ચેન્નાઈ: તમિલનાડુમાં બે મુખ્ય રાજકીય પક્ષોને હરાવીને ટીવીકે પાર્ટીએ સત્તા મેળવી છે. જેના પગલે ટીવીકે પ્રમુખ થલાપતિ વિજયે નવ કેબીનેટ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જેમાં તેમના મંત્રીમંડળમાં સમાવિષ્ટ 25 વર્ષીય મહિલા કેબિનેટ મંત્રી સેલ્વી એસ. કીર્થના ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે માત્ર 25 વર્ષની ઉંમરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લઈને તમિલનાડુના ઇતિહાસમાં સૌથી નાની વયના મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
સેલ્વી એસ. કીર્થનાની સરખામણી સુષ્મા સ્વરાજ સાથે
તમિલનાડુના મહિલા કેબિનેટ મંત્રી સેલ્વી એસ. કીર્થનાની સરખામણી સુષ્મા સ્વરાજ સાથે કરવામાં આવી રહી છે. જેમણે વર્ષ 1977 માં માત્ર 25 વર્ષની ઉંમરે હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી બનીને રેકોર્ડ બનાવ્યો હતો.
કેબિનેટ મંત્રી બનવું એ એક સ્વપ્ન જેવું લાગે છે
તમિલનાડુમાં સૌથી નાની વયના કેબિનેટ મંત્રી સેલ્વી એસ. કીર્થનાનો જન્મ ચેન્નાઈના એક ખૂબ જ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા એક ખાનગી કંપનીમાં કામ કરે છે જ્યારે તેની માતા ગૃહિણી છે. તેમની જીત બાદ સેલ્વીએ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના પરિવારમાંથી કેબિનેટ મંત્રી બનવું એ એક સ્વપ્ન જેવું લાગે છે .તેમજ આ ફક્ત થલાપતિ વિજયના નેતૃત્વમાં જ શક્ય બન્યું છે.
સેલ્વી એસ. કીર્થનાએ કાયદાનો અભ્યાસ કર્યો
સેલ્વી એસ. કીર્થનાએ ચેન્નાઈની એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને કોલેજના દિવસોથી જ તેઓ એક સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે. સેલ્વી મુદલિયાર સમુદાયમાંથી આવે છે. જેને તમિલનાડુના રાજકારણમાં એક પ્રભાવશાળી અને શિક્ષિત વર્ગ તરીકે ગણવામાં આવે છે. તેમને મંત્રી તરીકે નિયુક્ત કરીને થલાપતિ વિજયે માત્ર યુવાનોને જ નહીં પરંતુ પછાત અને મધ્યમ વર્ગને પણ યોગ્ય પ્રતિનિધીત્વ આપ્યું છે.
કેબિનેટમાં યોગ્ય પ્રતિભાઓને સ્થાન
જ્યારે તમિલનાડુના સીએમ થલાપતિ વિજયે તેમની કેબિનેટમાં યોગ્ય પ્રતિભાઓને સ્થાન આપ્યું છે. જેમાં સેલ્વી એસ. કીર્થનાને આરોગ્ય અથવા શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. રાજ્યમાં હાલ પરંપરાગત દ્રવિડ રાજકારણનો યુગ હવે સમાપ્ત થયો છે અને પરિવર્તનનો સમય આવી ગયો છે.