Mon Oct 05 2026

Logo

જાણો કોણ છે, HDFC બેંકના નવા એમડી અને સીઇઓ અનુપ બાગચી

2026-10-01 19:45:31
Author: Chandrakant Kanoja
જાણો કોણ છે, HDFC બેંકના નવા એમડી અને સીઇઓ અનુપ બાગચી

મુંબઈ: HDFC બેંકે અનુપ બાગચીની તેના નવા મેનેજિંગ ડિરેક્ટર(MD)અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)તરીકે નિમણૂક કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની મંજૂરી મળ્યા બાદ, બેંકે 1 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આ જાહેરાત કરી હતી. અનુપ બાગચી 27 ઓક્ટોબરે પોતાનો કાર્યભાર સંભાળશે. વર્તમાન MDઅને CEO શશિધર જગદીશનનો કાર્યકાળ 26 ઓક્ટોબરે પૂર્ણ થાય છે. 

નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં બહોળો અનુભવ

HDFC બેંકની નવી નિમણૂક બાદ બજાર બેંકના નેતૃત્વ અને ભવિષ્યની વ્યૂહરચના પર નજીકથી નજર રાખશે. બાગચી અગાઉ ICICI બેંકમાં વરિષ્ઠ નેતૃત્વના હોદ્દા સંભાળી ચૂક્યા છે અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે.

વર્ષ 1992માં ICICI ગ્રુપ સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી 

અનૂપ બાગચી બેંકિંગ અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે વર્ષ 1992માં ICICI ગ્રુપ સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ રિટેલ બેંકિંગ, MSME,કોર્પોરેટ બેંકિંગ, ટ્રેઝરી અને ક્રેડિટ પોલિસી સહિતના વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કામ કર્યું હતું. તેમજ વિવિધ વ્યવસાયિક વિભાગોમાં કામ કરવાનો આ અનુભવ તેમની પ્રોફાઇલની એક મહત્વપૂર્ણ વિશેષતા છે.

દેશની બે અગ્રણી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો

અનૂપ બાગચીએ દેશની બે અગ્રણી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે. તેમણે વર્ષ 1990માં IITકાનપુરથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી અને ત્યારબાદ IIM બેંગલોરમાં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. આમ, તેમની કારકિર્દી ટેકનિકલ શિક્ષણથી શરૂ થઈને મેનેજમેન્ટ અને અંતે બેન્કિંગ ક્ષેત્ર સુધી વિકસિત થઇ. 

ICICI ગ્રુપ સાથે લાંબા સમયથી જોડાયેલા રહ્યા

અનૂપ બાગચી ICICI ગ્રુપ સાથે લાંબા સમયથી જોડાયેલા રહ્યા હતા. તેવો વર્ષ  1992માં ગ્રુપમાં જોડાયા બાદ, તેમણે બેંકિંગના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારીઓ સંભાળી હતી. તેમણે રિટેલ, MSME અને કોર્પોરેટ બેંકિંગથી લઈને ટ્રેઝરી, ક્રેડિટ પોલિસી અને ડેટા એનાલિટિક્સ જેવા ક્ષેત્રોમાં કામ કર્યું હતું. તેમણે 
ICICI સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને CEO તરીકે પણ સેવાઓ આપી હતી. 

બેંકમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી

વર્ષ 2017માં અનૂપ બાગચી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ICICI બેંકના બોર્ડમાં જોડાયા હતા. આ ભૂમિકામાં તેમણે હોલસેલ બેંકિંગ, ટ્રાન્ઝેક્શન બેંકિંગ, માર્કેટ્સ અને પ્રોપ્રાયટરી ટ્રેડિંગ ગ્રુપ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.