Sun Sep 06 2026

Logo

મુંબઈમાં બે સ્પેસ હીરો રાકેશ શર્મા અને શુભાંશુ સાથે સચિનની યાદગાર ક્ષણો

2026-02-19 21:14:08
Author: Ajay Motiwala
મુંબઈમાં બે સ્પેસ હીરો રાકેશ શર્મા અને શુભાંશુ સાથે સચિનની યાદગાર ક્ષણો

મુંબઈઃ બૅટિંગ-લેજન્ડ અને વિશ્વના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન સર ડોનાલ્ડ બ્રેડમૅનની હરોળમાં ગણાતા સચિન તેન્ડુલકરે મુંબઈ ક્લાઇમેટ વીક દરમ્યાન ખાસ ક્ષણો માણી હતી જેમાં વિશેષ કરીને દેશના બે સ્પેસ-હીરો (Space hero) રાકેશ શર્મા તથા શુભાંશુ શુક્લા સાથેની પળોને સચિને (Sachin) અવિસ્મરણીય અને યાદગાર અનુભવ તરીકે ગણાવી હતી.

લિટલ ચૅમ્પિયન સચિન તેન્ડુલકર ભારતીય હવાઈ દળનો માનદ ગ્રૂપ કૅપ્ટન છે. તેણે કહ્યું હતું કે 1984માં રાકેશ શર્માએ અને 2025માં શુભાંશુ શુક્લાએ જે ઐતિહાસિક અવકાશી સફર કરી એ સફર પ્રત્યેક દેશવાસીના દિલમાં વસી ગઈ છે અને એકેએક ભારતીય તેમની સિદ્ધિથી મંત્રમુગ્ધ છે.

ભારતીય હવાઈ દળના માનદ સભ્ય હોવા બદલ સચિને આ દળના યુનિફૉર્મ વિશે ગૌરવ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ` જે બે અસાધારણ અધિકારીઓ (સ્પેસ નિષ્ણાતો) દેશભાવનાને પૃથ્વીથી અનેક માઇલો દૂર અવકાશમાં લઈ ગયા તેમની સાથેની આ મુલાકાત મારા માટે ગર્વ લેવા જેવી અને પ્રશંસનીય છે.'

શુભાંશુ શુક્લા પોતાની સાથે અવકાશમાં જે બેજ લઈ ગયા હતા અને ધરતી પર પાછું લાવ્યા હતા એ તેમણે સચિનને ભેટ આપ્યું હતું અને સચિને કહ્યું હતું કે આ બેજ તેના માટે જીવનભર અમૂલ્ય યાદગીરી સમાન બની રહેશે.