Sat Sep 05 2026

Logo

બિહારમાં રચાયો ઈતિહાસ: પહેલીવાર ભાજપના મુખ્યપ્રધાન, સમ્રાટ ચૌધરીએ લીધા શપથ!

2026-04-15 11:57:00
Author: Savan Zalariya
બિહારમાં રચાયો ઈતિહાસ: પહેલીવાર ભાજપના મુખ્યપ્રધાન, સમ્રાટ ચૌધરીએ લીધા શપથ!

પટના: બિહારના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. નીતીશ કુમારની વિદાય બાદ, ગઈકાલ સુધી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન રહેલા સમ્રાટ ચૌધરીએ આજે બુધવારે મુખ્યપ્રધાન બન્યા છે. આજે બુધવારે બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈને પટનાનાં લોકભવન ખાતે સમ્રાટ ચૌધરીને પદના શપથ લેવડાવ્યા. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યપ્રધાન પદના શપથ લેતાની સાથે જ ઈતિહાસ રચાયો છે, પહેલી વાર કોઈ ભાજપ નેતા બિહારના મુખ્ય પ્રધાન બન્યા છે.
 
મુખ્ય હિન્દી ભાષી રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણાઅ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં ભાજપના મુખ્યપ્રધનો છે, પરંતુ બિહાર અપવાદ હતું. હવે ભાજપના સમ્રાટ ચૌધરી બિહારના મુખ્ય પ્રધાન બનતા આ સ્થિતિ બદલાઈ ગઈ છે, હવે તમામ મુખ્ય હિન્દી ભાષી રાજ્યોમાં ભજપના મુખ્ય પ્રધાનો છે.

સમ્રાટ ચૌધરી સાથે બિજેન્દ્ર પ્રસાદ યાદવ અને વિજય કુમાર ચૌધરીએ પણ બિહારના નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. સૌથી લાંબા સમય સુધી બિહારના મુખ્ય પ્રધાન પદ પર રહ્યા બાદ નીતિશ કુમારે મંગળવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું, હવે તેઓ રાજ્યસભાના સભ્ય છે.

નીતિશ કુમારે X પર પોસ્ટ કરી નવી સરકારને શુભેચ્છા પાઠવી, તેમણે લખ્યું, "હવે નવી સરકાર બિહારમાં કામ સંભાળશે. નવી સરકારને મારો સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન મળશે." 

ચૌધરીએ X પર એક પોસ્ટમાં પાર્ટી નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો, અને આ ભૂમિકાને બિહારના લોકોની સેવા કરવાની "પવિત્ર તક" ગણાવી.