Thu Jul 23 2026

Logo

ખેડૂતોની દિલ્હી કૂચ, શંભૂ બોર્ડર પર ભારે બેરિકેડિંગ, અમેરિકા ટ્રેડ ડીલનો વિરોધ, NH-44 બંધ

2026-07-21 10:05:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: અમેરિકા સાથે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ (વેપાર કરાર)ના વિરોધમાં કિસાન સંગઠનોએ આજે 'દિલ્હી કૂચ'ની જાહેરાત કરી છે. ખેડૂતોએ દિલ્હીના કિસાન ઘાટ પહોંચીને વિરોધ પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હરિયાણાના અંબાલા સ્થિત શંભુ બોર્ડર અને ટોલ પ્લાઝા પર સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે.

સુરક્ષાના કારણોસર પોલીસે પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ બોર્ડર સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. સવારે લગભગ 5.30 વાગ્યે પોલીસે બંને રસ્તાઓ બંધ કરી દીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસ્તાઓ બંધ કરવાની તૈયારી રાતથી જ કરવામાં આવી રહી હતી. ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે કોઈ સહમતિ ન સધાઈ ત્યારે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું. બીજી તરફ, ફતેહગઢ સાહેબથી ખેડૂતોનો કાફલો રવાના થઈ ગયો છે.

માહિતી મુજબ, ખેડૂતોએ દિલ્હી તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે અને ખેડૂતોને શંભુ બોર્ડર પર રોકવા માટે હરિયાણા પોલીસ દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર બેરિકેડિંગ:

ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ પર છે. શંભુ બોર્ડર પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં પોલીસ બળ તેમજ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર વિસ્તારના ખૂણે-ખૂણા પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

નેશનલ હાઈવે-44 પર વાહનવ્યવહાર બંધ:

બીજી તરફ, નેશનલ હાઈવે-44 પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યો છે. અનેક સ્થળોએ બેરિકેડ્સ લગાવીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

'વાતચીતના બદલે ટકરાવની નીતિ અપનાવી રહી છે સરકાર'

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરનું કહેવું છે કે ભારત-અમેરિકા ડીલ રદ થવી જોઈએ. અમને માહિતી મળી રહી છે કે શંભુ બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. અમને લાગે છે કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરીને મુદ્દાનો ઉકેલ લાવવાના બદલે ટકરાવની નીતિ અપનાવી રહી છે, દમનની નીતિ અપનાવી રહી છે. દેશના યુવાનોની વાત સાંભળવામાં નથી આવી રહી. ખેડૂતો અને શ્રમિકોની વાત પણ સાંભળવામાં નથી આવતી. ખેડૂત નેતાનું કહેવું છે કે તેઓ માત્ર ચાર કલાક માટે જવા માંગતા હતા. કિસાન ઘાટ ખેડૂતોનો છે, પરંતુ ત્યાં પણ જવાની મંજૂરી નથી.

'દેશહિતમાં નથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ'

વિરોધ કરી રહેલા ખેડૂતોનું માનવું છે કે સરકાર જે ડીલ (વેપાર કરાર) કરી રહી છે તેમાં ગુપ્ત કરાર છે, જે દેશહિતમાં નથી. પીયૂષ ગોયલ કહી રહ્યા છે કે ડેરી અને ખેતી ક્ષેત્રે કોઈ કરાર નહીં કરીએ, પરંતુ પીયૂષ ગોયલ તમે કરાર કરી લીધો છે.

ખેડૂતો નહીં કરે કોઈ ટકરાવ

વ્હાઇટ હાઉસની પ્રેસ વિજ્ઞપ્તિ (પ્રેસ રિલીઝ)માંથી જે બહાર આવ્યું છે તેમાં કપાસ, સોયાબીન, મકાઈ અને ડ્રાયફ્રૂટ પર કરાર થયો છે. મને લાગે છે કે પીયૂષ ગોયલ દેશ સમક્ષ અસત્ય બોલી રહ્યા છે. ખેડૂત નેતાએ દાવો કર્યો છે કે કોઈ પણ ખેડૂત પોતાની તરફથી ટકરાવની સ્થિતિ ઊભી થવા દેશે નહીં.