Sun Mar 08 2026

Logo

મેમરીની માયાજાળ: સ્મૃતિ-વિસ્મૃતિની સંતાકૂકડી

6 days ago
Author: Mumbaisamachar Team
Article Image

 

મિજાજ મસ્તી - સંજય છેલ

ટાઈટલ્સ:
 ‘શું ભૂલવું’ એ બરોબર યાદ રાખવું. (છેલવાણી)
પ્રેમિકાએ પ્રેમીને કહ્યું, ‘તેં હીરાનો હાર આપવાનું વચન આપેલું. ભૂલી ગયોને?’

ભૂલક્કડ પ્રેમીએ તરત કહ્યું ; ‘શું છે કે હું તારી સાથે હોઉં છું ત્યારે બીજું બધું જ ભૂલી જાઉં છું!’

‘ઓહ, સાચ્ચે?’ પ્રેમિકાએ શરમાઈને કહ્યું.

‘હા, પ્રિયા!’

‘હું ‘પ્રિયા’ નહીં, ‘રીયા’ છું! ભૂલક્કડ!’ છોકરીએ થપ્પડ મારી.

ભૂલી જવું સહજ છે, ભૂલવા વિશે બહુ ચિંતા કરવી નહીં. ખરી ચિંતા તો તમારી યાદશક્તિ સુધારનારા ડોક્ટરે કરવાની, જેને પૈસા આપવાનું તમે ભૂલી જાવ ને ડો. બિચારો યાદ અપાવી અપાવીને થાકી જાય! જો કે આજે આપણે સૌ ભૂલવામાં એક્સપર્ટ થઈ ગયા છીએ. નેતાઓ વચનો ભૂલી જાય છે, પ્રજા નેતાઓનાં જૂઠ્ઠાણાં ભૂલી જાય છે. કવિઓ-લેખકો સામાજિક આક્રોશ ભૂલી ગયા છે, શિક્ષકો નૈતિકતા શીખવવાનું ભૂલી ગયાં છે, વિદ્યાર્થીઓ માર્કશિટનાં આકડાં સિવાય બધું જ ભૂલવા માગે છે, મા-બાપો માતૃભાષા શીખવવાનું ભૂલી રહ્યાં છે, બાળકો ખુદ મા-બાપોને ભૂલી રહ્યાં છે. આખો સમાજ જાણે ધીમેધીમે ભૂલક્કડોની ભૂલભૂલૈયા બની રહ્યો છે. ઉંમર, અનુભવો, આઘાતો પછી સ્મૃતિઓ સંતાકૂકડી રમવા માંડે છે. 35-35 ભાષાઓ જાણનારા હિંદીનાં મહાપંડિત લેખક રાહુલ સંસ્કૃત્યાયન, અંતિમ દિવસોમાં પોતાનું નામ પણ ભૂલી ગયેલા. એવી જ રીતે ભુવનેશ્વર નામના હિંદી વિદ્વાન, યાદશક્તિ ગુમાવતા કંતાનની ફાટેલ ગૂણી પહેરીને લખનૌની બજારોમાં 11-11 વરસ ભટકતા રહ્યા. મહાન મોપાંસા ગુપ્તરોગથી પીડાઇને બધું જ વિસરીને મોતના કાલ્પનિક ભયથી પીડાતા રહ્યા. 
આધુનિક હિંદી લેખક સ્વદેશ દીપક યાદદાશ્ત ભૂલીને ભટકતા રહ્યા અને 2008થી આજ સુધી ગાયબ છે.

વરસો આગાઉ કર્ણાટકની એક સ્ત્રીને ખબર પડી કે એના પતિએ બીજાં લગ્ન કરી લીધાં એટલે એ માનસિક રીતે હલી ગઇ. પતિનું ઘર છોડીને બહેન સાથે રહેવાં લાગી. પછી એક દિવસ ત્યાંથીયે ભાગી નીકળીને રખડતાં રખડતાં, છેક મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં જઇ પહોંચી. લગભગ 78 વર્ષ સુધી એ જંગલમાં ભટકી, કચરામાં પડેલું ખાવાનું વીણીને ખાઇને ભિખારીની જેમ જીવ્યે રાખ્યું.

પછી થોડા મહિના અગાઉ કોઈએ એ સ્ત્રીની દયનીય હાલતની જાણકારી રાયગઢનાં ‘સોશ્યલ એન્ડ ઇવેન્જેલિકલ એસોસિએશન ફોર લવ (સીલ)ને આપી. ‘સીલ’ના કાર્યકરો એને આશ્રમમાં લઈ આવ્યા ત્યારે એનો દેખાવ એટલો ભયાનક હતો કે એ ‘પુરુષ’ છે કે ‘સ્ત્રી’ એ પણ ઓળખાય એમ નહોતું! ધીમે ધીમે હાલતમાં સુધારો થતાં, એક દિવસ પેલીએ પોતાનું નામ ‘કસ્તુરી‘ જણાવ્યું. એ સિવાય એને કશું જ યાદ નહોતું અને પછી એક દિવસ અચાનક એ બીજો શબ્દ બોલી: ‘બદામી’!

