Sun Oct 04 2026

Logo

ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ફડણવીસનું બેવડું વલણઃ સંજય રાઉતના સીએમ પર આકરા પ્રહારો

2026-09-07 20:32:00
Author: Mumbai Samachar Team
ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ફડણવીસનું બેવડું વલણઃ સંજય રાઉતના સીએમ પર આકરા પ્રહારો

મુંબઈ: ડીજે પ્રતિબંધ વિવાદ અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આકરા પ્રહારો કરી તેઓ ચોક્કસ અભિપ્રાય વ્યક્ત કરવાનું ટાળી દૂધ અને દહીં એમ બંનેમાં પગ રાખી બેઠા હોવાનો આરોપ કર્યો હતો. સિવાય ધ્વનિ પ્રદૂષણ પર લોકોનો ગુસ્સો વધી રહ્યો હોવાથી આ મુદ્દા પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ પણ મૂક્યો હતો. 

સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ અને નાગપુરની સરખામણીમાં પુણેમાં અલગ વર્તન કરવામાં આવે છે. મુંબઈ અને નાગપુરમાં પોલીસ કમિશનરોએ હાઇ-ડેસિબલ સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ મૂક્યા છે.

રાઉતે મહારાષ્ટ્રનાં પ્રધાન મેઘના બોર્ડીકરના ભાઈના મૃત્યુના અહેવાલનો ઉલ્લેખ કરી નોંધ્યું હતું કે તેમણે (મેઘનાએ) પણ ડીજેના અવાજથી થતી સમસ્યાઓ વિશે વાત કરી હતી. રાઉતે દાવો કર્યો હતો કે સંગીતના કારણે થતા વિક્ષેપને કારણે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન શકતા પિંપરી-ચિંચવડની મહિલાના પિતા હોસ્પિટલ પહોંચ્યા પહેલા મૃત્યુ પામ્યા હતા. 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ  રાજ ઠાકરેએ વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો છે, જ્યારે ફડણવીસ હંમેશની જેમ નરો વા કુંજરો વા જેવું વલણ રાખી બેઠા છે. રાઉતે એવો પણ સવાલ કર્યો હતો કે જો નાગપુર અને મુંબઈ પોલીસે આ મુદ્દે એક વલણ અપનાવ્યું હોય, તો પુણે કેમ અલગ હોવું જોઈએ? શું પુણેમાં મુખ્ય પ્રધાન પર કોઈ દબાણ છે? 

કાર્યકર્તા વિદ્યાનંદ બાપટનો મુદ્દો ઉઠાવી રાઉતે  દાવો કર્યો હતો કે પોલીસે તેમને કથિત રીતે ચેતવણી આપી હતી કે તેમના જીવને ખતરો છે. એટલે તેઓ રવિવારે પુણેના વિરોધ પ્રદર્શનમાં હાજરી આપી શક્યા નહીં.જો પોલીસે કોઈ જાગૃત નાગરિકને કહેવું પડે કે તેનો જીવ જોખમમાં છે અને તેને વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવાનું કહેવું પડે તો એ ગૃહ પ્રધાનની નિષ્ફળતા છે.

શિવસેના (યુબીટી) નેતાએ તેમણે થાણેમાં દહીં હાંડી કાર્યક્રમમાં નૃત્યાંગના ગૌતમી પાટીલના શો જેવા જાહેર પ્રદર્શનની પણ ટીકા કરી સવાલ કર્યો હતો કે શું આવા કાર્યક્રમો રાજ્યની સંસ્કૃતિ સાથે સુસંગત છે?