Sun Sep 06 2026

Logo

સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઇનરી પર ફરી હુમલો: ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો...

abu dhabi   2026-03-04 19:49:22
Author: Tejas
સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઇનરી પર ફરી હુમલો: ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો...

Vantor/Handout Via Reuters


અબુ ધાબી: વૈશ્વિક તેલ બજારની કરોડરજ્જુ ગણાતા સાઉદી અરેબિયા પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે સાઉદીની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે માત્ર સાઉદી અરેબિયાની સુરક્ષા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ઈંધણના પુરવઠા અને તેની કિંમતો પર ગંભીર અસર પડવાની શક્યતા દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ વચ્ચે ઉર્જા ક્ષેત્રે સુરક્ષા સૌથી મોટો પડકાર બની રહી છે.

સાઉદી અરેબિયાની અગ્રણી તેલ કંપની અરામકોની રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. સાઉદી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશની આ સૌથી મોટી ઘરેલું રિફાઇનરીને નિશાન બનાવીને મોકલવામાં આવેલા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી અને સંચાલન સુરક્ષિત છે. જોકે, આ અગાઉ સોમવારે થયેલા આત્મઘાતી ડ્રોન હુમલામાં રિફાઇનરીના કેટલાક યુનિટ્સમાં આગ લાગી હતી, જેને કારણે સાવચેતીના ભાગરૂપે કામગીરી અટકાવવી પડી હતી.

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધી છે. ઈરાને વળતો પ્રહાર કરતા અમેરિકી સાથી દેશોના વ્યૂહાત્મક સ્થળો અને તેલ ટેન્કરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને હોર્મુઝ ખાડી, જ્યાંથી વિશ્વનો 20 ટકા તેલ અને ગેસનો જથ્થો પસાર થાય છે, ત્યાં જોખમ વધ્યું છે. અરામકોએ હાલ પૂરતું એલપીજી નિકાસ મોકૂફ રાખ્યું છે અને રેડ સીના રસ્તે તેલ મોકલવાની તૈયારી કરી છે, જોકે તે માર્ગ પણ હવે યુદ્ધની ઝપેટમાં આવી રહ્યો હોય તેમ લાગે છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો
આ પ્રાદેશિક સંઘર્ષની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પર પડી છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં 1.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જે વધીને પ્રતિ બેરલ 82.53 ડોલર પર પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2025 પછી તેલના ભાવમાં જોવા મળેલો આ સૌથી મોટો વધારો છે. જો યુદ્ધ વધુ વણસશે અને તેલના પુરવઠામાં વિક્ષેપ પડશે, તો આગામી દિવસોમાં વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેની અસર ગરીબ અને વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થા પર સૌથી વધુ થશે.