નવી દિલ્હીઃ એવું કહેવાય છે કે ભારતની સાચી સુંદરતા અહીંના ગામડાંઓ, લોકો અને સંબંધોમાં વસે છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વિદેશી મહિલાનો ભારત પ્રવાસનો અનુભવ વાયરલ થઈ રહ્યો છે, જેને તે કદાચ આખી જિંદગી નહીં ભૂલી શકે.
અન્ના નામની એક રશિયન ટ્રાવેલરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને ભારત પ્રવાસનો અનુભવ જણાવ્યો. અન્નાએ કહ્યું કે ભારત આવતા પહેલા લોકોએ તેને સાવચેત રહેવાની સલાહ આપી હતી, પરંતુ અહીં આવ્યા પછી તેનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો. તેણે જણાવ્યું કે ભારતમાં તેને એવા લોકો મળ્યા, જેમણે તેને ક્યારેય એકલતા અનુભવવા ન દીધી.
વીડિયોમાં અન્ના ભારત પ્રવાસની ઘણી સુંદર પળો શેર કરતી જોવા મળી. ક્યાંક તે સ્થાનિક લોકો સાથે વાતો કરી રહી હતી, તો ક્યાંક બાળકો સાથે રમતી જોવા મળી. વીડિયોમાં તે ભારતીય ભોજનનો સ્વાદ લેતી, શેરીઓમાં ફરતી અને સામાન્ય લોકો સાથે નાની-નાની પળોને માણતી જોવા મળી.
'મને દુનિયાના સૌથી પ્રેમાળ લોકો મળ્યા'
વીડિયોના કેપ્શનમાં અન્નાએ લખ્યું કે, ભારત આવતા પહેલા લોકોએ મને કહ્યું હતું કે ત્યાંના લોકોથી સાવધ રહેજે, પરંતુ અહીં મને દુનિયાના સૌથી દયાળુ, જિજ્ઞાસુ અને પ્રેમાળ લોકો મળ્યા.
તેણે જણાવ્યું કે ઘણા લોકોએ કોઈ પણ સ્વાર્થ વગર તેની મદદ કરી, તેને પોતાની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો અને ઘર જેવો અહેસાસ કરાવ્યો. અન્નાએ કહ્યું કે ઘણી વાર અજાણ્યા લોકોએ તેને પૂછ્યું કે તે જમી કે નહીં. કેટલાક લોકોએ તેની સાથે ખાવાનું શેર કર્યું, તો કેટલાક લોકોએ તેને પરિવાર જેવો જ પ્રેમ આપ્યો.
વીડિયોમાં ક્યાંક તે વડના ઝાડ નીચે હીંચકો ખાતી જોવા મળે છે, તો ક્યાંક વાળમાં ગજરો લગાવેલી દેખાય છે. કેટલીક જગ્યાએ તે કેફેમાં સામાન્ય લોકો સાથે વાતચીત કરતી જોવા મળે છે. અન્ના સંપૂર્ણ રીતે ભારતીય સંસ્કૃતિના રંગમાં રંગાયેલી જોવા મળી.
પોસ્ટના અંતે અન્નાએ ફક્ત એટલું જ લખ્યું-thank you india
સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો. ઘણા ભારતીય યુઝર્સે કહ્યું કે વિદેશોમાં અવારનવાર ભારતની નકારાત્મક છબી બતાવવામાં આવે છે, પરંતુ અન્નાએ દુનિયાને દેશની સાચી મહેમાનગતિ બતાવી છે. લોકોએ કોમેન્ટ કરીને લખ્યું કે ભારતમાં મહેમાનને ભગવાન માનવામાં આવે છે અને આ જ આ દેશની સૌથી મોટી સુંદરતા છે.