Wed Aug 19 2026

Logo

સાંગલીમાં 'શોલે' સ્ટાઈલ ડ્રામા: પ્રેમિકાને 'હા' પડાવવા પ્રેમી મોબાઈલ ટાવર પર ચડ્યો

2026-08-09 16:33:59
Author: Mumbai Samachar Team
Article Image

સાંગલી: મહારાષ્ટ્રના સાંગલીના કુપવાડ વિસ્તારમાં 'શોલે' ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે. અજય જાધવ નામનો યુવક પોતાની પ્રેમિકા તેના પ્રેમનો એકરાર કરે તે માટે ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. યુવકે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી તેની પ્રેમિકા આવીને 'હા' નહીં કહે ત્યાં સુધી તે નીચે નહીં ઉતરે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

કુપવાડા વિસ્તારમાં રહેતો અજય જાધવ આજે બપોરે અચાનક એક ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. શરૂઆતમાં આસપાસ હાજર લોકોને આ મામલે કંઈ ખબર પડી નહોતી. બાદમાં યુવકે નીચે આવવાની મનાઈ ફરમાવતા લોકો સમક્ષ પોતાની માગ રજૂ કરી હતી. આ સૂચના મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

મોબાઈલ ટાવર પર બેઠેલા આ યુવકને પોલીસ દ્વારા પણ સમજાવવામાં આવ્યો હતો. આ ખબર વિસ્તારમાં ઝડપથી ફેલાઈ જતા આસપાસના વિસ્તારના સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેના લીધે ભારે ભીડ એકથી થઈ ગઈ હતી. 

કુપવાડા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર આનંદરાવ ઘાટગે અને તેમની ટીમે યુવકને સમજાવવા સતત પ્રયાસો કર્યા હતા. પોલીસે વિડિયો કોલ દ્વારા પણ વાતચીત કરી હતી, અને તેને વિશ્વાસ અપાવ્યો હતો કે તે સુરક્ષિત નીચે આવીને પોતાની વાત રજૂ કરે. 

અથાગ પ્રયત્નો બાદ અજય નીચે આવવા સંમત થયો હતો. બાદમાં સુરક્ષિત નીચે ઉતરી ગયા બાદ સ્થાનિકો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે રાહતના શ્વાસ લીધા હતા. હાલમાં આ ઘટના પર લોકો વચ્ચે ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે. મોબાઈલ ટાવરથી યુવક નીચે તો ઉતરી ગયો પરંતુ તેની પ્રેમિકાએ 'હા' કહ્યું કે નહીં તે વાત અધૂરી છે, પરંતુ સૌના માટે શોલે ફિલ્મમાં બસંતીને મનાવવા માટે ધર્મેન્દ્ર પાણીની ટાંકી પર ચઢી જાય છે, ત્યારપછી બસંતીને લગ્ન કરવા માટે મનાવે છે, ત્યારે ગામ આખામાં ચર્ચાનું કારણ બની જાય છે.