Tue Oct 06 2026

Logo

ફિલ્મનાં મુહૂર્ત: મહત્ત્વાકાંક્ષાથી મોંકાણ સુધીની દાસ્તાન...

2026-09-25 11:20:54
Author: Henry Shastri
ફિલ્મનાં મુહૂર્ત: મહત્ત્વાકાંક્ષાથી મોંકાણ સુધીની દાસ્તાન...

હિન્દી ફિલ્મઉદ્યોગમાં સિનેમાનું શૂટિંગ શરૂ કરતા પહેલાં જોવાતું મુહૂર્ત અને મુહૂર્ત શોટનો ઈતિહાસ મજેદાર છે

હેન્રી શાસ્ત્રી

સુભાષ દેસાઈ નિર્મિત ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ અને મુહૂર્ત માટે મનહરલાલ રાંદેરિયાનો ઉલ્લેખ

ખ્યાતનામ સંગીત્કાર કલ્યાણજીભાઈની પુણ્યતિથિ (24 ઓગસ્ટ) નિમિત્તે એમની સંગીતયાત્રાની મોજ માણતી વખતે અનેકવાર સાંભળેલું ફિલ્મ ‘નાગિન’નું લતાદીદીનાં સ્વરમાં ‘મન ડોલે મેરા તન ડોલે’ ફરી એકવાર એના બીન સંગીતને કારણે સાંભળવાની લાલચ રોકી ન શકાઈ. એ સાંભળ્યા પછી સંગીત દિગ્દર્શક તરીકેની તેમની પ્રથમ સ્વતંત્ર ફિલ્મ ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ના ગીતો સાંભળવાની પણ ઈચ્છા થઈ. ફિલ્મના ટાઈટલ્સ જોતી વખતે બે અસાધારણ વાત જાણવા મળી. એક વાત એ છે કે ટાઈટલ દરમિયાન નક્કી કરેલું સંગીત વાગતું હતું, પણ જેવું ટાઈટલમાં સંગીત કલ્યાણજી વીરજી (Music KALYANJI VIRJI) આવ્યું એટલે મૂળ સંગીતની જગ્યાએ ‘નાગિન’માં કલ્યાણજીભાઈએ કલેવાયોલિનની મદદથી વગાડેલી યાદગાર ધૂન વાગવા લાગી. ‘નાગિન’માં વગાડેલી આ ધૂનથી જ કલ્યાણજીભાઈની નામનાની શરૂઆત થઈ હતી. જાણે કે દર્શકોને જણાવવું હોય કે ‘પેલા બીનવાળા કલ્યાણજીભાઈનું આમાં સંગીત છે.’ 

ટાઈટલ્સમાં બીજો રસપ્રદ અને સુખદ આશ્ર્ચર્ય આપનારો ઉલ્લેખ હતો Mahurat Time By Manharlal Randeria- ફિલ્મના મુહૂર્તનો સમય મનહરલાલ રાંદેરિયાએ નક્કી કર્યો હતો.

ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા લોકો અને વિશેષ કરીને ગુજરાતીઓ મુહૂર્ત (કોઈ સારું કામ આરંભવાનો અનુકૂળ ને શુભ દિવસ કે વખત)માં બહુ માનતા હતા. હજી પણ માને છે. કદાચ ટકાવારીમાં અને શૈલીમાં બદલાવ આવ્યો હશે. જ્યોતિષ પાસે યોગ્ય દિવસ, ચોઘડિયું અને સમય કઢાવી એ જ સમયે શ્રીફળ વધેરી કે બીજી કોઈ રીતે ફિલ્મનું મુહૂર્ત થતું હતું. આ ફિલ્મના નિર્માતા (સુભાષ દેસાઈ), દિગ્દર્શક (બાબુભાઈ મિસ્ત્રી) અને સંગીતકાર (કલ્યાણજી વીરજી) ગુજરાતી હતા. મનહરલાલ રાંદેરિયા સુભાષ દેસાઈના પારિવારિક જ્યોતિષ હતા. નિર્માતાઓ જ્યોતિષી મનહરલાલ રાંદેરિયાના જ્યોતિષ અને મુહૂર્તના સમય પર ગાઢ વિશ્વાસ રાખતા હતા. જોકે, સ્ક્રીન પર સત્તાવાર રીતે તેમનો આભાર માનવામાં આવ્યો હોય એવું અન્ય ઉદાહરણ હોય તો પણ જાણમાં નથી.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મુહૂર્ત શોટ એ માત્ર એક શૂટિંગની શરૂઆત નથી, પરંતુ એક પવિત્ર અને સાંસ્કૃતિક પરંપરા છે. અગાઉ ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જોઈને એક શુભ સમય (મુહૂર્ત) નક્કી કરવામાં આવતો હતો. આ શુભ ક્ષણે લેવામાં આવતા ફિલ્મના સૌથી પહેલા શોટને ‘મુહૂર્ત શોટ’ કહેવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ શુભ ઘડીએ કામ શરૂ થાય એ રહ્યો છે.

