Sat Sep 12 2026

Logo

ભારતનું સંકટ વધ્યું, રશિયન ઓઇલ પરની યુએસની છૂટ સમાપ્ત, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

2026-05-17 16:02:05
Author: Mumbai Samachar Team
ભારતનું સંકટ વધ્યું, રશિયન ઓઇલ પરની યુએસની છૂટ સમાપ્ત, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

નવી દિલ્હી: વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે દુનિયા પર વધુ એક ઓઇલ શૉકનો ખતરો તોળાઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સમુદ્રમાં રહેલા રશિયન ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની ખરીદી પર આપવામાં આવેલી પ્રતિબંધોની અસ્થાયી (કામચલાઉ) છૂટછાટને લંબાવવાનો ઇનકાર કરી દીધો છે. આના કારણે 16મેની સમયમર્યાદા પૂરી થયા બાદ હવે આ છૂટછાટ ખતમ થઈ ગઈ છે.

શું હતી આ અમેરિકી છૂટછાટ?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) ની નાકાબંધીના કારણે વિશ્વભરમાં કાચા તેલના સપ્લાયને અસર થઈ છે. આ જ સંકટને પહોંચી વળવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવને કાબૂમાં રાખવા માટે વોશિંગ્ટને માર્ચ મહિનામાં પહેલીવાર એક ખાસ છૂટછાટ જાહેર કરી હતી.

આ છૂટછાટ હેઠળ એવા રશિયન તેલ ટેન્કરોમાંથી ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં તેલ પહેલેથી જ લોડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આયાત કરનારા દેશોના દબાણમાં આવીને અમેરિકી નાણા મંત્રાલયે એપ્રિલ મહિનામાં આ સમયમર્યાદા 16મે સુધી વધારી દીધી હતી.

ભારતે કરી હતી છૂટછાટ વધારવાની માંગ

ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોનો એક મોટો હિસ્સો આયાત કરે છે. આ ડેડલાઇન (સમયમર્યાદા) પૂરી થાય તે પહેલા જ ભારતે અમેરિકાને આ છૂટછાટ આગળ વધારવા માટે આગ્રહ કર્યો હતો. વૈશ્વિક તેલ બજારમાં ચાલી રહેલી વધ-ઘટની સીધી અસર ભારતની1.4 અબજની વસ્તી અને દેશના અર્થતંત્ર પર પડી શકે છે.

ભારત પર અસર

અમેરિકાના આ નિર્ણયથી ભારત પર મોટી અસર પડી શકે છે. અખાતી દેશો (ખાડી દેશો) માં ચાલી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમતો 105 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે. અત્યારે તે 109 ડોલર પ્રતિ બેરલની ઉપર છે. છેલ્લા બે મહિનામાં કાચા તેલના ભાવમાં 40% થી વધુનો ઉછાળો આવી ચૂક્યો છે. આ કારણે ભારત જેવા તેલ આયાત કરનારા દેશોનું આયાત બિલ અને નાણાકીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) ખૂબ વધી ગઈ છે. રશિયન તેલ પરની છૂટછાટ ખતમ થવાથી આગામી દિવસોમાં ભારત સહિત વૈશ્વિક બજારોમાં ઇંધણના ભાવ હજુ પણ વધી શકે છે.