સંજય છેલ
મને લાગે છે કે AI (આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ) ખૂબ શક્તિશાળી છે, પરંતુ તે માનવીય સર્જનાત્મકતા અને આત્માની જગ્યા લઈ શકતું નથી. આ શબ્દો છે હોલિવૂડનો સફળ અને આદરણીય નિર્દેશક માર્ટિન સ્કોર્સેસીના. થોડાં વર્ષો પહેલાં જો કોઈએ કહ્યું હોત કે કમ્પ્યુટર વાર્તા લખશે, ગીત બનાવશે, અભિનેતાનો અવાજ બદલી નાખશે તો આપણે એને ગપ્પુ માની લેતે, પણ આજે હકીકતમાં એઆઈ ટેકનિક (અર્થાત્ કૃત્રિમ બુદ્ધિ) હવે ફિલ્મ ઉદ્યોગના દરવાજા ખખડાવતું નથી, પણ અંદર આવીને ખુરશી ખેંચીને બેસી ગયું છે.
હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી એક જ સવાલ પૂછાય છે: હવે ફિલ્મો બનાવવા માટે માણસોની જરૂર પડશે? છેલ્લા બે વર્ષમાં બનેલી ઘટનાઓ જોતાં અસંભવ પણ નથી લાગતું!
આ જ ‘મુંબઇ સમાચાર’માં લગભગ પચાસેક વરસ પહેલાં મેં એક વિજ્ઞાનકથા વાંચેલી, જેમાં બધું જ કામ કરી શકતો, બુદ્ધિશાળી-શક્તિશાળી વિરાટ યંત્રમાનવ (રોબો) જ્યારે ધીમેધીમે ખોટકાવા માંડે છે, ત્યારે એ પોતાની જ ખોપડી ખોલીને એનું વાયરિંગ વગેરે ઉખેડીને સમારકામ કરવા માંડે છે ને એ પણ કોઇ સાયન્સની કિતાબ વાંચી વાંચીને! પછી એ રોબો વધારે બગડી જાય છે ને આસપાસ તોડફોડ કરાવા માંડે છે, પોતાના માલિકને જ મારી નાખવા માંડે છે!
આજે AI દ્વારા અનેક ક્ષેત્રોમાં કામકાજ, રોજગાર માણસ પાસેથી છીનવાઇ રહ્યા છે તો ફિલ્મો કેમ રહી જાય?
તાજેતરમાં રિલીઝ થયેલ અભિનેતા રીતેશ દેશમુખની મરાઠી ફિલ્મ ‘છત્રપતિ શિવાજી’ની હિન્દી આવૃત્તિ જોઇને ફિલ્મકારો મોંમાં આંગળા નાખી ગયા. AI આધારિત વોઇસ ટેક્નોલોજીની મદદથી કલાકારોના મૂળ અવાજને મરાઠીમાંથી હિંદીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. દર્શકોને એવું જ લાગે કે કલાકારો હિન્દીમાં જ બોલી રહ્યા છે.
માત્ર અવાજ જ નહીં, હોઠની હિલચાલ પણ ભાષા સાથે મેળ ખાતી દેખાય. અગાઉ આ કામમાં મોટા ડબિંગ સ્ટુડિયો, અનેક કલાકારો, અનુવાદકોને ખૂબ સમય લાગતો. હવે પલક ઝપકતા કામ તૈયાર અને એ પણ સાવ સસ્તામાં! એક જ ફિલ્મને દસ કે પંદર ભાષાઓમાં ઝડપથી રજૂ કરી શકાશે. પ્રોડ્યુસરોના ખર્ચાઓ ઘટશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ધંધાનો વ્યાપ વધશે. પ્રાદેશિક ફિલ્મોને નવી નવી તકો મળશે. નિર્માતાઓ માટે આ અઈંની ટેકનિક એક ક્રાંતિ છે, પણ દરેક ક્રાંતિ કિંમત કે ભોગ માગે છે ને આમાં અપાશે કલાકારો કે લેખકોનો ભોગ.
મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતામાં હજારો વોઇસ આર્ટિસ્ટ, ડબિંગ કલાકારો, સાઉન્ડ ટેક્નિશિયન અને અનુવાદકો કામ કરે છે. તેમની વચ્ચે હવે એક સવાલ ચર્ચાઈ રહ્યો છે- જો મશીન મારો અવાજ શીખી જશે તો પછી મારી જરૂર કેટલી રહેશે? નાના નાના કલાકારો આનાથી જ ઘર ચલાવતા અને મોટા કલાકારો હવે પોતાનો ચહેરા કે અવાજને પેટંટ બનાવીને કોઇ કોપી ના કરે એની કાનૂની કાર્યવાહી કરવા લાગ્યા છે. આ ચિંતા માત્ર ડબિંગ પૂરતી મર્યાદિત નથી. પોસ્ટર ડિઝાઇનર, એડિટર, સંગીતકાર, ગીતકાર અને લેખકો પણ ભાવિની અસલામતી અનુભવવા લાગ્યા છે.
2023માં હોલિવૂડના લેખકોની ‘પેન ડાઉન’ નામની ‘કલમ રોકો’ જેવી ઐતિહાસિક હડતાળનું કારણ જ AI હતું. લગભગ 6 મહિના હોલિવૂડમાં શૂટિંગ બંધ રહેલું. લેખકોને ડર હતો કે મોટી મોટી ફિલ્મ કંપનીઓ/નિર્માતાઓ AI પાસે સ્ક્રિપ્ટનો પહેલો મુસદ્દો કે ડ્રાફ્ટ લખાવશે અને પછી અમુક સારા લેખકોને માત્ર કથા, પટકથા, સંવાદ મઠારવા માટે નજીવી કિંમતે બોલાવશે.
અભિનેતા, અભિનેત્રીઓને પણ ચિંતા છે કે જો સ્ટુડિયો એક દિવસ માટે કલાકારનો ચહેરો અને અવાજ સ્કેન કરી લે તો શું ભવિષ્યમાં તેની ડિજિટલ નકલનો ઉપયોગ અનંત વખત થઈ શકશે? એક અમેરિકન અભિનેત્રીએ મજાકમાં કહ્યું હતું, મને હવે ડર લાગે છે કે હું ઘરે સૂતી હોઉં અને મારું ડિજિટલ સ્વરૂપ ક્યાંક કોઈ ફિલ્મમાં કામ કરતું હોય! આ મજાક પાછળ એક ગંભીર સત્ય છુપાયેલું છે.
આજે હોલિવૂડમાં ભીડના દૃશ્યો માટે હજારો એક્સ્ટ્રા કલાકારો બોલાવવાની જરૂર ઓછી થવા લાગી છે. થોડાક લોકોને સ્કેન કરીને કમ્પ્યુટર હજારો લોકોની ભીડ ઊભી કરી શકે છે. સાઉન્ડ ઇફેક્ટ, ટ્રેલર, બેકગ્રાઉન્ડ લોકેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, માર્કેટિંગ વગેરેમાં એ.આઈ. ઝડપથી ઘુસી રહ્યું છે. કેટલીક ફિલ્મ કંપનીઓ તો હવે વૃદ્ધ કલાકારોને યુવાન દેખાડવા કે મૃત કલાકારોને ફરીથી પડદા પર જીવંત કરવા માટેય AIનો ઉપયોગ કરી રહ્યા છે.
