Thu Aug 27 2026

Logo

પાકિસ્તાનમાં ઈરાન અમેરિકા વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા યોજવવાની શક્યતા

Wasington D.C.   2026-04-19 15:58:00
Author: Chandrakant Kanoja
પાકિસ્તાનમાં ઈરાન અમેરિકા વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા યોજવવાની શક્યતા

કરાચી: મિડલ ઈસ્ટમાં હજુ પણ  તણાવ યથાવત છે. ત્યારે ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદ બીજા દોરની શાંતિ મંત્રણા યોજાવવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ તેની માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.  જોકે, આ અંગે તેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. હાલ અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યું છે.  

અમેરિકન લશ્કરી વિમાનો રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઉતર્યા

આ અંગે  પાકિસ્તાની સુરક્ષા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે C-17 ગ્લોબમાસ્ટર III જેવા ભારે અમેરિકન લશ્કરી વિમાનો રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઉતર્યા છે. આ એરબેઝ ઇસ્લામાબાદની નજીક આવેલું છે. તેમજ એરપોર્ટથી ઇસ્લામાબાદના  રેડ ઝોન તરફ જતા રસ્તાઓ કામચલાઉ ધોરણે  બંધ કરવામાં આવ્યા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સુરક્ષા પગલાં નોંધપાત્ર રીતે કડક કરવામાં આવી રહ્યા છે.

યુદ્ધ વિરામ 21 એપ્રિલના રોજ પૂર્ણ થશે 

આ ઉપરાંત ઇસ્લામાબાદની મુખ્ય હોટલો સેરેના અને મેરિયટ પણ ખાલી કરાવવામાં આવી રહી છે. નવા બુકિંગ સ્થગિત કરવામાં આવ્યા છે. 11 એપ્રિલના રોજ સેરેના હોટેલમાં શાંતિ મંત્રણાનો પ્રથમ રાઉન્ડ યોજાયો હતો.તેમજ  બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ 21 એપ્રિલના રોજ સમાપ્ત થવાનો છે. યુદ્ધવિરામ લંબાવવામાં આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, ખાસ કરીને કારણ કે ટ્રમ્પ તેને લંબાવવાના પક્ષમાં નથી.

બંને દેશોના પ્રતિનિધિઓ પાકિસ્તાન સાથે સંપર્કમાં 

સૂત્રો સૂચવે છે કે બંને દેશોના પ્રતિનિધિઓ શાંતિ મંત્રણાના પ્રથમ રાઉન્ડથી પાકિસ્તાન સાથે  સતત સંપર્કમાં રહ્યા છે. જેનો ઉદ્દેશ્ય આગામી રાઉન્ડ પહેલા મહત્તમ સમજૂતી સ્થાપિત કરવાનો છે. આ અગાઉના અહેવાલો મુજબ બંને પક્ષોના પ્રતિનિધિઓ રવિવાર સુધીમાં ઇસ્લામાબાદ પહોંચી શકે છે. તેમજ ઔપચારિક વાટાઘાટો સોમવારથી શરૂ થવાની સંભાવના છે. જોકે, ઈરાને આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

પાકિસ્તાનની ભૂમિકા સમાધાનકર્તા તરીકે ઉભરી આવી

ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે પાકિસ્તાનની ભૂમિકા સમાધાનકર્તા તરીકે ઉભરી આવી છે.  તેમજ  પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે તાજેતરમાં ઈરાનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઈરાનના નેતાઓ સાથે બેઠકો યોજી હતી. આ વાતચીત દરમિયાન પ્રાદેશિક શાંતિ અને સંવાદ દ્વારા ઉકેલ શોધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.