- સંજય છેલ
ટાઇટલ્સ:
ના બોલે એને કોઇ ના તોલે. (છેલવાણી)
પ્રખ્યાત મોટિવેશનલ પુસ્તક ‘હાઉ ટુ વિન ફ્રેંન્ડ્સ એન્ડ ઇંફ્લુએન્સ પીપલ’નાં લોકપ્રિય લેખક ડેલ કાર્નેગીએ રેડિયો પર અબ્રાહમ લિંકન વિશે ભાષણમાં અમુક તારીખોમાં ભૂલો કરી. તો લિંકનની એક ચાહક મહિલાએ કાર્નેગીને પત્રમાં લખ્યું, ‘જો તમે તારીખો બરાબર જાણતા નહોતા તો ભાષણ કેમ આપ્યું? આ લિંકનનું અપમાન છે. રેડિયોમાં માફી માગો.’ ઉપરાંત પત્રમાં કેટલીક ગાળો પણ ભાંડેલી.
પત્ર વાંચીને ડેલને ખૂબ ગુસ્સો આવ્યો. એમણે પણ સ્ત્રીને અત્યંત તીખી ને ઝેરીલી ભાષામાં જવાબ લખ્યો પણ રાત થઇ ગયેલી એટલે પત્ર પોસ્ટ ન થયો.
બીજા દિવસે કાર્નેગીએ પોતે લખેલ પત્ર ફરી વાંચ્યો તો થયું કે પત્રની ભાષા આકરી છે એટલે હળવી ભાષામાં બીજો લેટર લખ્યો. ફરી કોઈ કારણસર પોસ્ટ કરવાનો રહી ગયો. સાંજે લેટર ફરી વાંચ્યો તો લાગ્યું કે હજી ભાષા સારી નથી, આમ કરતાં કરતાં કાર્નેગીએ પેલી અજાણી સ્ત્રીને પત્ર સુધારી સુધારીને છેક સાતમીવારનો ડ્રાફ્ટ પોસ્ટ કર્યો: ‘તમારી સલાહ બદલ હું આભારી છું. મારી ભૂલનો અહેસાસ થયો છે ને ફરી જ્યારે હું રેડિયો પર આવીશ, ત્યારે માફી માગીશ.’ પછી તો ડેલ કાર્નેગી અને એ સ્ત્રી વચ્ચે પત્રવ્યવહારનો સિલસિલો ચાલુ રહ્યો. એકવાર એ સ્ત્રી ડેલના શહેરમાં આવીને મળી. થોડા દિવસ ડેલના ઘરે રોકાઈ. જોતજોતામાં બંનેમાં પ્રેમ થઈ ગયો ને લગ્ન કરી લીધા!
વિચાર કરો જો ડેલ કાર્નેગીએ પહેલો જ ઝેરીલો પત્ર મોકલ્યો હોત તો બંને લોકો ક્યારેય જીવનમાં મળી શક્યા હોત?
માણસ ઉતાવળમાં ના બોલવાનું બોલી બેસે છે ને છતો થઇ જાય છે. ગયા વર્ષે મધ્ય પ્રદેશમાં ઇન્દોર-દેવાસ હાઇવે પર 40 કલાક લાંબા ટ્રાફિક જામમાં 4,000 થી વધુ વાહનો ફસાઈ ગયાં હતાં ને ત્રણ લોકો મૃત્યુ પામ્યાં તો નેશનલ હાઇવે ઓથોરિટીના વકીલે કોર્ટમાં ચોંકાવનારી દલીલ કરી: ‘લોકો કામ વગર આટલા વહેલા ઘરેથી નીકળે છે જ કેમ?’ ખરેખર તો આવું ઉટપટાંગ બોલનારે તો પોતે જ ઘરેથી નીકળવું ન જોઇએ. જો કે ભારતમાં માણસ ટ્રાફિક જોઈને નીકળે તો ઘરમાં જ બેઠો રહે.
આપણા દેશના નેતાઓ કાયમ ઉતાવળમાં બેમતલબની બયાનબાઝી કરીને લોચો માર્યે રાખે છે. વરસો અગાઉ મુંબઇના બાંદ્રા હાઇવે પર ફ્લાઇઓવર બ્રિજ બન્યો ત્યારે લોકોએ એનું નામ વિખ્યાત ‘લેખક વક્તા પુ.લ.દેશપાંડે બ્રિજ’ આપવાનો અનુરોધ કર્યો. ત્યારે બાળ ઠાકરેએ ઉતાવળમાં ટીખળ કરી: ‘પુ.લ.દેશપાંડેના નામમાં જ ‘પુલ’ છે.. એ તો એક વિદૂષક છે!’ આ સાંભળતા જ હજારો સરકારી ઓફિસરોએ સામૂહિક રાજીનામાં આપી દીધેલાં. આ છે મરાઠીમાં એક લેખકની ઇજ્જત. ગુજરાતીમાં કદી આવું શક્ય થઇ શકે?
