધે, હું મધુસૂદન છું. કૃષ્ણનું એક નામ મધુસૂદન છે. બીજા અર્થ છે મધની પાછળ જનારો ભમરો. વ્રજ, લતાં તામેવ પુષ્પાન્વિતામ્-ભમરો છે તો જા ત્યાં ફૂલોવાળી વેલ પાસે.

ઈત્થં નિર્વચની કૃતો દયિતયા હ્ીણો હરિ: પાતું વ: - આ રીતે પ્રિયા રાધાએ જેને બોલતા બંધ કર્યા એવા લજ્જિત થયેલા શ્રીકૃષ્ણ તમારું રક્ષણ કરે.

કૃષ્ણ તો બંસીધર, મુરલીમનોહર, સ્કંદપુરાણ પ્રમાણે સ એવ સા સ સૈવાસ્તિ વંશી તત્પ્રેમરૂપિકા - શ્રીકૃષ્ણ (તે) રાધિકા (તે) જ છે. અને રાધિકા શ્રીકૃષ્ણ છે, બંસી તેમના પ્રેમનું રૂપ છે. હિંદી ભાષાના રીતિકાલીન કવિ બિહારી કહે છે,

‘બતરસ લાલચ લાલ કી મુરલી ધરી લુકાઈ

સૌહં કરે ભૌહંનું હસે, દૈન કહૈ નહિ જાઈ.’

રાધાએ બંસી છુપાવી દીધી, અને હસે, પણ આપે નહીં. ત્યારે મીરાંબાઈના કૃષ્ણ રાધાને વિનંતી કરી બંસી પાછી માગે છે.

‘રાધા પ્યારે દે ડારોજી, બંસી હમારી; રાધા.

યે બંસી મેં મેરા પ્રાન બસત હૈ.’

હિંદી ભાષાના કવિ મંગલપ્રસાદ વિશ્ર્વકર્માએ કૃષ્ણ દ્વારા સાચી વાત કહી, 

‘મને મળે રાધાનો જે પ્રેમ, તે જ બંસીના છિદ્રમાંથી મુક્ત વહે બજી ઊઠે શુચિસ્વર્ગીય સંગીતમાં, એક એક સ્વર, એક એક મૂચ્છર્ના.’ મૈથિલ કવિ વિદ્યાપતિ કહે છે કે નંદનંદન કદંબના વૃક્ષ નીચે ધીમે ધીમે મુરલી વગાડે છે. નિયમિત રીતે સંકેતસ્થાનમાં બેસીને વારે વારે બોલાવે છે. ઊડિયા સાહિત્યના 18મી સદીના ગ્રંથ ‘વિદગ્ધચિંતામણિ’માં રાધા કૃષ્ણને મળવા ઉત્સુક છે. સખીને કહે છે કે જો આમ ન થાય (એટલે શ્રીકૃષ્ણ ન મળે) તો મૃત્યુ પછી મારા શરીરને તમાલનાં પાંદડાંથી એ રીતે ઢાંકજે, કે મારા કાન એ દિશામાં ખુલ્લા રહે, જે બાજુથી શ્રીકૃષ્ણની બંસીનો ધ્વનિ આવતો હોય. પ્રેમાનંદનું સરસ કાવ્ય છે.

‘હે વાંસલડી! વેરણ થઈ લાગી વ્રજની નારને...

તેં વ્રતવ્રતાદિક શું કીધું, રાધા થકી માન અધિક લીધું,

તને આલિંગન પ્રભુએ દીધું, હે વાંસલડી...’

ઉમાશંકર જોશીએ કહ્યું, ‘માધવને મુખડે મોરલી, મહીં હૈયું રાધાનું રેલાય, માધવની નાચે આંગળી, વીંધ રાધાના હૈયાના ત્યાંય.’ રાજેન્દ્ર શાહ, ‘સબ અપની અપની ગત મેં, મૈં ગતમેં અપને મોહન કી, વહ મુરલી બાજત, મૈં નાચત, નાચત રાધા મોહન કી.’ સુરેશ દલાલે લખ્યું, ‘રાધાએ નેણ જરી ઊંચકયાં ને ડાળની વચ્ચેના અવકાશે શ્યામ: પાંદડામાં પ્રક્ટયા છે સૂર અને મોરલી ચીતરે છે રાધાનું નામ!’

શ્રીકૃષ્ણ, રાધા અને વાંસળી એકબીજા સાથે આટલી ઉત્કટતાથી જોડાઈ ગયાં. પણ કૃષ્ણનું અવતારકાર્ય તો હતું આતતાયીઓનો નાશ કરી ધર્મનું રક્ષણ કરવાનું. એ માટે વ્રજ-વૃંદાવન- ગોકુળ છોડી મથુરા ગયા અને છેવટે દેશના પશ્ર્ચિમ કિનારે દ્વારિકાનગરીનું પુનર્વસન કર્યું. વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને મુરલીનો સંગાથ હંમેશ માટે છૂટી ગયો. હવે પછી બંસીવટ નીચે ત્રિભંગીરૂપે વાંસળી વગાડી ચરાચર જગતને મોહિત કરી સ્તંભિત કરતા કૃષ્ણ દેખાતા નથી. રાધા પણ કૃષ્ણ સાથે નથી. શ્રીકૃષ્ણ હવે દેખાય છે પાંચજન્ય શંખનો નાદ કરી કર્તવ્ય ધર્મનું પાલન કરવા આદેશ દેતા ગીતાનો ઉપદેશ આપતા મહાન આચાર્ય અને નીતિનિર્દેશકરૂપે પાંડવોને માર્ગદર્શન આપતા. હવે સાથે છે પટરાણી રુક્મિણી કે સત્યભામા. બન્ને વૈભવશાળી રાજા અને અગ્રણીઓની સુતાઓ. આભીરક્ધયા રાધા હવે ક્યાંય નથી.