મુહૂર્ત શોટ દરમિયાન સામાન્ય રીતે મુખ્ય ત્રણ વિધિ કરવામાં આવતી. પ્રથમ સેટ પર ગણપતિ પૂજા કરી વિઘ્નો દૂર કરવા માટે નાળિયેર વધેરવામાં આવે. ત્યારબાદ સામાન્ય રીતે ફિલ્મના હીરો-હીરોઈન કે ડાયરેક્ટર નહીં, પણ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ વરિષ્ઠ કલાકાર, સગા-સંબંધી અથવા ચીફ ગેસ્ટ આવીને ક્લેપ બોર્ડ વગાડે છે. કોઈ અન્ય દિગ્ગજ ડાયરેક્ટર કે કેમેરામેન આવીને એ પવિત્ર શોટ વખતે ‘એક્શન’ બોલે અને કેમેરો રોલ થાય છે.

1970ના દાયકામાં મુહૂર્ત શોટનું ચલણ ખાસ્સું વધી ગયું. એ શોટ માત્ર શૂટિંગની શરૂઆત નહોતી, પણ ફિલ્મની સત્તાવાર જાહેરાત અને પીઆર ઇવેન્ટ બની ગઈ હતી. પત્રકારો અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સને ખાસ આમંત્રણ આપવામાં આવતું. કલાકારો બનીઠનીને આવતા અને ઘણીવાર મુહૂર્ત શોટ માટે ભજવાયેલો સીન મુખ્ય ફિલ્મમાં જોવા ન મળતો. માત્ર પ્રતીકાત્મક ટેક હોય જે કેમેરામાં રેકોર્ડ કરવામાં આવતો. રાષ્ટ્રીય ઉત્સવ હોય એ રીતે મુહૂર્ત પાર પડતું હતું. દિલીપ કુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાને સૌથી વધુ આમંત્રણ મુહૂર્ત માટે મળતાં હતાં. રાજીવ રાયની ‘વિશ્વાત્મા’(1992) ફિલ્મનું મુહૂર્ત ખાસ્સું ગાજ્યું હતું. મુહૂર્ત સમારોહમાં એ સમયે મુંબઈમાં જેમની હાક વાગતી હતી એ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ ક્લેપબોર્ડથી મુહૂર્ત શોટ કરાવ્યો હતો. એને ભરપૂર પબ્લિસિટી મળી હતી. આજે ડિજિટલ યુગમાં મુહૂર્તની ઝાકઝમાળની ઘણેઅંશે બાદબાકી થઈ ગઈ છે. જોકે, નામાંકિત ફિલ્મમેકરો શૂટિંગના પહેલા દિવસે ‘મુહૂર્ત પૂજા’ કરી સોશ્યલ મીડિયા પર ક્લેપ બોર્ડનો ફોટો શેર કરીને ફિલ્મની સત્તાવાર જાહેરાત કરે છે.

મુહૂર્ત પછી ઉઠમણું:

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મુહૂર્તની રોચક કહાણી જાણ્યા પછી હવે એક અણગમતી વાત પણ જાણી લો. વાજતેગાજતે ફિલ્મનું મુહૂર્ત અને મુહૂર્ત શોટ લીધા પછી એ પ્રથમ શોટ જ ક્યારેક અંતિમ શોટ બની ગયો હોય એવી ઘણી ફિલ્મો ઈતિહાસના ચોપડે જમા છે. મુહૂર્ત બહુ ધામધૂમથી થાય, મોટી સ્ટારકાસ્ટ સાઇન થાય, પણ એ મુહૂર્ત શોટ પછી ફિલ્મ ક્યારેય આગળ વધી જ ન શકે. નાણાંની અછત અથવા આંતરિક વિવાદોને કારણે આવી ફિલ્મો કાયમ માટે ડબ્બામાં બંધ થઈ જતી. સૌથી ખ્યાતનામ ઉદાહરણ છે સુભાષ ઘઈની ફિલ્મ ‘દેવા’નું. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકા એક ડાકુની હતી. એના ગેટઅપમાં અમિતજીની કેટલીક તસવીરોએ આકર્ષણ જન્માવ્યું હતું. આ અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મના મુહૂર્તની ખાસ્સી ચર્ચા થઈ હતી. જોકે. વૈચારિક મતભેદોને કારણે મુહૂર્ત શોટ પછી આગળ શૂટિંગ નહોતું થઈ શક્યું. જે. પી. દત્તાની ‘બંધુઆ’ (અમિતાભ - માધુરી), નીરજ પાંડેની ‘ચાણક્ય’ (અજય દેવગન) જેવાં ઘણાં ઉદાહરણ છે જે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા સાબિત થયા હતા.