એની વે, ફરી નફ્ફટ નિવેદનો પર આવીએ. થોડા વર્ષ પહેલાં મુંબઇમાં લોકોએ ફરિયાદ કરેલી કે વરસાદી ખાડાઓને કારણે ગર્ભવતી સ્રીને જવા આવવામાં ખૂબ તકલીફ થાય છે તો એક નેતાએ કહેલું: ‘વાંધો નહીં. અમે મહિલાઓની ડિલિવરી થવાની હશે એના 20 મિનિટ પહેલાં એમ્બ્યુલંસ મોકલવાની વ્યવસ્થા કરી આપીશું!’ હવે આનાથી મહાન નિવેદન શું હોઇ શકે?
ઇન્ટરવલ:
હમ બોલેગા તો બોલોગે કિ બોલતા હૈ (વર્મા મલિક)
આજે મીડિયા અને સોશ્યલ મીડિયામાં સૌને ઉતાવળ છે. દરેક વાત પર નિવેદન આપવાની કે આકરા અભિપ્રાયથી બીજાને ઉતારી પાડવાની. જગતચાચા ટ્રમ્પસાહેબ બાદ નિવેદનની ઉતાવળ હવે ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ બની ગયો છે.
આ આજનું નથી, આઝાદીના સમયમાં બ્રિટિશ પી.એમ. ચર્ચિલને કોઈ ઈન્ડિયાથી ફોન કરતું ત્યારે એ ઉતાવળે એક જ સવાલ પૂછતા: ‘ઈઝ ધેર અ ગૂડ ન્યૂઝ? ધેટ ઓલ્ડમેન ગાંધી ડાઈડ?’ અર્થાત્ ‘કંઇ સારા સમાચાર છે? પેલો બુઢ્ઢો ગાંધી મરી ગયો કે શું?’
તો વળી, ગાંધીજીના નામે એક નિવેદન બહુ ફેમસ છે. ‘જે પરિવર્તન તમે વિશ્વમાં જોવા માગો છો, તે પરિવર્તન બનો.’ પણ એ સાચું નથી આને કોઇએ ઉતાવળમાં છાપી મારેલું! ગાંધીજીએ મૂળ વાત ‘યંગ ઇંડિયા’માં એમ લખેલી કે ‘જો આપણે આપણી જાતને બદલી શકીએ, તો વિશ્વની પ્રવૃત્તિઓ પણ બદલાશે... આપણે બીજા શું કરે છે તે જોવા માટે રાહ જોવાની જરૂર નથી.’
મુશાયરામાં કવિઓ હજુ શેર બોલવાનો શરૂ કરે ત્યાં તો સાથી કવિઓ ‘ક્યા બાત હૈ, ક્યા બાત હૈ’ શરૂ કરી દે છે ને પૂરો શેર સાંભળ્યા પહેલાં જ વધાવવા માંડે છે. અમુક પત્રકાર મિત્રો, ફિલ્મ શરૂ થયાને દસ મિનિટ ના થઈ હોય ત્યાં તો સોશ્યલ મીડિયા પર રિવ્યૂ મોકલવા માંડે છે. ત્રણ ત્રણ વર્ષની મહેનતને વખોડતા પહેલાં ત્રણ કલાકની રાહ પણ નથી જોતા. તો ફિલ્મવાળાઓ પણ ઓછા નથી. શુક્રવારે ફિલ્મ લાગે ને શનિવારે ‘સુપરહિટ’ ને રવિવારે ‘સો કરોડ’ કમાણીનાં પોસ્ટરો લગાવી દે.
ટીવીની ન્યૂઝચેનલો તો ઘટના થાય ના થાય એ પહેલાં જ સનસનીખેજ ‘બ્રેકિંગ ન્યૂઝ’ બનાવીને ઠપકારે છે. બેજવાબદાર મીડિયાનું ઉદાહરણ છે અટલબિહારી વાજપેયીજીનું એક બયાન. :
1971માં એક છાપાવાળાએ છાપી મારેલું કે વાજપેયીજી એ ઇંદિરા ગાંધીને ‘દુર્ગા’ કહ્યા. બિચારા વાજપેયીજી જીવનભર કહેતા રહ્યા: ‘મેં આવું કશું કહ્યું જ નથી’ પણ એમની વાત કોઇએ ના જ માની. આખરે પુપુલ જયકર નામનાં લેખિકા, જે ઇંદિરાજી પર પુસ્તક લખતા હતા ત્યારે લાંબા રિસર્ચમાં એમને ખબર પડી કે અટલજી આવું કંઇ બોલ્યા જ નહોતા. આ હતી: ‘મીડિયાની ઉતાવળ.’ તો ઉતાવળે નિવેદનમાં ના સોચા તો હુઆ લોચા!
એન્ડ ટાઈટલ્સ:
આદમ: તારું શું માનવું છે કે
ઇવ: આઇ લવ યુ! બસ?