Sun Jul 26 2026

Logo

વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી 6 દેશોના પ્રવાસે, શું છે આ વિદેશ પ્રવાસનું અસલી કારણ?

2026-07-05 10:16:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતના વિદેશ પ્રધાન (External Affairs Minister) ડૉ. એસ. જયશંકર આજથી 15 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક (અમેરિકા) અને બ્રસેલ્સ (બેલ્જિયમ) ના સત્તાવાર પ્રવાસે રવાના થયા છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર શેડ્યૂલ અનુસાર, આ 11 દિવસીય બહુરાષ્ટ્રીય પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ખાડી દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું કદ વધારવાનો અને યુરોપિયન યુનિયન (EU) સાથે વેપાર-ટેકનોલોજી કરારોને આગળ ધપાવવાનો છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરનું સંપૂર્ણ શેડ્યૂલ

તારીખ 5 થી 10 જુલાઈ દરમિયાન વિદેશ મંત્રી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ પોતાના સમકક્ષો અને ત્યાંના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો મુખ્ય ફોકસ દ્વિપક્ષીય સંબંધો સુધારવા, પ્રાદેશિક વિકાસ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો રહેશે.

તારીખ 13 જુલાઈએ જયશંકર અમેરિકાના ન્યૂયોર્ક જશે, જ્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના વર્ષ 2028-29 ના કાર્યકાળ માટે અસ્થાયી સભ્યપદ મેળવવા માટે ભારતના સત્તાવાર પ્રચાર અભિયાન (Official Campaign) ની શરૂઆત કરશે. ત્યાર બાદ 14 અને 15 જુલાઈએ પ્રવાસના અંતિમ ચરણમાં તેઓ બ્રસેલ્સ પહોંચશે, જ્યાં તેઓ ત્રીજી ભારત-યુરોપિયન યુનિયન (EU) વેપાર અને ટેકનોલોજી પરિષદ (TTC) ની બેઠકમાં ભાગ લેશે.

 

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવ પણ બ્રસેલ્સ જશે

આ પ્રવાસ માત્ર ડિપ્લોમેસી પૂરતો સીમિત નથી, પરંતુ ભારતની આર્થિક અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે પણ ખૂબ મહત્વનો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે માહિતી આપી છે કે, ત્રીજી ભારત-ઇયુ ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC) ની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રેલવે અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ તેમની સાથે બ્રસેલ્સ જશે. 17મા 'ટોય બિઝ ઇન્ટરનેશનલ B2B એક્સ્પો' દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ ઉચ્ચ સ્તરીય બેઠક ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે તાજેતરમાં ફાઇનલાઇઝ થયેલા મુક્ત વેપાર કરાર (Free Trade Agreement - FTA) ને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.