Wed Jun 10 2026

Logo

મધ્યસ્થીના મુદ્દે હરખાતા પાક.ના PMએ ભાંગરો વાટ્યો, USએ ચોખવટ કરતા નાક કપાયુ

Islamabad   2026-04-09 19:38:44
Author: Mumbai Samachar Team
Article Image

ઈસ્લામાબાદ/વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કથિત યુદ્ધવિરામને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના દાવાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટા વિવાદને જન્મ આપી દીધો છે. શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા દાવો કર્યો હતો કે, ઈરાન અને અમેરિકા સહિત લેબનોન જેવા તમામ પક્ષો બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સહમત થયા છે, જોકે વ્હાઇટ હાઉસે તાત્કાલિક અસરથી આ દાવાને ફગાવી દીધો છે. આ કારણે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ રહી છે. શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પર લખીને ભાંગરો વાટી દીધો. 

અમેરિકાની મોટી ચોખવટ
અમેરિકાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, લેબનોન ક્યારેય આ કરારનો ભાગ ન હતું. અમેરિકાના આ કડક વલણ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની મધ્યસ્થી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં પાકિસ્તાનના આ પગલાને ઈરાનને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે, જેના કારણે પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે વિશ્વસનીયતા ઘટી રહી છે. થોડીઘણી જે બચી હતી એ પણ એમના જ નેતાએ ધૂળધાણી કરી દીધી.  યુદ્ધવિરામની જાહેરાત છતાં ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કરી દીધો હતો.

સમજૂતી સામે સવાલ
આ હુમલાને કારણે પ્રસ્તાવિત સમજૂતીના પાયા હચમચી ગયા છે.ઈઝરાયેલના આ વલણના વિરોધમાં ઈરાને આકરા તેવર બતાવતા ફરી એકવાર 'હોર્મુઝ સ્ટ્રેટ'ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને તાજેતરમાં જ વેપાર માટે શરૂ કરવામાં આવ્યો હતો. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે, વિધિવત વાતચીત શરૂ થાય તે પહેલા જ અમેરિકાએ મુખ્ય પ્રસ્તાવની ત્રણ મોટી શરતોનું ઉલ્લંઘન કર્યું છે. ગાલિબાફના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવના પ્રથમ મુદ્દામાં લેબનોનમાં યુદ્ધવિરામની વાત હતી, જેનો અમેરિકા અને ઇઝરાયેલે સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

અમેરિકાએ દગો કર્યો અને વારંવાર કર્યો
આ ઉપરાંત, ઈરાનમાં ડ્રોન હુમલાનો પ્રયાસ અને ઈરાનના યુરેનિયમ સંવર્ધનના અધિકારને માન્યતા ન આપવી એ પણ સમજૂતી વિરુદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. ગાલિબાફે વધુમાં ઉમેર્યું કે, અમેરિકા પ્રત્યે ઈરાનનો ઐતિહાસિક અવિશ્વાસ આવા જ દગા અને વારંવાર કરવામાં આવેલા ઉલ્લંઘનોનું પરિણામ છે. આ નિવેદન બાદ ફરી એકવાર રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફની સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને અમેરિકા પર દબાણ વધાર્યું છે. 

નિર્ણય હવે અમેરિકા કરે
હવે અમેરિકાએ નક્કી કરવાનું છે કે, તે શાંતિ ઈચ્છે છે કે ઇઝરાયેલ દ્વારા યુદ્ધ ચાલુ રાખવા માંગે છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કરી દીધું છે કે, ઈરાન સાથે થયેલા કરારને લેબનોન સાથે કોઈ લેવા-દેવા નથી, જેના કારણે મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેણે લેબનોનમાં હિઝબુલ્લાહને પહેલેથી જ મોટો ફટકો આપ્યો છે. તે પોતાની સૈન્ય કાર્યવાહી કોઈ પણ સંજોગોમાં અટકાવશે નહીં. નેતન્યાહુના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઇઝરાયેલ સરહદ પર સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી.