મિજાજ મસ્તી - સંજય છેલ
ટાઈટલ્સ:
કોઇપણ બજેટ ભિખારીને અસર ના કરે. (છેલવાણી)
આ દેશમાં મોટાભાગનાં બધાંના જીવનમાં બે વાતો, અચળ ને અનિવાર્ય છે: મૃત્યુ ને ટેક્સ.
તમે કેટલો ટેક્સ બચાવશો એ સ્વપ્ન છે અને ‘ટેક્સ’ ભરવો પડે એ હકીકત છે, બાકી બધી કલ્પના. હમણાં ફરી બજેટ આવી ગયું એટલે અમે ચૂપચાપ પેંટમાં અમારું પાકીટ તપાસી લીધું કે સરકારે મારી તો નથી લીધુંને?
ના, હજી પાકીટ સલામત છે. જો કે જ્યાં સુધી પાકીટ ફંફોસતો હાથ ન કપાય ત્યાં સુધી સરકારને સલામ.
વળી સરકારો ક્યારેક પોપકોર્ન તો ક્યારેક રબર કે સેફ્ટીપિન જેવી આઇટમો પર પણ કઇ રીતે ટેક્સ ઉઘરાવી શકે છે એના પરથી અમને અમુક અવનવા આઇડિયાઓ સૂઝ્યા, જેમ કે...
‘આંદોલન ટેક્સ’: 75-75 વર્ષથી આ દેશમાં આંદોલનો ચાલ્યાં જ કરે છે. સરઘસો નીકળ્યાં જ કરે છે. પછી ભલે એ ક્યાંય પહોંચે કે ના પહોંચે. આ જનતાએ મોર્ચામાં છાતી ફાડી ફાડીને નારાં બરાડવા
માટે ટેક્સ ભરવો પડશે ત્યારે જ ખબર પડશે કે લોકશાહીમાં બોલવાની આઝાદી મફતમાં નથી આવતી. બોલવાની ખુજલી હોય તો ભરો ટેક્સ ને પછી ભસો.
‘વોટિંગ ટેક્સ’: આફ્ટર ઓલ, સરકારોએ દેશવાસીઓના વોટ આપવાનાં હક્ક પર જ વોટિંગ- ટેક્સ લગાડી દેવો જોઇએ જેથી ટેક્સથી બચવા માટે કોઇ વારેવારે વોટ આપવા જાય જ નહીં અને સરકાર વરસો સુધી કોઇપણ જાતનાં વિરોધ વિના ચાલ્યાં જ કરે! અથવા જનતા નક્કી કરે કે માત્ર લોકસભા માટે જ વોટ આપવો કે વિધાનસભા કે નગરપંચાયત વગેરેમાં વોટ ના આપીને ટેક્સ કેમ બચાવવા! આ શું છે કે વગર મફતનો વોટ આપવાનો? વોટ જો આપણો હક છે તો ચૂકવો એના પૈસા. મફતનું પ્રજાતંત્ર બહુ ભોગવ્યું, હોં!
‘ભાષણ-ટેક્સ’ : જનતા પણ કહેશે કે નેતાઓ પર ભાષણટેક્સ હોવો જોઇએ, કારણ કે જનતા શા માટે રોજરોજ આવા જૂઠાં વચનપ્રવચન સાંભળે? જેટલા લાંબા ભાષણ એટલો વધુ ટેક્સ! આપણે ત્યાં ક્યાંકને ક્યાંક તો ચૂંટણી ચાલતી જ હોય છે તો આમાં પબ્લિકને બકવાસ ઓછો સાંભળવાનો ફાયદો થશે ને નેતાઓ જુમલાબાજી કે ફેંકૂગીરી કમ કરીને ટેક્સ બચાવશે!
‘ઇમાનદારી ટેક્સ’: શું છે કે આપણો રાષ્ટ્રપ્રેમ (વાંચો રાષ્ટ્રવાદ), બે નંબરનાં એકાઉન્ટ બનાવતી વખતે બે ઘડી સૂઇ જાય છે. ઇન શોર્ટ, દેશમાં ભ્રષ્ટાચાર દેશ બન્યો એ પહેલાંથી છે, છતાંયે ભારતમાં અમુક ઇમાનદાર, ગાંધીવાદી, પાગલ લોકો હજૂયે છાતી ઠોકીને કહે છે કે પોતે ભ્રષ્ટાચારથી કોસો દૂર છે. સરકારે આવાં ઇમાનદાર લોકો પર જ ટેક્સ ઠોકી દેવો જોઇએ! ભલે આ દેશમાં 5% કે 10% જ ઇમાનદાર લોકો બચ્યાં હોય પણ ‘ઇમાનદારી ટેક્સ’થી સરકારને ઘણી આવક થઇ શકે. જે ખરેખર ઇમાનદાર હશે એ તો જાત વેંચીને પણ ટેક્સ ભરશે અથવા કાં તો પછી ધીમેધીમે ઇમાનદાર લોકો પણ ભ્રષ્ટાચાર તરફ વળી જશે. જો સૌ બેઇમાન બને તો પછી દેશમાંથી ભ્રષ્ટાચારનો મુદ્દો જ ખતમ થઈ જશેને?! પછી ઇલેકશનનાં વચનોમાંથી ભ્રષ્ટાચાર હટાવવાનું વચન પણ ખતમ.
