મુંબઈ: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ઉડાનમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કરનાર ઓમાની આતંકવાદી કો-પાઇલટ અંગે તેના સાથી પાઇલટોએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સાથી પાઈલટના જણાવ્યા મુજબ આરોપી દિવસ દરમિયાન વારંવાર નમાઝ પઢતો હતો અને મહિલાઓ સાથે હાથ મિલાવવાનો પણ ઈનકાર કરતો હતો.
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે ઓમાની આતંકવાદી કો-પાઇલટ ઇસ્લામવાદી કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો. જોકે, ઘટનાના ચોક્કસ કારણો અને હુમલા પાછળનો હેતુ હજુ પણ તપાસ હેઠળ છે. આરોપીની ઓળખ હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
ફ્લાયદુબઈમાં આરોપી આતંકવાદી કો-પાઇલટની નોકરીએ હજુ માત્ર નવ મહિના પહેલા જ લાગ્યો હતો. આ ચોંકાવનારી ઘટનામાં તેને પાયલટ પર હુમલો કર્યા બાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં કટોકટીની પરિસ્થિતિમાં લેન્ડિંગ કરાયું હતું. સાઉદીના અધિકારીઓ દ્વારા શરૂઆતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ત્યારબાદ આરોપીને સંયુક્ત અરબ અમીરાતને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવે તેવી શક્યતા છે.
સંયુક્ત અરબ અમીરાતે પણ આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તપાસમાં આ ઘટનાનો આતંકવાદી પ્રવૃત્તિ અથવા ઈરાદા સાથે કોઈ સંબંધ હતો કે નહીં અને હુમલો અગાઉથી આયોજનબદ્ધ હતો કે નહીં તે સહિતના પાસાં તપાસવામાં આવી રહ્યા છે. વિમાન સંયુક્ત આરબ અમીરાતમાં નોંધાયેલ હોવાથી વિમાનમાં બનેલા ગુનાની તપાસમાં તેના કાયદા લાગુ પડતા હોવાની પણ માહિતી આપવામાં આવી છે.
ઘટના દરમિયાન વિમાનમાં 174 લોકો સવાર હતા. ઓમાની સહ-પાઇલટના હુમલા બાદ કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમ છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી, ત્યારબાદ મુસાફરો અને અન્ય ક્રૂ સભ્યોએ કોકપિટમાં પ્રવેશ કરીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. વિમાનને બાદમાં તબુકમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.
આ ઘટનામાં હુમલાખોરનો હેતુ શું હતો તે અંગે હજુ અંતિમ નિષ્કર્ષ પર તપાસ એજન્સીઓ પહોંચી શકી નથી. ઈઝરાયલી અધિકારીઓએ આતંકવાદી હુમલાની શક્યતા અંગે તપાસ શરૂ કરી છે, જ્યારે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાની તપાસ પણ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલા પાછળના હેતુ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.