Thu Oct 01 2026

Logo

અજિત પવાર જૂથ સાથે વિલિનીકરણની ચર્ચા વચ્ચે શરદ પવારે આપ્યું મોટું નિવેદનઃ કોઈ પણ પાર્ટીમાં આવી શકે...

2026-09-28 16:39:31
Author: Mumbai Samachar Team
અજિત પવાર જૂથ સાથે વિલિનીકરણની ચર્ચા વચ્ચે શરદ પવારે આપ્યું મોટું નિવેદનઃ કોઈ પણ પાર્ટીમાં આવી શકે...

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીના બંને જૂથોના સંભવિત વિલીનીકરણની ચર્ચા વચ્ચે એનસીપી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું કે જો કોઈને તેમની પાર્ટીમાં જોડાવવામાં રસ હોય તો તેઓ તેમની પાર્ટીમાં આવી શકે છે. તેમના આ નિવેદનથી એનસીપીના બંને જૂથોના ભવિષ્યને લઈને ચાલી રહેલી ચર્ચાને ફરી એક વાર ગરમાઈ છે.

શરદ પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં એનસીપીના બંને જૂથો વચ્ચે ફરી જોડાવવા અંગે વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે. જોકે, શરદ પવારે વિલીનીકરણ અંગે કોઈ ફોડ પાડ્યો નથી. તેમણે પોતાની પાર્ટીમાં આવવા ઇચ્છુક લોકોને ખુલ્લું આમંત્રણ આપ્યું હોવાની સ્પષ્ટતા પણ કરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બંને જૂથોના સંભવિત વિલીનીકરણને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, બંને પક્ષો તરફથી આ મુદ્દે અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. તાજેતરમાં પણ રાજકીય નેતાઓ દ્વારા એનસીપીના બંને જૂથો ફરી એકસાથે આવી શકે તેવી શક્યતા અંગે નિવેદનો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, શરદ પવારના જૂથ અને કોંગ્રેસ વચ્ચે પણ સંભવિત વિલીનીકરણ અંગે અગાઉ ચર્ચા થયાના અહેવાલો આવ્યા હતા. જુલાઈ 2026માં કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી વચ્ચે મહારાષ્ટ્ર એકમોના વિલીનીકરણ અંગે ચર્ચા ચાલી રહી હતી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, આ ચર્ચા અને અજિત પવારના જૂથ સાથેના સંભવિત વિલીનીકરણને અલગ મુદ્દા તરીકે જોવામાં આવે છે.

હવે શરદ પવારના તાજા નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે કે એનસીપીના બંને જૂથોનું ભવિષ્ય શું રહેશે અને આગામી સમયમાં પાર્ટીની રાજકીય દિશા કઈ હશે. જોકે, હાલ સુધી શરદ પવાર તરફથી અજિત પવારના જૂથ સાથે વિલીનીકરણ અંગે કોઈ ઔપચારિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.