- નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
આપણા સમાજમાં સંયુકત પરિવારમાં રહેવાનું અને ધંધાકીય વ્યવહારો કે મિલકત ખરીદ-વેચાણ સંયુકત કુટુંબના સભ્યો સાથે મળીને કરતા હોય છે. આમ છતાં ઘણીવાર સંયુકત કુટુંબના કોઈ વ્યક્તિના નામે મિલકત ખરીદવામાં આવે છે અને આવી રીતે સંયુક્ત કુટુંબની આવકથી એ ખરીદવામાં આવી હોય ત્યારે આવી વ્યક્તિને નામે ખરીદ કરેલી મિલકત પણ સંયુક્ત કુટુંબની મિલકત ગણાય.
જોકે કેટલાક સંયુક્ત કુટુંબના સભ્યો પોતાને વ્યવસાય કે વ્યક્તિગત ધંધાથી પ્રાપ્ત થયેલ આવકથી અને-અથવા પોતાની અન્ય સ્વઆવકમાંથી સ્વતંત્ર રીતે કેટલાક ધંધાકીય તેમ જ મિલકત ખરીદ કરતા હોય છે. આમ, કુટુંબના સભ્યોની પોતાની અન્ય ધંધાકીય યા આવડત થકી કમાયેલ સ્વઆવકમાંથી વસાવેલી મિલકતો હોય છે, ત્યારે તે સંયુક્ત કુટુંબની મિલકત ન ગણતા તેવી મિલકત વ્યક્તિગત સ્વતંત્ર માલિકીની ગણાય છે.
સામાન્ય રીતે જ્યારે કુટુંબના સભ્યો અથવા એમના વારસદારો વચ્ચે સંયુક્ત મિલકતો અથવા સ્વતંત્ર મિલકતોને લઈને તકરાર થાય અને કોર્ટમાં દાવો ઉપસ્થિત થાય તો તેવા સંજોગોમાં જે સભ્યવારસ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવે કે મિલકતો સંયુક્ત કુટુંબની મિલકત છે તો તે સંયુકત કુટુંબના અસ્તિત્વના અનુમાનથી પુરવાર થઈ શકે નહીં. આવા વખતે મિલકતની ખરીદીને લગતા યોગ્ય પુરાવાઓ રજૂ કરવા જરૂરી છે અને સંયક્ત કુટુંબની મિલકત હોવાની રજૂઆત કરતાં સભ્યવારસ ઉપર તેની સાબિતીનો બોજો રહે છે. તેવી જ રીતે સંયુક્ત કુટુંબના સભ્યો પોતાની સ્વતંત્ર રીતે ધારણ કરેલ મિલકત પોતાની સ્વતંત્ર માલિકીની હોવાનું પુરવાર કરવા યોગ્ય પુરાવા રજૂ કરવા પણ જરૂરી છે. જેથી મિલકતો સંયુક્ત કુટુંબની છે યા સ્વતંત્ર માલિકીની છે તે અંગે મિલકતની ખરીદી અંગેના પુરાવાઓનું મૂલ્યાંકન કરી અને કાયદાકીય જોગવાઈઓ મુજબ નામદાર કોર્ટ દ્વારા યોગ્ય ન્યાયનિર્ણય કરવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં પ્રશ્નવાળી મિલકત ખરેખર સંયુક્ત કુટુંબની મિલકતની આવકમાંથી ખરીદવામાં આવી હતી તેવું યોગ્ય પુરાવાથી સાબિત થાય તો સંયુક્ત કુટુંબના કોઈ સભ્યના નામે મિલકત હોવા છતાં તે વ્યક્તિગત સભ્યની માલિકી હોવાનું અનુમાન કરી શકાય નહીં.
સંયુક્ત કુટુંબના અસ્તિત્વની સાબિતી એવાં અનુમાન તરફ દોરી જતી નથી કે કુટુંબના કોઈ સભ્ય દ્વારા ધરાવાયેલ મિલકત સંયુક્ત છે અને મિલકતો પૈકીની કોઈ મિલકત સંયુક્ત છે એવી રજૂઆત કરી રહેલ સભ્ય ઉપર તેવી હકીકત સાબિત કરવાનો બોજો રહે છે. આમ, નામદાર હાઈ કોર્ટના ઉપરોકત ચુકાદાને ધ્યાને લેતાં એવો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય છે કે સંયુક્ત કુટુંબના અસ્તિત્વની સાબિતીથી એવું અનુમાન થઈ શકે નહીં કે કુટુંબના કોઈ સભ્યની મિલકત સંયુક્ત છે.
(સંદર્ભ - પ્રતિમા પટવા તે બિરેન્દ્ર પટવાની પત્ની અને બીજા વિરુદ્ધ તુલસીરામ પટવા તે સ્વ. થુકેલ પ્રસાદ પટવાના દીકરા - નામદાર છત્તીસગઢ હાઈ કોર્ટ (ખંડપીઠ)