તાજેતરમાં સસ્પેન્સ નવલકથાની દંતકથા સમાન લેખિકા અગાથા ક્રિસ્ટીના પ્રપૌત્ર જેમ્સ પ્રિચાર્ડને પૂછવામાં આવ્યું, શું AI ક્યારેય અગાથા જેવી નવલકથાઓ લખી શકશે? ત્યારે જેમ્સે કહ્યું, AI અગાથા ક્રિસ્ટીની શૈલીની નકલ ચોકકસ કરી શકે, પરંતુ અગાથા ક્રિસ્ટી જે રીતે વાર્તાને અચાનક નવા વળાંક પર લઈ જતી હતી, એ સર્જનાત્મક છલાંગ મશીન માટે હજુય મુશ્કેલ છે. મશીન ભૂતકાળમાંથી શીખે છે, જ્યારે મહાન સર્જક ભવિષ્ય સર્જે છે. આ વાત માત્ર સાહિત્ય માટે નહીં, ફિલ્મો માટે પણ એટલી જ સાચી છે.
જોકે દરેક નવી ટેક્નોલોજી શરૂઆતમાં ડર ઊભો કરે છે. મૂંગી ફિલ્મો પછી જ્યારે બોલતી ફિલ્મો આવી ત્યારે મૂંગી ફિલ્મોના કલાકારો હલી ગયેલા, અમુક તો બેકાર થઇ ગયેલા. રંગીન ફિલ્મો આવી ત્યારે ઘણા લોકોએ કહ્યું કે હવે સિનેમા ખતમ થઈ જશે. ટેલિવિઝન આવ્યું ત્યારે સિનેમાના મૃત્યુની આગાહી થઈ હતી,પણ આખરે કોઇપણ ટેક્નોલોજી માત્ર સાધન છે, સર્જક નથી. એક વાત મશીન હજુયે નથી કરી શકતું: એ માણસનું ધબકતું જીવન નથી જીવી શકતું!
કમ્પ્યુટર હજારો પ્રેમકથાઓ વાંચી શકે છે, પરંતુ પ્રથમ પ્રેમનો ધબકારો અનુભવી શકતું નથી. તે લાખો સંવાદોનું વિશ્ર્લેષણ કરી શકે છે, પણ બાપના ખભા પર બેઠેલા બાળકનું સુખ જાણતું નથી. તે શોકગીત લખી શકે છે, પણ પ્રિયજનને વિદાય આપ્યા પછીની ખાલી સાંજને અનુભવી શકતું નથી.
ફિલ્મો આખરે ટેક્નોલોજીથી નહીં, દિલથી બને છે. રાજ કપૂરથી લઇને રણબીર કપૂરની આંખોનું સપનું કે દિલીપ કુમાર કે આમિર ખાનનું રુદન, બિમલ રોય કે ઋષિકેશ મુખર્જીની સંવેદના, મણિ રત્નમની સર્જકતા, મનમોહન દેસાઇ કે કિશોરકુમારની મેડનેસ, સત્યજિત રેની કલાત્મકતા લાવી શકતું નથી. સની દેઓલ કે અમિતાભનો ગુસ્સો, દેવ આનંદ-રાજેશ ખન્ના કે મધુબાલાની રોમેન્ટિક અદાઓ સર્જવા AI કે કમ્પ્યુટરનું અલ્ગોરિધમ કામ આવશે?
મધરાતે કોઇ લેખકને અચાનક કોઈ વાર્તા કેમ સૂઝે છે? એક કવિને પ્રેમભંગ પછી ગીત કેમ લખવાનું મન થાય છે? એક દિગ્દર્શક વર્ષો સુધી એક દૃશ્યને મનમાં કેમ સાચવી રાખે છે? આ બધાના જવાબો કમ્પ્યુટર પાસે નથી, કારણ કે ફિલ્મ માત્ર વિચારો, કલ્પનાઓ કે ચિત્રોની ભેળપૂરી નથી. એ માણસના સપનાઓ, ડર, પ્રેમ, પીડા અને આશાઓનું પ્રતિબિંબ છે. અઈં સિનેમાનું શરીર બદલી શકશે, પણ આત્મા હજુય પણ હાડચામના દિલમાં જ વસે છે.