(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, તેમાં પણ શનિવાર માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ શનિવારે મોડેથી મહાનગરની તમામ શાળાઓ અને કોલેજોમાં બપોરના સત્ર માટે રજા જાહેર કરી હતી. તેની સામે થાણે પાલિકા પ્રશાસને શુક્રવારે જ સ્કૂલ, કોલેજ બંધ રાખવામાં આવવાની હોવાની જાહેરાત કરી દીધી હતી.
મુંબઈ મહાનગર પાલિકાએ જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહી વચ્ચે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ પાલિકાએ નાગરિકોને જરૂર પડ્યે જ ઘરની બહાર નીકળવાની અપીલ પણ કરી હતી.થાણે પાલિકા પ્રશાસને શુક્રવારે રાત્રે જ થાણેની તમામ પ્રાથમિક, મધ્યમ અને ઉચ્ચ શાળાઓ તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરી હતી કારણ કે હવામાન વિભાગે પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. પાલઘરમાં પણ રેડ અલર્ટ હોવાથી સ્કૂલ, કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી.