Fri Apr 17 2026

Logo

અવિનાશીની કળા અનેરી, વિરલા કોક વખાણે રે...

2026-04-13 11:33:00
Author: Dr Niranjan Rajyaguru
Article Image

અલખનો ઓટલો - ડૉ. નિરંજન રાજ્યગુરુ


મકરન્દભાઈ વારંવા2 કહેતા કે- ‘ભજનોમાં સદ્ગુરુનો મોટો મહિમા ગાવામાં આવ્યો છે. પણ આ મહિમાને લીધે અનેક નામધારી ગુરુઓ ભોળા માનવીઓને ભરમાવતા હોય છે. તેથી સદ્ગુરુ કેવો હોય તે પહેલાં નાણી, પ્રમાણીને જ તેનાં વચનો પર વિશ્વાસ રાખવો જોઈએ. ‘વરતન જોઈ વસ્તુ વોરીએ’ - એ ભજનવાણીનો પહેલો પાઠ છે. દેવને, ગુરુને, અતિથિને આપણું સર્વસ્વ આપવાનું ભજનો કહે છે, ત્યારે ત્યાં વિવેકને દેશવટો આપવાનો નથી. દેવ કે દેવીને કોઈ પ્રાણીનો ભોગ ન જ અપાય, ગુરુની આજ્ઞા માનવામાં ક્યાંયે ચારિત્રનું ખંડન ન જ ચાલે. અતિથિનો આદર-સત્કાર કરવામાં કચાશ ન રખાય પણ પોતાની શક્તિને મર્યાદાનું ઉલ્લંઘન ન જ થવું જોઈએ. ભજન માણસને અભય, સત્યનિષ્ઠા, સંયમ શીખવે છે, તેમાં જ્યાં કાંઈ અતિરેક થાય ત્યાં અધર્મ છે,  ભજનનાં બીજાં પણ ભયસ્થાનો છે. ભજનોને સાચી રીતે સમજવામાં ન આવે તો બ્રહ્મભાવને નામે અહમ્, ભગવાન પરના ભરોસાને સ્થાને અકર્મણ્ય, આળસ અને પરલોક સુધારવાને બહાને આ લોકનાં ર્ક્તવ્યોમાંથી પલાયન-આવો સડો પેસી જવાનો ભય છે. એટલે જ ભજનિકોએ ભજનને રામ રસાયન કહ્યું છે. એ બરાબર પીવામાં ન આવે તો કાચા પારાની જેમ ફૂટી નીકળે. લોકોને આ વિષે સજાગ કરવાની જરૂર છે.’ આજે ભજનો જે રીતે ગવાય છે તેમાં ભજનનાં અસલી ઢાળની કે શબ્દોની શુદ્ધિ જળવાતી નથી અને ભજનોનું સાત્ત્વિક વાતાવરણ બંધાતું નથી. મોટે ભાગે તે સસ્તા મનોરંજનનું સાધન થઈ પડયું છે. ત્યારે સાચા અર્થમાં ભજનિકોની પરંપરા તૈયાર થવી જોઈએ. જેમાં નવા ભજનિકો માટે ભજનને અસલી ઢાળમાં ગાવાની તાલીમ મળે,  ભજનમાં આવતા શબ્દે શબ્દની પરખ અને તેના મર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય, જે સંતનું ભજન ગવાતું હોય તેના જીવન વિષે માહિતી મળે અને ભજન દ્વારા સમાજમાં સાત્ત્વિકતાનું બળ ઊભું  થાય. ભજનવાણીને સંતોએ સાચનું પાણ પાયું છે અને નિર્ભયતાનો મજીઠી રંગ ચડાવ્યો છે. તેને જીવનમાં વણીશું તો પછી સર્વત્ર અમૃતથી ભર્યા ભરપૂર આનંદનો પાર નહીં રહે .’

સામાન્ય માણસ તરીકે આપણે તો લખ ચોરાશીના ફેરામાં સતત ફરતા રહેવાનું છે.  (1)જરાયુજ ( ઓર- જરા  સાથે જેનો જન્મ થાય તે મનુષ્ય અને પ્રાણીઓ. 21 લાખ઼ (2) અંડજ  (ઈંડામાં- કોચલામાંથી બહાર આવે તે) પક્ષ્ાી અને સર્પ, કીડી, મધમાખી, વગેરે.. 21 લાખ઼ (3) ઉદ્બીજ ( બીજમાંથી જન્મ) વનસ્પતિ, વૃક્ષ્ાો.. 21 લાખ઼ અને  (4) સ્વેદજ ( પરસેવામાંથી જન્મ થાય એવા જંતુઓ)  માંકડ, વીંછી, મચ્છર.. 21 લાખ઼. એમ સંતો ચોરાશી લાખ યોનિની ગણતરી બતાવે છે.

સૃષ્ટિના પ્રારંભની વાત રવેણી પ્રકારનાં ભજનોમાં આવે, એમાં સમગ્ર બ્રહ્માંડનું સર્જન કેમ થયું,  જીવ જગત અને માયાની ઉત્પત્તિ  કઈ રીતે થઈ અને એનો વિનાશ કેમ થાય છે. તેનું ગૂઢ જ્ઞાન,  સાંખ્ય જ્ઞાન મુજબનું સંખ્યા શાસ્ત્ર, પાંચ તત્ત્વ, પૃથ્વી પાણી આકાશ તેજ વાયુ,
 
ત્રણ ગુણ સત્વ, તમ ને રજ પચીસ પ્રકૃતિ : એની તન્માત્રાઓ , બાર બીજ, બાવન અક્ષર, ષટ્ચક્રો, સાત ધાતુ, શરીરનાં નવ દ્વાર, દશ ઈન્દ્રિયો, એનાં દેવી-દેવતા, એના બીજમંત્રો.. એવું રહસ્યાત્મક તત્ત્વજ્ઞાન આપણા ભજનોમાં વણાતું રહ્યું છે. મારા પિતાજી રચિત ભજનવાણીમાં અવિનાશીની અકળ કળાનો મહિમા ગવાયો છે.

અવિનાશીની કળા અનેરી, વીરલા કોક વખાણે રે,
ગૂંચવાયા ઈ ઘરઘર ઘૂમે, જુગતિ વાળા જાણે રે..
મોહન તારી માયા એવી, ધરમ રાજા અટવાયા રે,
જુગારમાં જુવતીને હાર્યા, વન વનમાં ભટકાયા રે..
લંપટને ત્યાં લક્ષ્મી ભાળો, સતિયાં ફરે ઉઘાડાં રે,
દાસ સુદામો જોઈ લેજો, વસ્તર છે થીગડાળાં રે..
જીવણ જેલ મહીં છે જાતા, મીરાં બની મતવાલી રે,
નરસૈયાને ન્યાલ ર્ક્યો, જે નાચે દઈ દઈ તાલી રે..
કળિયુગમાં પણ કોટિ તાર્યાં, વાઈ ગિયાં છે એનાં વ્હાણાં,
બોડાણાની ભેર કરીને , ડાકોરમાં દરશાણા રે..
શરણાગતનો સાથી એવો, સત મારગ જે જાચે રે,
વલ્લભ વનમાળીની આગળ, નામ સૂણંતા નાચે રે..