‘સીલ’માં કોઇ જાણતું હતું કે કર્ણાટકમાં ‘બદામી’ નામે કોઇ શહેર છે. પછી ત્યાં પોલીસને ફોન કરી, વોટ્સએપ પર કસ્તુરીનાં ફોટા મોકલાયા અને બે જ કલાકમાં, પોલીસે શોધી કાઢ્યું કે કસ્તુરીની પુત્રીએ એની માની ગુમ થયાની ફરિયાદ લખાવેલી. આખરે કસ્તૂરીનું દીકરી સાથે મિલન થયું અને હેપ્પી એંડિંગ! જો કે ખરી ટ્રેજેડી તો ત્યારે થતી હોય છે કે ઘણીવાર પોતાના સ્વજનને ઓળખી ગયેલ માણસ, જાણી જોઇને ભૂલવાનું નાટક કરે ને ફરી ગુમનામ જિંદગી જીવવા માંડે!

ઇન્ટરવલ:

વો જબ યાદ આયે,

બહુત યાદ આયે (અસદ ભોપાલી)

આપણને તો ‘ગઇકાલે શું ખાધું?’ એ યાદ નથી હોતું ને ઘણાં લોકોને ગયા જનમની ડિટેલ્સ પણ યાદ હોય છે. વિજ્ઞાન મુજબ માનવ મગજમાં માહિતીઓ અને યાદોનો એટલો બધો કચરો હોય છે કે નવું યાદ રાખવાની જગ્યા જ નથી બચતી. હમણાં મધ્ય પ્રદેશનાં નાગરખેડી ગામમાં માત્ર સાડા 3 વરસની ધ્રુવીને 180 દેશોની રાજધાની, ભારતનાં 28 રાજ્યોની રાજધાની, મહાદ્વીપોનાં નામ, રાષ્ટ્રીય પ્રતીકો વગેરે મોઢે છે! આપણને ત્રણ વરસે નાક લૂછવાનું યે યાદ નહોતું રહેતું ને મોંમાં અંગૂઠો ચૂસતા ચૂસતા ચોકલેટ સિવાય કશું યાદ આવતું જ નહોતું , પણ ‘લિટલ ગૂગલ’ તરીકે જાણીતી ધ્રુવી ‘વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન પામી છે. વળી ધ્રુવી હજૂ તો સ્કૂલમાંયે ગઇ નથી ને મોબાઇલ, ઇન્ટરનેટના કે ગૂગલ વિના એના પપ્પાએ પુસ્તકો વાંચીને જે સંભળાવ્યું એમાંથી જ આટલું યાદ કર્યું છે!

અમને તો આ ‘ફાની’ ને ‘ફની’ દુનિયામાં આતંકવાદીઓ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેંટથી જેટલો ડર નથી લાગતો, એટલો ગણિતના આંકડાઓથી લાગે છે. શાળા- કોલેજ છૂટ્યાનાં આટલાં વરસો પછી પણ નીંદરમાં ગણિતનાં પેપરનો રાક્ષસ દેખાતા ઝબકીને જાગી જવાય છે. માટે જ ગણિતના મહારથીઓ અમને અલગ જ દુનિયાનાં ‘એલિયન’ અવતારી આત્માઓ લાગે છે. એમાંયે જેમને અનેક આંકડાઓ યાદ રહે છે એમના માટે તો ભયસભર આદર છે. 

હમણાં 20 વર્ષીય કોલેજીઅન વિશ્વા રાજકુમારે માત્ર 13.50 સેક્ધડમાં આડાઅવળા 80 આંકડા યાદ કરીને ‘મેમરી લીગ વર્લ્ડ ચેમ્પિયનશિપ’ જીતી છે. ‘મેમરી લીગ ‘ મુજબ રાજકુમાર હાલમાં 5,000ના સ્કોર સાથે નંબર 1 પર છે!

રાજકુમારે આ સ્પર્ધા માટે ‘હાઇડ્રેશન’ પદ્ધતિથી એટલે કે ખૂબ પાણી પીને યાદશક્તિ વધારેલી...જ્યારે તમે વસ્તુઓ યાદ રાખવાનો પ્રયત્ન કરતાં હોવ ત્યારે સામાન્ય રીતે અવાજ ઓછો કરો છો ને ‘હાઇડ્રેશન’ ગળાને સાફ રાખવામાં મદદ કરે છે માટે જો તમે ઘણું બધુ પાણી પીતા હશો, તો તમે તેને ઝડપથી વાંચી શકો છો. આ જાણ્યું ત્યારથી અમે ખૂબ પાણી પીએ છીંએં, પણ બાટલી ક્યાં મૂકાઇ જાય છે એ જ યાદ નથી રહેતું. અહીં વાત  ‘પાણીની બાટલી’ની જ થાય છે હોં!

એંડટાઇટલ્સ:

આદમ: હાં, તો હું શું કહેતો હતો કે...

ઇવ: હા હા યાદ છે, હવે!