Thu Aug 20 2026

Logo

સામખિયાળીમાં રેકોર્ડ ૪૬ કલાકમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી પૂર્ણ: ટ્રેનોની ક્ષમતા અને સુરક્ષામાં વધારો થશે

2026-08-03 13:09:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના સામખિયાળી જંક્શન ખાતે નિર્ધારિત સમયમર્યાદામાં માળખાકીય સુધારણા અંતર્ગત ૪૬ કલાકનું જટિલ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. સામખિયાળી-ભચાઉ રેલવે સેક્શનની ચાર લાઇન અને આધુનિક એ.આઈ આધારિત સિગ્નલ સિસ્ટમના અમલીકરણથી માલ પરિવહન કોરિડોરની ક્ષમતા વધશે તેમજ ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, ઝડપી અને કાર્યક્ષમ બનશે.

અમદાવાદ મંડળના રેલ પ્રબંધક વેદપ્રકાશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સામખિયાળી, વોંધ અને ભચાઉ વચ્ચેના બે બ્લોક સેક્શનમાં ચાર લાઇન અને ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ માટે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મંડળ અને ડીએફસી ટુકડીઓના આયોજનના પરિણામે આ પડકારજનક કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ થયું છે. કામગીરી દરમિયાન ૧૬૨ જેટલી ટ્રેનોનું સુચારુ સંચાલન કરાયું હતું, જ્યારે બ્લોક પહેલાં માત્ર એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૩૦ માલગાડીઓ દોડાવીને માલ પરિવહન અવિરત રાખવામાં આવ્યું હતું.

આ નોન-ઇન્ટરલોકિંગ કાર્યની શરૂઆત ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યે કરાઈ હતી અને ૨ ઓગસ્ટે બપોરે ૩ વાગ્યે રિ-કનેક્શન મેળવી લેવાયું હતું. કુલ ૪૫ કલાક અને ૧૫ મિનિટની કામગીરી દરમિયાન ૧૬૭ રૂટ્સ, ૮૨ સિગ્નલ્સ તથા ટ્રેક, ૨૧ ક્રોસ ઓવર અને ૩ લેવલ ક્રોસિંગ ગેટ્સનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પરીક્ષણ બાદ પોઇન્ટ નંબર ૧૪૨ (રિવર્સ પોઝિશન) સિવાયના તમામ સિગ્નલ ગિયર્સને સંચાલન માટે ફીટ જાહેર કરાયા છે. જોકે, લાઇન નંબર ૦૪,૦૬ અને ૦૭ હાલમાં ઇલેક્ટ્રિક ટ્રેનોના સંચાલન માટે અનફીટ દર્શાવાઈ છે. રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ, નવનિર્મિત રેલલાઇનનું નિયમિત સંચાલન રેલવે સુરક્ષા આયુક્તના નિરીક્ષણ અને મંજૂરી બાદ જ શરૂ કરાશે, જ્યારે વોંધ અને સામખિયાળી વચ્ચેની ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ વોંધ સ્ટેશનનું કામ પૂર્ણ થયા પછી કાર્યાન્વિત થશે.  

(ઉત્સવ વૈદ્ય)