Sat Sep 05 2026

Logo

બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગ, મુસાફરોમાં મચી નાસભાગ; રેલવે તંત્ર પર સવાલો

2026-05-18 09:09:00
Author: Vimal Prajapati
બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગ, મુસાફરોમાં મચી નાસભાગ; રેલવે તંત્ર પર સવાલો

રોહતાસઃ બિહારના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગયાજી રેલ સેક્શન પર આવેલા સાસારામ રેલવે સ્ટેશન (Sasaram Railway Station) પરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં સોમવારે સવારે એક પેસેન્જર ટ્રેનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતાં સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાસારામથી આરા થઈને પટના જતી આ સવારી ગાડીમાં લાગેલી આગને કારણે પ્લેટફોર્મ અને ટ્રેનમાં બેઠેલા મુસાફરો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા.

સવારે 6 વાગ્યે બની ઘટના, એક બોગી બળીને ખાખ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના સોમવારે સવારે બની હતી. ટ્રેન સ્ટેશન પર ઊભી હતી ત્યારે જ અચાનક એક બોગીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જોતજોતામાં આખી બોગી આગની લપેટમાં આવી ગઈ. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ નથી. આગ વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત બોગીને તાત્કાલિક ટ્રેનથી અલગ કરી દેવામાં આવી હતી.

રેલવે પ્રશાસનની ઘોર બેદરકારી: મુસાફરોનો ભારે આક્રોશ

આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને રેલ મુસાફરોમાં રેલવે તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જો રેલવે પ્રશાસન એલર્ટ હોત તો આ નુકસાન ખૂબ ઓછું કરી શકાયું હોત. મુસાફરોએ રેલવે મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે,  ટ્રેનમાં પાણી રિફિલિંગ માટે જે પાઇપલાઇન નાખવામાં આવી છે, તેમાં પાણી જ નહોતું. રેલવે સ્ટેશન પર રાખવામાં આવેલા અગ્નિશામક સિલિન્ડરો (Fire Extinguishers) માં ગેસ જ નહોતો તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.

રેલવેની લાપરવાહીને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

મુસાફરોનું કહેવું છે કે જો સમયસર પાણી અને ભરેલા ફાયર સિલિન્ડર મળી ગયા હોત, તો આગની શરૂઆતમાં જ તેના પર કાબૂ મેળવી શકાયો હોત. રેલવેની આ મોટી લાપરવાહીને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આખી બોગી બળીને રાખ થઈ ગઈ. હાલમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. આ મામલે રેલવે અધિકારીએ જણાવ્યું કે, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે અને રેલવે પ્રશાસન દ્વારા આ મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.