Sun Apr 12 2026

Logo

બોલો, મુંબઈમાં 8 રાત સુધી ચાલ્યું આ ફિલ્મનું મેગા એક્શન શૂટિંગ; શાહરૂખ ખાન સાથે છે ખાસ કનેક્શન...

2026-03-06 20:50:50
Author: Darshna Visaria
Article Image

2023માં આવેલી ફિલ્મ 'પઠાન' અને 'જવાન'ના માધ્યમથી બોક્સ ઓફિસ પર રૂપિયા 1000 કરોડનો આંકડો પાર કરનાર બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન હવે પોતાની આગામી ફિલ્મ 'કિંગ' દ્વારા ફરી એકવાર ધમાકેદાર વાપસી કરવા તૈયાર છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં શાહરૂખ તેની પુત્રી સુહાના ખાન સાથે પ્રથમ વખત સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

હાલમાં મુંબઈમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર હશે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ કિંગ 24મી ડિસેમ્બર, 2026ના રોજ રિલીઝ થવાની છે. 

રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તો ભાયંદરના એલોરા સ્ટુડિયોમાં સતત આઠ રાત સુધી એક ગ્રાન્ડ એક્શન સિક્વન્સનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ સીન વિજયાદશમી (દશેરા)ના ઉત્સવના બેકગ્રાઉન્ડમાં સેટ કરવામાં આવ્યો છે. જેમાં મોટા પાયે સેટ તૈયાર કરવામાં આવ્યો હતો અને સેંકડો બેકગ્રાઉન્ડ ડાન્સર્સ અને પર્ફોર્મર્સની ભીડ વચ્ચે શાહરૂખ અને સુહાનાએ શૂટિંગ કર્યું છે.

આ સિક્વન્સમાં રંગો, ઢોલ અને વિસર્જન જેવો માહોલ જોવા મળશે. આ સીનની ખાસ વાત તો એ છે કે આ ફિલ્મના સીનમાં સુહાના ખાને પોતે ઘણા જોખમી સ્ટન્ટ્સ કર્યા છે. ટૂંકમાં કહેવાનું થાય તો આ ફિલ્મમાં સુહાના ખાન એકદમ પાવરફૂલ એક્શન મોડમાં જોવા મળશે. 

મલ્ટી-સ્ટારર કાસ્ટ અને વિલન

ફિલ્મ 'કિંગ'માં માત્ર શાહરૂખ-સુહાના જ નહીં, પરંતુ કલાકારોનો કુંભમેળો જોવા મળશે. વિલનની ભૂમિકામાં અભિષેક બચ્ચન જોવા મળશે. આ સિવાય રાની મુખર્જી, રાઘવ જુયાલ, અરશદ વારસી, દીપિકા પાદુકોણ (કેમિયો), અનિલ કપૂર અને અક્ષય ઓબેરોય પણ આ ફિલ્મનો હિસ્સો છે. તાજેતરમાં એવા પણ અહેવાલો પણ સામે આવ્યા હતા કે રાની મુખર્જી સાથે શાહરૂખ અને સુહાનાના ફ્લેશબેક સીન્સ પણ શૂટ કરવામાં આવશે.

વાત કરીએ ફિલ્મમાં જોવા મળેલા શાહરૂખ ખાનના લૂકની તો આ ફિલ્મ માટે શાહરૂખ ખાને પોતાનો લૂક બદલ્યો છે. તેનો 'સોલ્ટ એન્ડ પેપર' (સફેદ-કાળા વાળ) લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા પહેલા સુહાના પર કેન્દ્રિત હતી, પરંતુ સિદ્ધાર્થ આનંદે ટેક-ઓવર કર્યા બાદ હવે શાહરૂખ લીડ રોલમાં છે.