ઇન્ટરવલ:
ના બીવી, ના બચ્ચા, ના બાપ બડા, ના મૈયા,
‘ધ હોલ થિંગ ઇઝ ધેટ’ કિ ભૈયા: ‘સબ સે બડા રુપૈયા‘
(મજરુહ સુલ્તાનપુરી)
‘સોશ્યલ મીડિયા ટેક્સ’: આજે ફેસબૂક-ઇન્સ્ટા જેવા સોશ્યલ મીડિયા પર કોઇકના ફોટા પર ‘લાઇક’ કરવા પર કે ગાળો આપવા પર ભારે ટેક્સ લગાડવા જોઇએ. કાં તો આમાં લોકો ફસાઇને ખૂબ બધો ટેક્સ ભરશે કે પછી આડકતરી રીતે સુધરી જશે. એ જ રીતે વોટ્સએપ પર સવાર સવારમાં ‘ગૂડ મોર્નિંગ’ ને ‘ગૂડ નાઇટ’ કે ‘કાગડાજયંતી’ની વધામણી જેવા વિચિત્ર મેસેજો મોકલનારા મહાન આત્માઓ પર જો ટેક્સ મૂકવામાં આવે તો આ દેશ કે આખી દુનિયા ખરીદી શકે ને એમાં કોઇ બે ત્રણ કે ચાર મત જ નથી...
(અને આ વિશે પણ ‘વોટ્સ એપ’ પર ચર્ચા થઇ શકે, હોં)
વળી, જ્યાં ત્યાં વારે વારે ફિલ્મો પર લખાતા રિવ્યુ પર ટેક્સ લગાડાશે તો પણ સરકાર, એકાદ પ્રદેશમાં ભૂખમરી ઓછી કરી શકશે. આવા જ અનેક નિતનવા આઇડિયાઓ પણ આવેશમાં આવીને સૂઝે રાખે છે. આજે આ ટેક્સભક્તને પ્લીઝ કોઇ રોકતા નહીં.
‘અકલ્પ્ય ટેક્સ’: કવિ ‘બેફામ’ની પંક્તિઓ છે: ‘કબર જોઇને થયું ‘બેફામ’ કે આટલી જગા માટે મરવું પડ્યું?’ એજ રીતે વરસોથી સરકારો એવી એવી આઇટેમો પર ટેક્સ લગાડે છે કે આપણને થાય કે આ બધાનાં ટેક્સ ભરવા માટે જીવીએ છીએં? જેમ કે સેફ્ટિ પિન કે જૂતાની દોરી જેવી આઇટમ્સ પર પણ સરકારશ્રી ટેક્સ લગાડી શકે? શું આનાથી દેશની ઇકોનોમી સુધરી શકે? એ રીતે તો સરકારે ‘બપોરની ઊંઘ’, ‘બગાસા’, ‘નિંદા’, ‘મફતની સલાહ દેવા પર’ કે ‘કૂથલી કરવા’ વગેરે પર કરવેરો ઝીંકવો જ જોઇએ.
ફ્રેંકલી, અમને દેશ તો શું ખુદનાં બજેટમાં એટલી જ સમજણ પડે છે જેટલી વિરાટ કોહલીને ‘રાગ માલકૌંસ’માં, દાઉદને ‘અહિંસા’માં ને ચાઇનાને ‘વિશ્વશાંતિ’માં! દર વર્ષે બજેટ આવે ને જાય પણ મધ્યમવર્ગમાં જન્મીને જીવી જવાનો ફાયદો એ છે કે હવે આઝાદીનાં આટઆટલા વરસે હવે ટેક્સમાફી, કોઈપણ ભાવ વધારોઘટાડો આપણને ચોંકાવી, હલાવી, હરખાવી નથી શકતો, કેવળ ‘નિર્મલ આનંદ’ આવે છે.
(ચોખવટ: આ શબ્દપ્રયોગને મા.અર્થમંત્રીનાં નામ સાથે કોઇ લેવાદેવા નથી)
બાકી સારું છે, આવા અતરંગી આઇડિયાઓ પર હજી કોઇ ટેક્સ નથી, નહીં તો અમારું શું થાત?
એન્ડટાઇટલ્સ:
આદમ: ટેક્સ ઓછો થયો.
ઇવ: તારે તો કારણ વિનાની કમાણી!